રૂપિયા માંગ્યા તો છોકરીનું કરિયર બરબાદની ધમકી આપી: અર્ણબ સામે મૃતક પરિવારનો આરોપ

રિપબ્લીક ટીવીના એડીટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ પછી મૃતક ડિઝાઈનર અન્વય નાયકની પત્ની અક્ષતા નાયક અને તેની પુત્રી આજ્ઞા નાયકે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે અર્નબ ગોસ્વામી પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, મે 2018નો એ દિવસ તેઓ આજે પણ ભૂલ્યા નથી. માતા-પુત્રીએ મહારાષ્ટ્ર પોલીસની કાર્યવાહીને સાચી જણાવી હતી.

રિપોર્ટ મુજબ મૃતક ડિઝાઈનરની પત્ની અક્ષતા નાયકે કહ્યું હતું કે, મારા પતિએ એક સુસાઈડ નોટ છોડી હતી, જેના પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ સુસાઈડ નોટમાં ફિરોઝ શેખ, અર્નબ ગોસ્વામીના સ્પષ્ટ નામો હતા. તેમણએ કહ્યું હતું કે અર્નબ પાસેથી મારે 83 લાખ રૂપિયા લેવાના બાકી છે તો ફિરોઝ પાસે ચાર કરોડ રૂપિયા માગવા પર તે મારવાની ધમકી આપે છે.

અક્ષતા નાયકે ગંભીર આરોપો લગાવતા કહ્યું હતું કે, અર્નબે તેમને ઘણી વખત ધમકીઓ આપી હતી. જ્યારે રૂપિયા માંગ્યા તો કહ્યું, તમારી છોકરીનું કરિયર બરબાદ કરી દઈશ. ઘરે ધમકીના ફોન આવતા હતા અને આવતા જતા લોકો અમારો પીછો કરતા હતા. સાથે જ અર્નબના સ્ટેટમેન્ટને જોઈન્ટ સીપીના ઓફિસમાં નોંધાવવા બદલ પણ અક્ષતા નાયકે સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, અર્નબે અલીબાગ આવીને સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવવાનું હતું, તો આટલી ખાતીરદારી શા માટે આપવામાં આવી.

આ હતો કેસ

પોલીસે કહ્યું હતું કે, કોનકોર્ડ ડિઝાઈન્સ પ્રાઈવેટ લિમીટેડના માલિક અન્વય નાયકે સુસાઈડ નોટમાં દાવો કર્યો હતો કે, ગોસ્વામી, આઈકાસ્ટએક્સ/સ્કીમીડિયાના ફિરોઝ શેખ અને સ્માર્ટ વર્ક્સના નિતીશ સારદાના બાકીના પૈસા પાછા ન આવવાને લીધે તેઓ આત્મહત્યા કરી રહ્યા છે. પોલીસે કહ્યું હતું કે સુસાઈડ નોટ પ્રમાણે આ ત્રણે કંપનીઓએ નાયકને અનુક્રમે 83 લાખ રૂપિયા, ચાર કરોડ રૂપિયા અને 55 લાખ રૂપિયા આપવાના હતા. સુસાઈડ નોટમાં જે અન્ય બે લોકોના નામ આપવામાં આવ્યા હતા, તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. બાકીના પૈસા પાછા આપ્યા હોવાના દાવા પર રિપબ્લિક ટીવીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે તેમણે કોનકોર્ડને બધા પૈસા ચૂકવી દીધા હતા.

Leave a Reply

Translate »