‘ગુડ સમરિટન’ની માનવતા ઉજાગર થઈ: જિલ્લા કલેક્ટરે સન્માનિત કર્યા

‘ગુડ સમરિટન’ની માનવતા ઉજાગર થઈ: જિલ્લા કલેક્ટરે સન્માનિત કર્યા

સુરતઃ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડનાર પાંચ ‘ગુડ સમરિટન’ને જિલ્લા કલેકટરે પ્રશંસાપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. જે પૈકી ટ્રાફિક પોલીસ એ.એસ.આઇ.શ્રી મહેન્દ્રભાઇ બાબુરાવ અને જાગૃત્ત નાગરિક કુશંગભાઇ પ્રવિણભાઇ દેસાઇની માનવીય સંવેદના ઉજાગર થઈ છે:-

ટ્રાફિક પોલીસ એ.એસ.આઇ.શ્રી મહેન્દ્રભાઇ બાબુરાવે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને વિનાવિલંબે હોસ્પિટલ પહોંચાડ્યા હતા

ટ્રાફિક પોલીસ એ.એસ.આઇ.શ્રી મહેન્દ્રભાઇ બાબુરાવે વરેલી ગાર્ડન શાંતિનગરમાં રહેતા અને અકસ્માતમાં ઘાયલ થયેલા ઓમકાર ભવાનીસિંગનો જીવ બચાવવામાં નિમિત્ત બન્યા હતા. ભવાનીસિંગ પોતાની સાઈકલ ઉપર વરેલી હરિપુરા પાટીયા પાસેથી પસાર થતા હતા તે દરમિયાન લકઝરી વાહનને ટક્કર મારતા તેમના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જે માહિતી જિલ્લા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એ.એસ.આઇ. મહેન્દ્રભાઇ બાબુરાવને મળતા તુરંત ઘટના સ્થળે પહોંચ્યાં હતા. જ્યાં ક્ષણભરનો વિલંબ કર્યા વગર કડોદરા સ્થિત સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. આમ તેમણે ગોલ્સન અવર્સ દરમ્યાન માનવ જિંદગી બચાવવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. જે બદલ કલેક્ટરશ્રીએ તેમને સન્માનિત કર્યા હતા.

કામરેજ તાલુકાના દિગસના રહીશ કુશાંગભાઇ દેસાઇ અકસ્માતગ્રસ્તની વ્હારે આવ્યા હતા


કામરેજ તાલુકાના ઓરણા ગામમાં રહેતા અખિલેશભાઇ ચેમાભાઇ ભીલનો દિકરો અયુબ ઓરણાગામે સરકારી દવાખાના તરફથી રોડ ક્રોસ કરી તેઓના ઝુંપડા તરફ આવી રહ્યા હતા, ત્યારે એક પિકઅપ વાહને તેને અડફેટે લીધા હતા. જેથી અયુબને કપાળના ભાગે ગંભીર ઇજા થઇ હતી, અને નાક-કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ બનાવ સાંજના આશરે છ વાગ્યાના સુમારે બન્યો હતો, એ સમયે કામરેજના દિગસમાં રહેતા જાગૃત્ત નાગરિક કુશાંગભાઇ પ્રવિણભાઇ દેસાઇ પસાર થઇ રહ્યા હતા. તેમણે ઘટનાસ્થળે ઉભા રહી ક્ષણભરનો વિલંબ કર્યા વગર ૧૦૮ ઉપર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી ઇજા પામનાર અયુબને સરદાર હોસ્પિટલ, બારડોલી ખસેડ્યા હતા. તેના પરિવારને પણ બારડોલી મોકલી આપ્યાં હતા, અને પરિવારને રૂ.૧૦૦૦ની મદદ પણ કરી હતી. આમ, કુશાંગભાઇએ અયુબ(બાળક)ને ગોલ્ડન અવર્સમાં મદદ કરી માનવજિંદગી બચાવવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજયના તમામ જિલ્લાઓને એક સાથે સંબોધી કેન્દ્ર સરકારની ગુડ સમરિટન યોજનાનું વર્ચ્યુઅલી રિલોન્ચિંગ કર્યું

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક સહિતના ઉચ્ચ અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા

જિલ્લા ક્લેક્ટરશ્રી આયુષ ઓકના હસ્તે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડનાર પાંચ ‘ગુડ સમરિટન’ને પ્રશંસાપત્ર એનાયત

સુરતઃગુરૂવારઃ કેન્દ્ર સરકારની ગુડ સમરિટન યોજનાના રિલોન્ચિંગ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી તમામ જિલ્લાઓના જિલ્લા કલેકટરશ્રીઓ સાથે વર્ચ્યુઅલી સંબોધન કરી કેન્દ્ર સરકારની ગુડ સમરિટન યોજનાનું રાજ્યમાં રિલોન્ચિંગ કર્યું હતું. આ અવસરે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક સહિતના ઉચ્ચ અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.
કોન્ફરન્સ પુર્ણ થયા બાદ કલેકટરશ્રીના હસ્તે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડનાર પાંચ ‘ગુડ સમરિટનને પ્રશંસાપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. જેમાં કુશંગભાઇ પ્રવિણભાઇ દેસાઇ, એ.એસ.આઇ.શ્રી મહેન્દ્રભાઇ બાબુરાવ તેમજ ત્રણ લોકરક્ષકો સર્વશ્રી ઈમ્તિયાઝ ચોકિયા, જિગ્નેશગીરી અને જિતેશભાઈ જીવાભાઈનો સમાવેશ થાય છે.
આ અવસરે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકે જણાવ્યું હતું કે, આપણાં શાસ્ત્રોમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરનારને મહાન ગણવામાં આવ્યાં છે. તેમાં પણ જો અમૂલ્ય માનવ જીવન બચાવવાનો અવસર મળે, સાથોસાથ કેન્દ્ર સરકાર તરફથી પુરસ્કાર પણ મળે તો આપણને મળેલું માનવ જીવન સાર્થક થયું ગણી શકાય. “ગુડ સમરિટન એવોર્ડ” કેન્દ્ર સરકાર તરફથી અમલમાં મુકાયેલી એવી યોજના છે જે ખરા અર્થમાં ગંભીર માર્ગ અકસ્માતમાં દેવદૂત બનીને ઈજાગ્રસ્તોની મદદે આવેલા વ્યક્તિઓને સમર્પિત છે.
“ગુડ સમરિટન” વિશે જણવતા કલેકટરશ્રી કહ્યું હતું કે,ગંભીર માર્ગ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિઓને જો તાત્કાલિક સારવાર મળે તો જાનહાનિ નિવારી શકાય છે. આ યોજના અંતર્ગત અકસ્માત થયાનાં ગોલ્ડન અવરમાં તુરંત મદદે આવનાર વ્યક્તિને “ગુડ સમરિટન” કહેવામાં આવે છે.
“ગુડ સમરિટન એવોર્ડ” વિશે માહિતી આપતા કલેક્ટરશ્રીએ વધુમાં કહ્યું હતું કે, ગુડ સમરિટનને મળવાપાત્ર નાણાંકીય સહાય એવોર્ડ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ, ભારત સરકાર દ્વારા અમલમાં આવેલી આ યોજના અન્વયે એક ગુડ સમરિટન એક અથવા વધુ વ્યક્તિઓના જીવ બચાવે તો રૂ.૫,૦૦૦ની એવોર્ડની રકમ મળવા પાત્ર છે. જો એક કરતાં વધુ ગુડ સમરિટન એક વ્યક્તિનો જીવ બચાવે તો રૂ.૫,૦૦૦ તેમની વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. જો એક કરતાં વધુ ગુડ સમરિટન એક કરતાં વધુ વ્યક્તિઓનો જીવ બચાવે તો મહત્તમ રૂ.૫,૦૦૦ પ્રતિ ગુડ સમરિટન પુરસ્કાર મળે છે એમ તેમણે ઉમેર્યું છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મનુભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, નિવાસી અધિક કલેકટરશ્રી વાય.ડી.ઝાલા, નાયબ કલેક્ટરશ્રી વિક્રમસિંહ ભંડારી, આરટીઓ ઓફિસરશ્રી એમ.આર.ગજ્જર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »