સંબંધી યુવકની હત્યા કરી દિવાલમાં ચણી દીધો, પાંચ વર્ષ બાદ ઉકેલાયો ભેદ!

સુરતમાં હૈયુ કંપકપાવી દે તેવી ઘટના સામે આ‌વી છે. સંબંધી યુવકે જ હત્યા કરીને બીજા યુવકની લાશ દાદરની નીચેના ભાગમાં દિવાલ ચણીમાં ચણી દીધી હતી. પાંચ વર્ષ સુધી આ લાશ અહીં દફન હતી અને સાથે ગુમ યુવકની હત્યાનો ભેદ પણ દફન હતો પરંતુ પોલીસને મળેલી એક બાતમીને આધારે આ ભેદ ઉકેલાતા સનસનાટી મચી ગઈ હતી.

સુરતના એસીપી પંડ્યાએ જણાવ્યું હતું કે,  પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીના વિભાગ-3માં વર્ષ 2015માં  આરોપી રાજુ બિહારીએ પોતાના સંબંધી શિવમ ઉર્ફે કિશનની હત્યા કરીને લાશને દીવાલમાં ચણી દીધી હતી. હત્યા કરનાર રીઢો ગુનેગાર હોય અને તેના પર 30થી વધુ દારૂની હેરાફેરીના કેસ પણ છે. તેને ભરૂચના એક ગુનામાં ત્યાંની જેલમાં બંધ હતો. દરમિયાન તે પેરોલ જંપ કરી ભાગી છુટ્યો હતો. સુરત પોલીસે બાતમીના આધારે તેની અટકાયત કરી હતી અને પૂછપરછ કરતાં હત્યાનો સમગ્ર ભેદ ઉકેલાયો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ આ જાણી ચોંકી ઉઠી હતી અને તુરંત જ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ તેમજ ફોરેન્સિક ટીમ સાથે  પાંડેસરાના ઘરમાં પહોંચી હતી અને દિવાલ તોડતા તેમાંથી હાડપિંજર નીકળ્યું હતું. પોલીસે આખી ઘટનાની વીડીયો ગ્રાફી પણ કરાવી છે જેથી, આરોપી સામે મજબૂત પુરાવા ઉભા કરી શકાય.  પોલીસનુ કહેવું છે કે 2015ની સાલમાં દિવાળીના સમયે જ રાજુ બિહારીએ પોતાના સંબંધી શિવમ ઉર્ફે કિશનની હત્યા કરી હતી. હત્યાના કારણો અને વધુ વિગત પોલીસ પુરતી તપાસ બાદ જાહેર કરશે એમ એસીપી પંડ્યાએ કહ્યું હતું.

Leave a Reply

Translate »