લોકલાગણી, આંદોલનો અને સોશ્યલ મીડીયા પર ચાલતા અભિયાન અને સુરતના ધારાસભ્યોની સંયુક્ત માંગણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સુરતના વરાછા વિસ્તારમાં સરકારી સાયન્સ કોલેજ શરૂ કરવાની જાહેરાત કરી છે અને હાલ નવા મકાન બનાવવા પૂર્વે તેને શરૂ કરવાની ઘોષણા કરી છે ત્યારે આ સરકારી કોલેજનું નામ ગુજરાતના સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નામ પરથી રાખવા અંગે વરાછાના કેટલાક આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. થોડા સમય પૂર્વે સુરતના વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ માટે લોકો રસ્તા પર ઉતરી આવી આંદોલન કર્યું હતું. જેના પગલે વરાછામાં સરકારી સાયન્સ કોલેજની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે હવે વરાછાના લોકો દ્વારા આ સરકારી કોલેજને કેશુભાઈ પટેલનું નામ રાખવા માટે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. ગ્રુપના અગ્રણી સંજયકુમાર સવાણીએ જણાવ્યું હતું કે, કોલેજનું નામ કેશુભાઈ પટેલ રાખવાની માંગણી છે. જેથી આવનારી પેઢી કેશુબાપાને યાદ રાખે. કેશુભાઈએ ગુજરાત માટે ખૂબ યોગદાન આપ્યું છે ત્યારે તે જરૂરી છે.