કથિત ખીચડી-કઢી કૌભાંડમાં શું થયું? કેમ જવાબ આપવાથી કતરાય છે સુરત મનપા?

ખીચડી બનાવાય કે રંધાય? કેમ નવેસરથી કરેલી આરટીઆઈમાં વર્કઓર્ડર, ઠરાવની નકલ સહિતની વિગતોનો તમામ ઝોન તરફથી એક જ જવાબ અપાય છે કે ‘અમને લાગુ પડતું નથી’? નગર સેવકના પત્રનો પણ ઉત્તર કેમ આપી શકાયો નથી? 

  • સ્ટોરી: રાજા શેખ, સુરત

કોરોનાકાળમાં લાગુ કરાયેલા લોકડાઉનમાં કામધંધા વિના અટવાય પડેલા શ્રમિકો-મજબૂરો, ગરીબોને વિનામૂલ્યે ફૂડ પેકેટ (ભોજન) પૂરું પાડનાર 500થી વધુ સામાજિક સંસ્થાઓ અને આગેવાનોએ આગળ આવી સેવાકીય ધર્મ નિભાવ્યો હતો. જોકે, લોકડાઉન દરમિયાન એક અંદાજ મુજબ 3 કરોડથી વધુ લોકોને ભોજન પુરું પડાયું હતું જેની ખૂબ સરાહના કરી તમામને પ્રમાણપત્રો પણ પુરા પડાયા હતા જોકે, બાદમાં 14 જેટલી સંસ્થાઓને તે ફૂડ પેકેટ પુરા પાડવા બદલ  22 કરોડથી વધુ રકમના બિલ સુરત મનપા દ્વારા ચુકવાયા હોવાનું રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં બહાર આવી છે. જેના પરિણામે તપાસ સોંપવાનું મેયર ડો. જગદીશ પટેલે જે તે સમયે કહ્યું હતું પરંતુ બાદમાં આ આખા મામલા પર ઠંડુ પાણી રેડી દેવાયું હોવાનો કકળાટ સામે આવ્યો છે. જોકે, શાસકો તપાસ બાદ બધુ જ નિયમ મુજબ થયું હોવાનું કહી રહ્યાં છે પરંતુ આરટીઆઈ લઈને સીએમ સુધી ફરિયાદ કરનાર કલ્પેશ બારોટનું કહેવું છે કે, મને કોઈ જવાબ અપાતા નથી. મેં દરેક ઝોન પાસે વધારાની વિગતો, વર્ક ઓર્ડર, ઠરાવ, મંગાવવામાં આવેલા અને મંજૂર ભાવ પત્રકની નકલો, કુલ ચુકવવા પાત્ર રકમો સહિતની માહિતી આરટીઆઈ હેઠળ માંગી પરંતુ દરેક સાતેય ઝોનમાંથી એક જ જવાબ મળી રહ્યો છે કે, અમને લાગુ પડતું નથી. મારો સવાલ છે કે, મનપાએ બિલ ચુકવ્યું છે અને ઝોનમાંથી રકમ ચુકવાય છે તો હવે કોને લાગુ પડી રહ્યું છે. જેથી, સીધી વાત છે કે, તેઓ આ મામલે કંઈક રંધાયુ હોય અને તે છુપાવી રહ્યાં છે. જેઓને રકમ ચુકવાય તે પૈકી કેટલીક સંસ્થાઓ, વ્યક્તિઓના ભાજપ શાસકો સાથે સંબંધ હોવાનો આરોપ પણ કલ્પેશ બારોટે લગાવ્યો છે અને કહ્યું છે કે, જે તે સમયે તેઓના ફોટા સોશ્યલ મીડીયા મુકી વિનામૂલ્યે ફૂડ પુરું પાડતા હોવાની વાહવાહી પણ કરાય હતી. જો સેવા જ કરી હતી તો બિલ શા માટે ચુકવાયા?

 

નગર સેવક વિજય પાનસેરિયાએ આ મુદ્દાના જવાબ માંગ્યા પણ વળતો  પ્રત્યુત્તર આજદીન સુધી મળ્યો નથી.

કોંગ્રેસના નગર સેવક વિજય પાનસેરિયાએ પણ વર્ક ઓર્ડર, અનાજ-તેલ સહિતની સામ્રગી કેટલી અપાય અને કેવી રીતે નાણાં ચુકવાયા તે તમામ વિગતો મનપા કમિશનર બીએસ પાનીને પત્ર લખી માંગી હતી અને ઝોનવાઈસ તપાસ કરાવીને અગર બિલ ચુકવવામાં શરતચુક થઈ હોય તો પગલા લેવા અને ચૂકવાયેલા નાણાં પરત મેળવવા તેમજ તમામ બિલોનું ઓડિટ કરી બાકીની રકમ ચુકવવાનો નિર્ણય કરવાની માંગ કરી હતી. પરંતુ તેઓને આજ દીન સુધી મનપા કમિશનર કે તેમની ટીમ તરફથી કોઈ જવાબ અપાયો નથી. વિજય પાનસેરિયા કહે છે કે, તે બાબત કંઈક ‘રંધાયું’ હોવા તરફ ઈશારો કરે છે.

 

જોકે આ મામલે અમે શહેના ડેપ્યુટી મેયર નિરવ શાહ સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે અમે તમામ વિગતો અને બિલ મંગાવી ચકાસ્યા છે. તેમાં કોઈ ગફલત થઈ હોવાનું કે ખોટી રીતે બિલ ચુકવાયા હોવાનું ફલિત થતું નથી. બધુ નિયમ મુજબ અને જરૂરિયાત પ્રમાણે જ કરાયું છે. ઉલ્લેખનીય છે કે, મનપા કમિશનર બીએસ પાની પણ પહેલા મીડીયાને કહી ચુક્યા છે કે, લોકડાઉન દરમિયાન લગાતાર સેવા કરનારી સંસ્થાઓ આખરી સમયમાં આર્થિક રીતે થોડી તકલીફમાં હતી. બીજી તરફ ગરીબોને ફૂડ પહોંચે તે પણ જરૂરી હતું. જેથી, આ રીતનો નિર્ણય લેવાયો હતો.

કોને કેટલા રૂપિયા ચૂકવાયા – ​જનકકુમાર ડી. પટેલ1.44 કરોડ, આર.ઝેડ એન્ડ કે.કે77.69 લાખ, વારી એન્ટરપ્રાઈઝ 33.81 લાખ, ગણેશ કેટરીગ 23.65 લાખ, અક્ષયપાત્ર ફાઉન્ડેશન 29 લાખ, જયશ્રીબેન ત્રિવેદી 31.84 લાખ, હરીઓમ ફાસ્ટફૂડ7.20 લાખ, વિશાલ કેટર્સ 5.07લાખ, શશિ એસ તિવારી 77.69 લાખ,ચુકવાયા.જ્યારેહજીકેટલાકબિલચુકવવાનાબાકીહોવાનુંજાણવામળ્યુંછે.

કોંગ્રેસ પાલિકા કચેરી સામે ખીચડી પણ વ્હેંચી વિરોધ નોંધાવ્યો હતો

22 ઓક્ટોબરના રોજ સુરત યુથ કોંગ્રેસ દ્વારા ખીચડી-કઢી કૌભાંડ અંગે મનપાના અધિકારીઓ-પદાધિકારીઓની સામેલગીરીનો આરોપ મુકીને સુરત મનપાની મુખ્ય કચેરી આગળ અનોખો કાર્યક્રમ આપ્યો હતો અને અવરજવર કરનાર લોકોને ખીચડી વ્હેંચી હતી. યુથ કોંગ્રેસ આ મામલે  પ્રજાના કરોડો રૂપિયા ખોટી રીતે ચુકવનાર સામે ફોજદારી કાર્યવાહી કરવા અને નાણાં પરત મેળવવાની માંગ કરી હતી.

અમારું ઓપનિયન:

સુરત મહાનગર પાલિકાએ કોવિડ-19માં દેશને દિશા ચિંધતી ઉલ્લેખનીય કામગીરી કરી છે અને તેના કારણે જ કોરોના કેસો પર મહ્દઅંશે અંકુશ લાવી શકાયો છે. ત્યારે લોકડાઉન દરમિયાન અનેક સંસ્થાઓએ પોતાનું માનવસેવા કર્તવ્ય નિભાવ્યું છે. જેમાં કેટલાક શાસકોએ પણ પોતાની સારી ફર્જ નિભાવી છે પરંતુ કેટલીક સંસ્થાઓને પાછળથી રકમ ચુકવી દેવી તે વિવાદનું કારણ બન્યું છે અને તેમાં મહાપાલિકાના અધિકારીઓ-શાસકોની છબિ લોકોના મનમાં ખરાબ રીતે ઉપસી છે. લોકડાઉન અને કોરોનાકાળ દરમિયાન ઓનલાઈન બેઠકો કરીને કે ફિલ્ડમાં રહીને કામગીરી કરાય હોય તો આવા નિર્ણયો પણ ઓનરેકોર્ડ લઈ શકાયા હોવા જોઈએ. અગર તે અંગેનો અધિકૃત ઠરાવ કરાયો હોય તો તેને પ્રજા સમક્ષ મુકવું જોઈએ. અગર શાસકો કે ઉચ્ચ અધિકારીઓને વિશ્વાસમાં લીધા વિના સંબંધિત વિભાગ દ્વારા બારોબાર પોતાની રીતે વહીવટ કરાયો છે તો તેમની સામે ખાતાકીય તેમજ ફોજદારી કાર્યવાહી પણ કરીને પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવો જોઈએ. અગર 14 સંસ્થાઓને જ પાછળથી બિલ ચુકવ્યા છે તો બાકીની પોણા પાંચસો સંસ્થાઓ કે જેઓએ ખરેખર માનવીય અભિગમ અપનાવીને વિના મૂલ્યે ભોજન અંગેની સેવા કરી છે તો તેઓના મનમાં જરૂર શંકા ઊભી થઈ હશે અને ભવિષ્યમાં તેઓ મનપા તરફથી સેવા કરવા કહેણ કહેવાડાશે તો મદદ કરવા અંગે તેઓ જરૂર વિચારશે? જેથી, મનપાએ આ મામલે માત્ર નિવેદનબાજીમાં પડવાને બદલે ઠોસ આધાર-પુરાવા રેકોર્ડ પર રજૂ કરવા જોઈએ અને ખરેખર ખોટું થયું હોય તો પગલાં લઈને દાખલો બેસાડવો જોઈએ. જેથી, તમામ શંકા-કુશંકાઓ દૂર થાય.

 

Leave a Reply

Translate »