સરથાણા નેચરપાર્કમાં નવી સિંહ-સિંહણની જોડી જોઈ આવજો પણ ડુમસ જવા નહીં મળે

ડુમસ જતા હોય તો રોકાય જાવ, અહીં પોલીસ તહેનાત કરાય છે અને તેઓ જવા નથી દેતી, ફેરો ફોગટ થશે

ન્યૂઝનેટવર્કસ ટીમ: દિવાળી વેકેશમાં સુરતી સહિતના સહેલાણીઓ સુરતના સરથાણા નેચરપાર્કમાં નવી સિંહ-સિંહણની જોડીને નિહાળી શકશે. જોકે, તે માટે અગાઉથી જ ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે. કોરોનામાં સરકારી ગાઈડલાઈનનું પાલન કરતા આપ સુરત મહાનગર પાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in પર લોગીન કરીને ટિકિટ બુક કરાવવાની રહેશે. સીધા જનારા લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં.

 સુરત મહાનગર પાલિકા તરફથી અધિકૃત મળતી માહિતી અનુસાર છત્તીસગઢના નયા રાયપુર જંગલ સફારીમાંથી સિંહની જોડી 100 કિલોમીટરનું અંતર કાપીને સરથાણા નેચરપાર્કમાં આવી પહોંચી છે. જોકે, તા.17  નવેમ્બર 2020ના રોજથી નેચરપાર્ક સહેલાણીઓ આ નવી ઉમેરાયેલી બંને જોડીનો નજારો જોઈ શકશે.. નેચરપાર્કમાં લવાયેલા 3 વર્ષના સિંહ કે જેનું નામ આર્ય છે તે અને 6 વર્ષની સિંહણ કે જેનું નામ વસુંધા છે તેને નિહાળી શકશે.. સુરતના નેચરપાર્કને 5 વર્ષ બાદ સિંહ-સિંહણની જોડી મળી છે. જોકે, બંનેને એક સાથે એક જ પાંજરા સર્કલમાં નિહાળવા માટે છએક મહિનાની રાહ જોવી પડશે. તેઓમાં મનમેળ આવ્યા બાદ સાથે મુકાશે બાકી અલગ અલગ જોઈ શકાશે.  આર્યનું વજન 125 કિલો અને વસુધાનું 145 કિલો વજન છે.  બીજીતરફ, એક જોડી જળબિલાડીની રાયપુર આપવા મંજૂરી મળી હતી. દેશમાં જળબિલાડીનું સુરતમાં બ્રિડિંગ સફળ થતું હોવાથી 4 રાજ્યોની માંગ પેન્ડિંગ છે. વન અને પર્યાવરણ વિભાગ, કેન્દ્ર સરકારની મંજૂરી બાદ આ બે જોડીનું રાયપુરના જંગલ સફારીથી સુરતમાં આગમન સંભવ બન્યું છે.

નાના બાળકો અને વૃદ્ધોને પ્રવેશ નિષેધ છે

હાલ કોરોનાકાળમાં સરકારની ગાઈડલાઈન મુજબ સુરત સહિત દેશભરમાં હરવાફરવાના સ્થળો પર 10 વર્ષથી નીચેની વયના બાળકો અને 60 વર્ષથી ઉપરની ઉંમરના વૃદ્ધોને પ્રવેશ છે. જેથી, સુરતના સરથાણા નેચર પાર્કમાં પણ તે નિયમ લાગુ કરાયો છે. આ સિવાયની વ્યક્તિઓએ ઓનલાઈન ટિકિટ મેળવીને જ નિયમ સંખ્યામાં પ્રવેશ અપાશે.

ડુમસ જતા રોકવામાં આવી રહ્યાં છે, જતા નહીં

સુરતનું સૌથી મોટુ હરવાફરવાનું સ્થળ ડુમસ દરિયાકાંઠે જવા પર દિવાળી વેકેશન દરમિયાન પાબંદી ફરમાવવામાં આવી છે. તહેવારોમાં અહીં હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય અને ત્યાંથી કોરોના સંક્રમણ વધે તેવી દહેશતને પગલે સુરત મહાનગર પાલિકાએ આ સ્પોટને વિતેલા ત્રણ દિવસ પહેલાથી જ પ્રતિબંધિત કર્યું છે. અહીં દિવાળીના દિવસે પણ લોકોએ જવા કતાર લગાવી હતી પરંતુ એરપોર્ટની આગળ ડુમસ ગામ જવાના રસ્તા પાસેથી જ બેરિકેડેટ લગાવી દેવાયા હતા અને પોલીસ તહેનાત કરી દેવાય છે. પોલીસ જવાનો અહીંથી કોઈને પણ ડુમસ તરફ જવા દેતા નથી. પરિણામે પરિવાર સાથે ફરવા જશો તો ફોગટ ફેરો પડશે.

Leave a Reply

Translate »