દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર ફરી એકવાર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે, જેના કારણે દિલ્હી સરકારે લગ્નસરામાં મળેલી છૂટ પાછી ખેંચી લીધી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે જણાવ્યું હતું કે અમે લગ્ન સમારોહમાં 200 લોકો સામેલ થવાની મંજૂરી પાછી ખેંચી લીધી છે. હવે માત્ર 50 લોકો જ લગ્ન સમારોહમાં સામેલ થઈ શકશે.
ભીડભાડવાળા બજારોને અસ્થાયી રૂપથી બંધ કરવાની પરવાનગી પણ માંગી
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિ સામાન્ય થયા પહેલા 50થી આ સંખ્યા 200 સુધી વધારવામાં આવી હતી, જેને હવે ફરીથી પાછી લઈ લેવામાં આવી છે. તેની સાથે જ દિલ્હી સરકાર, કોરોના સંક્રમણને લઈને કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલશે, જેમાં નિયમોનું ઉલ્લંઘન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થવાની સ્થિતિમાં દિલ્હીના ભીડભાડવાળા બજારોને અસ્થાઈ રૂપથી બંધ કરવાની અનુમતિ માંગવામાં આવશે.
કેજરીવાલે લોકોને માસ્ક પહેરવા અને નિયમોનું પાલન કરવા અપીલ કરી
Addressing an important Press Conference | LIVE https://t.co/CmMFG42Kqm
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 17, 2020
સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા પર્યાપ્ત પ્રમાણમાં છે, પરંતુ આઈસીયૂવાળા બેડની કમી વર્તાઈ રહી છે, જેના માટે કેન્દ્ર સરકારે મદદ કરી છે. તેમણે જણાવ્યું કે, તમામ સરકારો મળીને કામ કરી રહી છે, પરંતુ સૌથી મોટી જરૂરત છે કે લોકો ધ્યાન રાખે. ઘણા લોકો વગર માસ્કે ફરી રહ્યા છે. મારી તમામને નમ્ર અપીલ છે કે કૃપા માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો.
24 કલાકમાં 99ના મોત, નવેમ્બરમાં અત્યારસુધી 1100ના મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 99 લોકોનું મોત થયું છે, જે મહારાષ્ટ્રથી પણ વધી જાય છે. દિલ્હીમાં કોરોનાનો કહેર વચ્ચે આ મહીને દરેક કલાકે ચાર લોકોના મોત થઈ રહ્યાં છે. નવેમ્બરમાં જ કોરોનાથી દિલ્હીમાં અત્યાર સુધી 1100થી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.