રાજ્ય સરકાર દ્વારા તા.૩ જાન્યુ.થી રાજ્યભરમાં 15 થી 18 વર્ષની વયજૂથના કિશોરોને કોરોના સામે સુરક્ષા કવચ પુરૂ પાડવા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સુરતની 118 શાળાઓમાં 15 થી 18 વર્ષના કિશોરો માટે રસીકરણ ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોના વેક્સિનેશનનો વિદ્યાર્થીઓ, વાલી અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ રસી લેવામાં ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓએ રસી લેવા માટે શિસ્તબદ્ધ રીતે કતારમાં રહી રસી મૂકાવી હતી.સુરતના અડાજણમાં આવેલી ભૂલકાભવન શાળામાં ૬૦૦ વિદ્યાર્થીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને કોરોના સામે રક્ષણ આપવાના લક્ષ્ય સાથે ભૂલકાભવન શાળામાં એક જ દિવસમાં ૧૦૦ ટકા વેક્સિનેશન થયું હતું.
હવે હું ગર્વથી કહી શકું છું કે ‘મારૂ ઘર, વેક્સિનેટેડ ઘર..’: વિદ્યાર્થિની હીર દેસાઈ
વિદ્યાર્થિની હીર દેસાઈએ જણાવ્યું કે, કોરોનાની સ્થિતિમાં માતા પિતા સહિત મારા આખા પરિવારે રસી લઈ લીધી છે. અમે પણ રાહ જોતાં હતાં કે ક્યારે અમારો વારો આવે. વેક્સિન ન લીધી હોવાના કારણે ઘણીવાર પરિવારને પણ ચિંતા રહેતી હતી. સરકારે ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોનું રસીકરણ શરૂ કર્યું, અને આજે પહેલાં દિવસે જ સ્કુલમાં રસી મૂકાવી છે. હવે હું ગર્વથી કહી શકું છું કે ‘મારૂ ઘર, વેક્સિનેટેડ ઘર..’
અમારી ઉંમરના વિદ્યાર્થીઓ માટે વેક્સિન આપવાની ઝુંબેશ શરૂ કરવાં બદલ રાજ્ય સરકારનો આભાર: રિયા ઢબુવાલા
ભુલકા ભવનમાં ધો.૧૧(સાયન્સ)માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય વિદ્યાર્થિની રિયા ઢબુવાલાએ રસી મૂકાવ્યા બાદ જણાવ્યું હતું કે, હું રસી માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી. આજે અમારી ઉંમરના વિદ્યાર્થીઓ માટે વેક્સિન આપવાની ઝુંબેશ શરૂ કરવાં બદલ રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ. દરેક વ્યક્તિએ રસી ફરજિયાતપણે લેવી જ જોઈએ, કારણ કે અત્યારે ઓમિક્રોન વેરિયન્ટ પણ ફેલાઈ રહ્યો છે, કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે, આવા સંજોગોમાં સુરક્ષિત રહેવા વેક્સિન લેવી જરૂરી છે.
સરકારે અમને રસી આપી કોરોના સામે રક્ષિત કર્યા છે: ધાની પટેલ
આ સ્કૂલમાં ધો.૧૧માં ભણતી ધાની પટેલ જણાવે છે કે, સરકારના મહત્વના નિર્ણયથી હું ખુશ છુ, અમારા માટે વેક્સિનેશનનો નિર્ણય આવકારદાયક છે. મેં મારા તમામ સહપાઠીઓ સાથે રસી મૂકાવી છે. મારા પરિવારે અગાઉ જ મને કહ્યું હતું કે, ‘જ્યારે પણ રસી માટે વારો આવે, વિનાસંકોચે અને ભય રાખ્યા વિના રસી લઈ લેવી જરૂરી છે.’ વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે, એટલે સરકારે અમને રસી આપી કોરોના સામે રક્ષિત કર્યા છે.
હવે કોરોના સંક્રમણના ભય વિના હવે હું શાળાએ જઈને શકીશ અને નિશ્ચિંત બની અભ્યાસ કરી શકીશ: ધ્વનિ દેસાઈ
ભુલંકા ભવન શાળાની વિદ્યાર્થિની ધ્વનિ દેસાઈએ જણાવ્યું હતું કે, રસી મૂકાવ્યા બાદ મને મને કોઈ પીડા કે આડઅસર જણાઈ નથી. રસી મૂકાવીને હું ખુશ છું કારણ કે હવે કોરોના સંક્રમણના ભય વિના હવે હું શાળાએ જઈને શકીશ અને નિશ્ચિંત બની અભ્યાસ કરી શકીશ. કોરોના વિરોધી સામૂહિક રસી લઈને આપણે સૌ કોરોનાને દેશવટો આપી શકીશું. કોરોના આપણી નજીક આવતો રોકવા, જાતે સુરક્ષિત રહેવા અને અન્યને પણ સુરક્ષિત રાખવા કોરોના વેક્સિન અવશ્ય લેવી જોઈએ.