મુંબઈ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ અને જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદને 10 વર્ષની સજા સંભળાવી છે. 19 નવેમ્બરના રોજ, પાકિસ્તાનની એક આતંકવાદ વિરોધી અદાલતે સઈદને વધુ બે આતંકી કેસમાં સજા સંભળાવી હતી. હાફિઝ સઇદ હાલ લાહોરની હાઇ સિક્યુરિટી કોટ લખપત જેલમાં બંધ છે.
લશ્કર-એ-તૈયબાના નેતા સઈદને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે અને યુ.એસ.એ તેના માથા પર એક કરોડ ડોલરનું ઇનામ મૂક્યું છે. ગયા વર્ષે જુલાઈમાં આતંકવાદી ભંડોળના કેસમાં સઇદની ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં, આતંકવાદ વિરોધી અદાલતે બે આતંકવાદી ભંડોળના કેસમાં સઈદને 11 વર્ષની સજા સંભળાવી હતી.
હાફિઝ સઈદ સાથે વધુ ત્રણ જમાત-ઉદ-દાવાના નેતાઓને સજા આપવામાં આવી છે. સઇદ અને તેના બે સાથીઓ ઝફર ઇકબાલ અને યાહ્યા મુજાહિદને સાડા દસ વર્ષની સજા અને સઇદના સંબંધી અબ્દુલ રહેમાન મક્કીને છ મહિનાની જેલની સજા ફટકારી છે.
કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે જમાત-ઉદ-દાવા (જેયુડી) ના વડા વિરુદ્ધ આ કેસ દાખલ કર્યા છે. વિભાગે જુદ નેતાઓ સામે કુલ 41 કેસ નોંધ્યા છે. તેમાંથી 24 ના નિર્ણય પર પહોંચી ચૂક્યા છે, જ્યારે બાકીના આતંકવાદ વિરોધી કોર્ટમાં પેન્ડિંગ છે. સઇદ સામે ચાર કેસોમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જમાત-ઉદ-દાવા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની પ્રથમ હરોળની સંસ્થા છે. 2008 ના મુંબઈ હુમલા માટે લશ્કર જવાબદાર છે. આ હુમલામાં લગભગ 166 લોકોનાં મોત નીપજ્યાં હતાં.