ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને તેને ફરી અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા અમદાવાદ બાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પણ નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યો અને સામાજિક અંતર નહીં પાળનારા તેમજ માસ્ક નહીં પહેરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સત્કાર સમારોહ યોજીને ભીડ ભેગી કરી રહ્યાં છે. ત્યારે પ્રજામાં સવાલો ઊભા થઈ રહ્યાં છે કે, અમારી પર કડકાઈ અને નેતાઓને છુટ શા માટે? શું નેતાઓના કાર્યક્રમથી કોરોનો દૂર રહે છે?
રિપોર્ટ મુજબ માંડવીની કરંજ ગામની સ્કૂલમાં સમારોહ યોજવામાં આવ્યો જેમા ધારાસભ્ય આત્મારામ પરમાર અને રાજ્ય સરકારના મંત્રી ગણપત વસાવા પહોંચ્યા હતા . મળતી માહિતી અનુસાર હાલમાં જ ચૂંટાયેલા આત્મારામ પરમાર અને ગણપત વસાવાએ સત્કાર સમારોહને લઇને રેલી યોજી હતી. આ રેલી ખુલ્લી જીપમાં ડીજેના તાલે યોજવામાં આવી હતી. જેમા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું. સ્વાગત સમારોહમાં કાર્યકરો દ્વારા ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઢડા બેઠક પરથી જીતેલા આત્મારામ પરમારનો વતનમાં સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
એક દિવસ પહેલા બારડોલી, વ્યારામાં પણ યોજાયો હતો રોડ શો
બારડોલીમાં ગુરુવારે હજારો લોકોની વચ્ચે ભાજપના જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈએ પદભાર સમારોહ યોજ્યો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યાં હતા. દેસાઇની સુરત જિલ્લા ભાજપ પ્રમુખની નિયુક્તિ પર અભિવાદનનના નામે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટીની સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિ રહ્યા હતા. રેલીમાં કેટલાક લોકો માસ્ક વગર નજર પડ્યા, તો સભામાં દો ગજ કી દૂરી પણ જોવા મળી નહોતી. બારડોલીમાં બાઇક રેલી સાથે સભા પણ કરી હતી. કાર્યક્રમમાં 200 લોકોની અનુમતી ન હોવા છતા હજારો કાર્યકર્તાઓ એકઠા થયા હતા. જોકે, દેસાઈએ જે તે વખતે મીડીયાને કહ્યું હતું કે, કાર્યકરોનો ઉત્સાહ હોવાથી કદાચ કોઈએ માસ્ક પહેર્યું ન હશે. અમે વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત વ્યારા, તાપી જિલ્લામાં સહિતમાં પણ જિલ્લા અધ્યક્ષોના પદભાર યોજાયા હતા. જેમાં પણ આવી જ રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા.
લોકો ઉઠાવી રહ્યાં છે સવાલ
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ છઠ્ઠ પૂજાના દિવસે ઘરે જ તહેવાર મનાવવા અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાની અપીલ કરતા આ જ નેતાઓ જોવા મળ્યા હતા અને પોલીસ તેમજ વહીવટી તંત્રે પણ એવું જ કહીંને પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. એટલે સામાન્ય જનમાં ચણભણ છે કે, અમને રોકવામાં આવી રહ્યાં છે અને તહેવારના એક દિવસ પૂર્વે જ મોટા કાર્યક્રમો કર્યા તેનું શું? શું તેમાં કોરોના નહીં ફેલાતો હશે? કરફ્યુંને કારણે પણ સોશ્યલ મીડીયા પર મેસેજનો મારો છે. લોકો કહીં રહ્યાં છે કે, દિવસે જ કોરોના ફેલાય છે અને રાત્રે ચીન જતો રહે છે અથવા તો આરામ કરે છે. કેટલાક કોમેન્ટ કરી રહ્યાં છે કે, પેટા ચૂંટણી યોજાય ગઈ, બિહારની ચૂંટણી પણ થઈ ગઈ. તે સમયે કોરોના આરામ પર હતો હવે ફરી આવી ગયો છે. ઘણાં કહીં રહ્યાં છે કે, સરકાર પોતે કરે તે લીલા અને પ્રજા કરે તેને ભવાઈ તરીકે જુએ છે અને પ્રજા પર જ દંડનાત્મક કાર્યવાહી કરે છે, નેતાઓ પર કેમ નહીં?