ખાસ ફરજ પરના અધિકાારીર મહેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સી.આર.પાટીલના હસ્તે નવી સિવિલના સ્વ.સુનિલ નિમાવતના પરિવારને ચેક અર્પણ થયો
———-
કોરોના દર્દીઓની સેવા દરમિયાન સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા કોરોના યોદ્ધા સુનિલભાઈ નિમાવત કોરોનાગ્રસ્ત બન્યા હતા,જેમનું દુઃખદ નિધન થતા કેન્દ્ર સરકાર દ્વારા મૃતકના પરિવારને રૂ.૫૦ લાખનો ચેક અર્પણ કરાયો હતો. કોવિડ માટે ખાસ ફરજ પરના અધિકારીશ્રી મહેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે સ્વ.સુનિલ નિમાવતના પરિવારને ચેક અર્પણ કરી આર્થિક સધિયારો આપવાં સાથે સાંત્વના પાઠવવામાં આવી હતી.
સાંસદશ્રી સી.આર.પાટીલ સહિતના જાગૃત્ત જનપ્રતિનિધિઓની રજૂઆત થકી કોરોના વોરિયર સ્વ. સુનિલ નિમાવતના પરિવારને આર્થિક આધાર મળી રહે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૫૦ લાખ રૂપિયાની તાત્કાલિક સહાય મંજુર કરી દેવામાં આવી હતી.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, સ્વ.સુનિલભાઈ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના વતની હતા. સુનિલભાઈએ ૨૦૦૦-૨૦૦૧માં કચ્છ-ભુજના રાપરથી નર્સિંગ સ્ટાફ તરીકે કામગીરીની શરૂઆત કરી હતી. ત્યારબાદ પોરબંદર, હળવદ, ખરવાસા બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી હતી. સુનિલભાઈ નર્સિંગ સ્ટાફની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવતા હતા. કોરોનાની મહામારી દરમ્યાન સમગ્ર ગુજરાતની સરકારી હોસ્પિટલ અને CHC-PHCમાં સેનેટાઈઝરની વહેંચણી કામગીરીની ખૂબ સરાહના થઈ હતી. તેઓ પોતાની નોકરીના ૧૯ વર્ષમાં કોઈ પણ ઇમરજન્સી સેવામાં ખડેપગે કામગીરી નિભાવતા હતા. કોરોનાની શરૂઆતથી જ સુનિલભાઈએ ત્રણ રાઉન્ડમાં ફરજ બજાવી પરિવારથી દૂર રહી જીવન જોખમે કોરોના દર્દીઓના જીવન બચાવવામાં મહામૂલું યોગદાન આપ્યું હતું. પોતે કોરોના સંક્રમિત થયા બાદ પણ એમના મુખે દર્દીઓના હાલચાલ બાબતના સવાલો રહ્યા કરતા હતા. સિવિલ હોસ્પિટલ જ નહીં, પણ રાજ્યભરના નર્સિંગ કર્મચારીઓથી લઈ ડોક્ટરો પણ સુનિલભાઈની કામગીરીમાંથી પ્રેરણા લઈ શકે એવી નિ:સ્વાર્થ સેવાભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ વેળાએ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્વર્ગસ્થના ધર્મપત્ની અને બાળકોને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે પરિવારને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.
સાંસદ સી. આર. પાટીલના કાર્યાલય પર આયોજિત કાર્યક્રમમાં નવી સિવિલના ઇ.સુપ્રિન્ટેન્ડન્ટ રાગિણીબેન વર્મા, ડો. મહેશ વાડેલ, TNIના સેક્રેટરી કિરણ દોમડિયા, દક્ષિણ ઝોનના ઇન્ચાજ દિનેશ અગ્રવાલ સહિતના નર્સિંગ સ્ટાફ હાજર રહ્યા હતા.