મહારાષ્ટ્ર સરકારે કોરોનાને અટકાવવા માટે સોમવારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે દિલ્હી, રાજસ્થાન, ગોવા અને ગુજરાતથી મહારાષ્ટ્ર જતા લોકો માટે કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ દેખાડવો અનિવાર્ય કરવામાં આવ્યો છે. કોવિડ નેગેટિવ રિપોર્ટ વગર આ રાજ્યોમાંથી મહારાષ્ટ્ર પહોંચનારને એન્ટ્રી આપવામં નહીં આવે. રાજ્ય સરકારે કહ્યું કે મહારાષ્ટ્ર આવતા તમામ લોકોને કોવિડ-19 પ્રોટોકોલનું પણ પાલન કરવું પડશે. માસ્ક વગર જોવા મળતા લોકો પર દંડની કાર્યવાહી થશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર સુનામી જેવી હશે. ઉદ્ધવે કહ્યું હતું કે મને માઈટ કર્ફ્યૂ લાગુ કરવાની સલાહ આપવામાં આવી રહી છે, પણ હું કાયદો લાગુ કરવામાં વિશ્વાસ નથી રાખતો, લોકોએ જાતે જ સતર્કતા રાખવી પડશે.
મહારાષ્ટ્ર રાજ્યમાં રવિવારે 5753 નવા કેસ નોંધાયા. 4060 લોકો રિકવર થયા અને 50 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 17 લાખ 80 હજાર 208 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 81 હજાર 512 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 16 લાખ 51 હજાર 64 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા 46 હજાર 623 થઈ ગઈ છે.