રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. સુપ્રીમે સુઓમોટો નોંધ લીધી હતી અને કહ્યું હતું કે આ અત્યંત આઘાતજનક ઘટના છે અને આવી ઘટના કંઈ પહેલી નથી બની.સુપ્રીમ કોર્ટે, સોલિસિટર જનરલ તુષાર મહેતાને સ્પષ્ટ આદેશ આપ્યો, જે પણ આ માટે જવાબદાર હોય તેની સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ. જસ્ટિસ શાહે નોંધ કરી કે કોઈપણ દુર્ઘટનાનું માત્ર કારણ આપીને સંતોષ માણી ન લો, આની કિંમત આપણે આવી દુર્ઘટનાઓના પુનરાવર્તનથી ચૂકવવી પડી રહી છે. તમે આવી ઘટનાના મૂળમાં જવું જોઈએ, સાચું કારણ શોધવું જોઈએ. અમદાવાદની એ હોસ્પિટલમાં શું થયું? કાર્યવાહી પૂરી થઈ ગઈ. આ તો ખૂબ ગંભીર બાબત છે. બીજી તરફ, મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને તપાસના આદેશ આપ્યા છે.
આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મેયર ઘટનાસ્થળે પહોંચ્યાં. પીએમ રૂમથી દર્દીનાં સગાંઓને એક પછી એક ડેડબોડી સોંપવામાં આવી હતી. આ સમયે પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું હતું. આગની આ ઘટનાની માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. FSL અને અન્ય પુરાવાના આધારે તપાસ કરવામાં આવશે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે SITની રચના કરી છે. ડીસીપી મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને SIT તપાસ કરશે. SITના રિપોર્ટ બાદ આગળની તપાસ પણ કરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શોટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે અને ટ્વીટર પર લખ્યું છે કે, ઈજા પામનારા તમામ દર્દીઓની ઝડપી રિકવરી માટે હું પ્રાર્થના કરું છું. અસરગ્રસ્તોને વહીવટી તંત્રથી તમામ મદદ કરવામાં આવશે.
Extremely pained by the loss of lives due to a hospital fire in Rajkot. My thoughts are with those who lost their loved ones in this unfortunate tragedy. Praying for a quick recovery of the injured. The administration is ensuring all possible assistance to those affected: PM
— PMO India (@PMOIndia) November 27, 2020
રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને પુરતી તપાસની માંગ કરી છે..
The news of fire in a Covid hospital in Rajkot is distressing. Similar fire broke out in August in Ahmedabad. The government must investigate seriously into these cases.
My condolences to the family of the patients who lost their lives.
— Rahul Gandhi (@RahulGandhi) November 27, 2020
મોત થયા એ દર્દીઓનાં નામની યાદી
1.કેશુભાઇ લાલજી અકબરી-રાજકોટ
2.સંજય અમૃતલાલ રાઠોડ-રાજકોટ
3.રામશી મોતી લોહ-જસદણ
4.નીતિન મણિલાલ બદાણી-મોરબી
5.રસિક શાંતિલાલ અગ્રાવત.-ગોંડલ
મેયરે ઘટનાને કુદરતી લેખાવતા થયા ટ્રોલ, પછી ફેરવી ટોળ્યું
રાજકોટના મેયરનું બેજવાબદારી ભર્યું નિવેદન સામે આવ્યું છે. રાજકોટના મેયર બિના બેન આચાર્યએ આગ દુર્ઘટનાને કુદરતી ગણાવી છે. આ સિવાય 5 દર્દીઓના મોતની ઘટનાને પણ કુદરતી ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ એક કુદરતી ઘટના છે, એક મોટી જાનહાનિ ટળી છે. જેને કારણે વિવાદ છેડાયો હતો. વિવાદ થતા બીના આચાર્યે આ અંગે પોતાનો બચાવ કરતા જણાવ્યું છે કે, ઘટનાની વ્યવસ્થાની ઉતાવળમાં આકસ્મિકના બદલે કુદરતી શબ્દ બોલાઇ ગયો છે.
ગુજરાતની હોસ્પિટલોમાં ઉપરાઉપરી ઘટનાઓ:
- અમદાવાદ: 8 દર્દીનાં મોત થયાં હતાં
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી, જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીનાં મોત થયાં હતાં. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થતો હતો. આ આગ હોસ્પિટલના ચોથા માળે લાગી હતી. - જામનગર: શોર્ટસર્કિટથી આગ લાગી હતી
25 ઓગસ્ટે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિકલ ICU વિભાગમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગી હતી. આ ICU વિભાગમાં 9 દર્દી સારવાર લઈ રહ્યા હતા. આગ લાગતાં જ 4 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂ લીધી હતી તેમજ સ્થાનિકોએ ICU વિભાગમાં રહેલા દર્દીઓને બારીમાંથી બહાર કાઢ્યા હતા.
3 વડોદરા: ICUમાં આગ લાગી હતી
ગત સપ્ટેમ્બર મહિનામાં વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતાં ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ પણ હોસ્પિટલે દોડી આવ્યું હતું. ત્યાર બાદ ફાયરબ્રિગેડે વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. વોર્ડમાં આગ લાગી હતી ત્યાં રહેલા કોરોનાના દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 150 જેટલા દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે જાનહાનિ ટળી હતી.
4. સુરત: ટ્રાઈ સ્ટારમાં આગ
ગયા સપ્તાહે સુરતની ટ્રાય સ્ટાર હોસ્પિટલમાં પણ આગ લાગી હતી. અહીં કોવિડ સેન્ટર શરૂ કરાયું હતું. સદ્નનસીબે ફાયર બ્રિગેડે રેસક્યુ કરતા કોઈ જાનહાનિ નોંધાય ન હતી.