વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વલસાડ લો કોલેજના ઇન્ચાર્જ આચાર્ય સામે બે મહિલા પ્રાધ્યાપકોએ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવતા આચાર્યએ પોતે રાજીનામું ધરી દઇને તટસ્થ તપાસની માંગણી કરી છે. બીજી તરફ કુલપતિએ આ કેસની તપાસ વુમન સેલનો સોંપીને સાત દિવસમાં રિપોર્ટ કરવા માટેનો આદેશ કર્યો છે. વલસાડમાં આવેલી શાહ કે.એમ. લો કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડો. સંજય મણિયાર સામે કોલેજની બે મહિલા પ્રાધ્યાપકોએ જાતિય સતામણીની ફરિયાદ કરતા શિક્ષણ આલમમાં ચકચાર મચી ગઇ છે. મહિલા પ્રોફેસરોએ કુલપતિને ફરિયાદ કરી હતીકે, આચાર્ય મણિયાર કેમેરાથી અમારા શરીરનો પાછળનો ભાગ ડિસપ્લે પર ફુલ ઝુમ કરીને ખરાબ નજરથી જોતા હોય છે.
મહિલા અધ્યાપકોને દુપટ્ટા વગર જ સારા લાગો છો, જેવા વાકયો કહીને સતામણી કરવામાં છે.આ અંગે મહિલા પ્રાધ્યપકોએ મહિલા અને બાળ વિભાગ તથા રાજયપાલને લેખિત ફરિયાદ કરી છે. પોતાની સામેના આક્ષેપો બાદ આચાર્યે ડો.સંજય મણિયારે આચાર્ય તરીકેનું પોતાનું રાજીનામું ટ્રસ્ટી સમક્ષ ધરી દઇને તટસ્થ તપાસ કરવા માટેની માંગણી કરી છે. બીજી તરફ યુનિવર્સિટીમાં ફરિયાદ થતા કુલપતિ ડો. હેમાલીબેન દેસાઇએ વુમન સેલને આ તપાસ સોંપી ને સાત દિવસમાં પ્રાથમિક રિપોર્ટ રજુ કરવા માટેનો આદેશ આપ્યો છે. આ કમિટી દ્વારા ફરિયાદ કરનાર મહિલા પ્રોફેસર ઉપરાંત આચાર્યે તેમજ ટ્રસ્ટીઓ, કોલેજના સ્ટાફ વગેરેના નિવેદનો લેવામાં આવશે. જ્યારે આચાર્ય સંજય મણિયારે પોતે કઇ ખોટુ કર્યુ નથી. આ ફરિયાદની તટસ્થ તપાસ થવી જોઇએ. તટસ્થ તપાસ થાય તે માટે મેં રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું.