છેલ્લા એક મહિનાથી સામાન્ય જનતા માટે અલગ અલગ બહાના હેઠળ સેવા બંધ રાખવામાં આવી હતી, ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જ સી પ્લેનમાં મુસાફરી કરી હતી.
નરેન્દ્ર મોદીનું સપનું માત્ર એક મહિનામાં જ રોળાયું
અમદાવાદમાં સાબરમતિ રીવરફ્રન્ટ ખાતે સી પ્લેન સર્વિસ શરુ કરવાનું વડાપ્રધાન મોદીનું સપનું હતું. 31 ઓક્ટોબરે આ સર્વિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને માત્ર એક જ મહિનાના સમયગાળામાં આ સર્વિસ બંધ કરવામાં આવી છે, જેનું કારણ એવું આપવામાં આવે છે કે મેઈન્ટેનેન્સ માટે સી પ્લેન માલદીવ લઈ જવામાં આવ્યાં છે, પરત ક્યારે આવશે તે નક્કી નથી. આ સી પ્લેનમાં 31 ઓક્ટોબરે ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન મોદી અને 24 નવેમ્બરે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા એમ બેજ આગેવાનોએ આ પ્લેનની સફર કરી હતી. ત્યાર બાદ છેલ્લા એક મહિનાથી સામાન્ય જનતા માટે સી પ્લેન શરૂ કરવાને બદલે અલગ અલગ બહાના હેઠળ સેવા બંધ રાખવામાં આવી હતી.
પહેલી ફ્લાઇટનું ભાડું 1590, બીજી ફ્લાઈટનું ભાડું 2200થી વધુ
સી-પ્લેનમાં સવારે પહેલી ફ્લાઈટનું ભાડું રૂ. 1590 છે, જ્યારે બીજી ફ્લાઈટનું ભાડું રૂ. 2200થી વધુનું છે. જેથી પહેલી ફ્લાઈટમાં બુકિંગ માટે લોકો આવે છે અને તેમાં ઓછું ભાડું હોવાથી પહેલી ફલાઇટ બુક થઇ ગઇ હતી. સી-પ્લેનમાં ફ્લાઈટના અનશિડ્યૂલ અને ઓનલાઇન બુકિંગના ધાંધિયાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતાં. વડાપ્રધાન મોદી દ્વારા સી-પ્લેન સેવા શરૂ તો કરાવવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં એ સેવા મેળવવામાં લોકો હેરાનગતિ ભોગવે છે.
માત્ર 6 પેસેન્જર સાથે સી-પ્લેનની પહેલી ઉડાન ભરી હતી
મોટી મોટી જાહેરાતો બાદ પહેલી ઉડાનમાં 3 ક્રૂ-મેમ્બર્સ અને માત્ર 6 પેસેન્જર સાથે સી-પ્લેને કેવડિયાની ઉડાન ભરી હતી. જ્યારે પેસેન્જર નહીં મળતાં બીજી ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી હતી. હાલ સ્પાઈસ જેટે ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું નથી. ફક્ત બુકિંગ કરાવવા ઈચ્છતા લોકો પાસેથી રિક્વેસ્ટ મેળવવામાં આવે છે.કેવડિયાથી પણ ફ્લાઈટ ખાલી આવી હતી.