• Fri. Aug 19th, 2022

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

શું દક્ષિણ ગુજરાતના સહકારી ખાંડ ક્ષેત્રમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે?

Bynewsnetworks

Dec 31, 2020 , ,

દક્ષિણ ગુજરાતની સહકારી ખાંડ મિલોમાં ગેરવહીવટની સાથોસાથ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની ફરિયાદ એક્ટિવિસ્ટ , ખેડૂત અને સહકારી આગેવાન એમએસએચ શેખ દ્વારા મુખ્યમંત્રી તેમજ ઉપમુખ્યમંત્રીને મેલ લખીને ફરિયાદ કરવામાં આવી છે.

આ ફરિયાદમાં શું લખાયું છે

દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રની ૧૩ ખાંડ મિલો ૫૭૦૦૦ ટન/દિનની શેરડી પીલાણ ક્ષમતા ધરાવે છે અને લગભગ ૪૦૦૦ કરોડનું વાર્ષિક ટર્ન ઓવર છે. ૫ લાખ ખેડૂતો ૧.૨૫ લાખ હેક્ટરમાં શેરડી પકવે છે અને સહકારી ખાંડ મિલો ૯૦ લાખ ક્વિન્ટલ/વર્ષ ખાંડ ઉત્પન્ન કરે છે. પીલાણ અંતે ૨૩.૯૨ લાખ ટન બગાસ ઉત્પન્ન થાય છે જેનો બોઈલરમાં વપરાશ થાય છે અને સારા બગાસનું વેચાણ પણ થાય છે.

સહકારી ક્ષેત્રની ખાંડ મિલોમાં બેલી પ્રેસ બગાસના ભાવ પાછલા વર્ષ કરતા ચાલુ વર્ષે અડધાથી ઓછા થઈ ગયેલા છે. ચાલુ વર્ષે તમામ ખાંડ મિલો આશરે ૧૦૦૦ રૂપિયા પ્રતિ ટન બગાસ વેચી રહી છે.

વર્ષ બગાસના સરેરાશ ભાવ રૂ /-

૨૦૧૫-૧૬ ૧૯૦૦

૨૦૧૬-૧૭ ૨૩૦૦

૨૦૧૭-૧૮ ૨૬૦૦

૨૦૧૮-૧૯ ૨૧૦૦

૨૦૧૯-૨૦ ૧૦૦૦

કોવીડ -૧૯ ની વૈશ્વિક મહામારીની પરિસ્થતીમાં દરેક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો નોંધાયો છે. માંગ પુરવઠાને ધ્યાને રાખતા ભાવમાં ઘટાડો પણ થાય તો તે ૧૦-૧૫% કરતા વધુ ઓછો ના થાય કારણ કે બગાસ વપરાશકારો સતત પુરવઠો લઇ રહ્યા છે અને માલનો ભરાવો નથી.

ફરિયાદમાં કહેવાયું મંત્રી જવાબદાર!!

શેખે રજૂઆતમાં ઉલ્લેખ કર્યો છે કે, સહકારી ક્ષેત્રમાં અને ખેડૂતોમાં હાલમાં ચાલતી વાતો મુજબ ગુજરાત રાજ્યના એક રાજ્ય કક્ષાના મંત્રીશ્રી આ ભાવ ઘટાડા પાછળ જવાબદાર છે અને તેમણે પડદા પાછળની ગોઠવણો કરેલી છે. બગાસના વપરાશકારો, વેપારીઓ/આડતિયાઓ સાથે એક અઘોષિત કાર્ટેલ રચેલ છે. આ કાર્ટેલ રીંગનું નેટવર્ક અમુક ખાંડ મિલોના સંચાલકો સુધી વિસ્તરેલ છે અને અનૈતિક વેપારી રીતો અપનાવી ખાંડ સહકારી મંડળીઓ તથા ખેડૂત સભાસદોને આર્થિક નુકશાન પહોંચાડી રહેલ છે. ચાલુ વર્ષે ખાંડ સહકારી મંડળીઓની ચૂંટણી પણ થઇ છે જેનો ખર્ચ કાઢવાનો પણ આ એક પ્રયાસ હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાત સરકારની નીતિ પારદર્શી વહીવટને પ્રોત્સાહન આપવાની અને ભ્રષ્ટાચારને અટકાવવાની રહી છે. સહકારી સંસ્થાઓમાં ગેરરીતિઓ ગુજરાત સરકાર સહેન કરતી નથી. જયારે ખાંડ સહકારી મંડળીઓમાં સરકારી અધિકારીઓ ડીરેક્ટર તરીકે બિરાજમાન છે ત્યારે ખેડૂતો અને સભાસદોનું હિત જોવાની સરકારની વિશેષ જવાબદારી થઇ પડે છે ત્યારે નીચેના પ્રશ્ને અને મુદ્દે ગુજરાત સરકાર યોગ્ય ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે.

આ સવાલો ઉઠાવવામાં આવ્યા

 • ૧ – બગાસના ભાવો કેમ ૫૦% જેટલા અચાનક ઓછા થયા ?
 • ૨- બગાસની જરૂરિયાત અને માંગ કેમ ઘટી નથી ?
 • ૩- માંગ અને પુરવઠો યોગ્ય છે તો ભાવમાં ઘટાડો કઈ રીતે થયો ?
 • ૪- વેપારીઓએ સામુહિક રીતે ખાંડ મંડળીઓને બ્લેકમેલ કરવા કોઈ કાર્ટેલ છે કે કેમ ?
 • ૫- આ કાર્ટેલને કોઈ રાજનૈતિક શરણ અને પ્રોત્સાહન છે કે કેમ ?
 • ૬ – રાજ્ય કક્ષાના મંત્રી શ્રીની સંડોવણીની લોક મુખે ચાલતી વાતોમાં કોઈ તથ્ય છે કે કેમ ?
 • ૭- બધી સહકારી મંડળીઓમાં બગાસના ભાવો ઓનલાઈન ટેન્ડર સીસ્ટમથી મેળવવામાં આવેલા છે કે કેમ ? સૌથી વધુ ભાવ આપનારને બગાસ આપવામાં આવેલ છે કે કેમ ?
 • ૮- ખાંડ સહકારી મંડળીઓમાં પારદર્શિતા અને જવાબદેહી પ્રકીયાનું અને નિયમોનું સંપૂર્ણ પાલન થાય છે કે કેમ ?
 • ૯- આ મુદ્દે કોઈ નાણાકીય ફાયદો મેળવી ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે કે કેમ ?
 • ૧૦- આ મુદ્દે સહકારી મંડળીઓના હોદ્દેદારોએ વેપારીઓ સાથે મળી કોઈ કાર્ટેલ રચી આર્થીક લાભ મેળવેલ છે કે કેમ ?
 • ૧૧- આ મુદ્દે સહકાર વિભાગના, ખાંડ નિયામક કચેરીના સરકારી અધિકારીઓની મિલીભગત કે રાજનૈતિક દબાણમાં શીથીલતા છે કે કેમ ?
    

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published.

Translate »