મોડી રાત્રે સુરતમાં અટવાયેલા વડોદરાના વૃદ્ધ દંપત્તિને ચેમ્બરે ટ્રેનમાં રવાના કર્યું

સુરત. કોવિડ– ૧૯ની વર્તમાન રાત્રિ કરફ્‌યુની પરિસ્થિતિમાં સુરત રેલ્વે સ્ટેશને આવતા સિનિયર સીટીઝન્સ અને બાળકો સહિતના મુસાફરોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે ચેમ્બર દ્વારા વિના મૂલ્યે સેવાકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શુક્રવારે, તા. ર૭ નવેમ્બર, ર૦ર૦ના રોજ ટ્રેન માર્ગે સુરત સ્ટેશને પહોંચેલા મુસાફરોને કારમાં તેઓના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

દરમ્યાન ગઇ કાલે રાત્રે મહારાષ્ટ્રના ધુલિયા ખાતેથી વડોદરા જઇ રહેલા સિનિયર સિટીઝન અશોકભાઇ અને તેમની પત્ની મીનાક્ષીબેન સુરત રેલ્વે સ્ટેશને ઉતર્યા હતા. સુરત સ્ટેશનેથી તેઓ અન્ય ટ્રેનમાં વડોદરા જવાના હતા, પરંતુ રાત્રે તેઓ ટ્રેન ચૂકી ગયા હતા. વડોદરા જવા માટે તેઓ બસ સ્ટેશને ગયા હતા, પરંતુ બસો પણ રાત્રે બંધ હોવાથી તેઓ સુરત રેલ્વે સ્ટેશન પરિસરમાં અટવાઇ રહયા હતા. તે સમયે ત્યાં હાજર ચેમ્બરના ગૃપ ચેરમેન રાકેશ જૈને તેઓને અટવાતા જોઇએ પૂછપરછ કરતા આખી હકીકત સામે આવી હતી. અંતે ચેમ્બરે સિનિયર સિટીઝન માટે અન્ય ટ્રેનમાં રિઝર્વેશન કરી આપ્યું હતું અને બંનેને મોડી રાત્રે સુરત સ્ટેશનેથી ટ્રેનમાં વડોદરા સુરક્ષિત રવાના કર્યા હતા. ચેમ્બરે તેઓની પાસેથી રિઝર્વેશનના રૂપિયા લીધા ન હતા. ચેમ્બરની આ સેવા અવિરત ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મોડી રાત્રે સ્ટેશન પર વિવિધ ટ્રેનમાં આવતા યાત્રીઓને પોતાના ઘરે અથવા ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે પ્રાઈવેટ કાર સેવા પણ શરૂ કરીને ઉમદા ઉદાહરણ પેશ કર્યું છે.

Leave a Reply

Translate »