મોસાલી ચોકડી-વાંકલ કોલેજની સામે રૂ.૧૫ લાખના ખર્ચે નવા બસસ્ટોપ બનશે:વસાવા

વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે માંગરોળ ખાતે રૂ. ૧૭ લાખના ખર્ચે નવા સ્મશાન ધામનું ખાતમુહુર્ત થયું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આધુનિક સુવિધાયુક્ત નવા સ્મશાન ધામમાં ઇલેક્ટ્રોનિક સગડીઓ અને લાકડા પણ સમયસર ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. મંત્રીશ્રીએ મોસાલી ચોકડી અને વાંકલ કોલેજની સામે ૧૫ લાખના ખર્ચે નવા બસ સ્ટોપ બનશે એની આ વેળાએ જાહેરાત કરી હતી.
વસાવાએ વધુમાં જણાવ્યું કે, રૂ.૭૧૧ કરોડના ખર્ચે તાપી-કરજણ લિંક પાઇપલાઇન સિંચાઈ યોજના અને રૂા.૫૦ કરોડના ખર્ચે ઉમરપાડાના બિલવણ ખાતે સૈનિક સ્કુલનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાજેતરમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. સિંચાઈ અને પીવાનું પાણી ઉકાઈથી પાઈપલાઈન મારફત લાવવાની આ યોજનાથી આ વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાઓ હંમેશ માટે દૂર થઇ જશે. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાં ૨૪ કલાક વીજળી પાકી સડકો, શાળાઓની સુવિધા ઉભી કરવામાં આવી છે. મંત્રીશ્રીએ છેલ્લા થોડાં વર્ષમાં ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં કોર્ટ, પોલીસ સ્ટેશન, નવી હાઈસ્કૂલ, કોલેજોની ભેટ વિસ્તારની જનતાને ધરીને તેમના શૈક્ષણિક, સામાજિક વિકાસ સાથે સર્વાંગી ઉત્થાન થઈ રહ્યું હોવાનું ઉમેર્યું હતું.
રાજ્ય સરકારે અનેકવિધ વિકાસ યોજનાઓ થકી આદિવાસીઓને મુખ્યધારામાં લાવી તેમના જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આણ્યું છે એમ પણ જણાવ્યું હતું.

Leave a Reply

Translate »