અદાણીએ ભુલ સુધારી: એરપોર્ટવાળા બોર્ડમાં સરદાર પટેલના નામને ફરી સ્થાન આપ્યું

અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ કર્યા બાદ અમદાવાદ એરપોર્ટમાંથી ‘સરદાર વલ્લભભાઇ પટેલ’ નામ દૂર કરી દેવામાં આવ્યું હતું. આ મુદ્દો જોરશોરથી કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવતા રાજકારણ ગરમાયુ હતું અને ઘણાં લોકોએ નામ બદલવાને લઈને ટીકા કરી હતી. જોકે, હવે કરાયેલા નામમાં બદલાવને સુધારી લઈ અદાણીએ  અમદાવાદ એરપોર્ટ પર સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટમાં આપનું સ્વાગત છે  તે સ્લોગન સાથે બોર્ડ લગાવી દીધું છે. પરિણામે આખા વિવાદનો અંત આવ્યો છે. સાથે અદાણી એરપોર્ટ પણ લખાયું છે.

અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણીના હાથમાં આવ્યા બાદ સરદાર પટેલનું નામ બદલીને ‘અદાણી એરપોર્ટમાં સ્વાગત છે’ એવું લખ્યું હતું. પરંતુ ભારે વાદવિવાદ થતાં નવા બોર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમા સ્વાગત લખ્યું છે.

કોંગ્રેસે ફોટો શેર કર્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના એક નેતાએ સોશિયલ મીડિયામાં અમદાવાદ એરપોર્ટ બહારના એવા હોર્ડિંગનો ફોટો શેર કર્યો હતો. જેમાં લખાણ હતું કે, ‘અમદાવાદમાં આપનું સ્વાગત છે.’ અમદાવાદ એરપોર્ટનું જેમના પરથી નામકરણ કરવામાં આવ્યું છે તેવા સરદાર વલ્લભભાઇ પટેલનું નામ જ નહીં હોવાથી સોશિયલ મીડિયામાં ચર્ચાએ વેગ પકડયો હતો.

Leave a Reply

Translate »