આજે અમદાવાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની મળેલી 89મી વાર્ષિક સામાન્ય સભામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા. જે મુજબ વર્ષ 2022થી IPLમાં 8ની જગ્યાએ કુલ 10 ટીમો મેદાનમાં ઉતારાશે અને તેમાં એક ગુજરાતની ટીમને પણ સ્થાન મળશે.
BCCIએ કરેલા નિર્ણય પ્રમાણે હવેથી IPLમાં 8ના બદલે ટીમો ભાગ લેશે. આ વર્ષે મેગા ઓક્શન પણ થવાની છે જેના કારણે 10 ટીમોને 2022થી રમાડવામાં આવશે. જોકે 2021માં તો IPLમાં યથાવત 8 જ ટીમો રહેશે. આ AGMમાં બોર્ડે જાહેર કર્યું છે કે 2022થી IPLમાં 8ની જગ્યાએ 10 ટીમ ભાગ લેશે. રિપોર્ટ પ્રમાણે IPLની ટીમ ખરીદવાની રેસમાં અદાણી ગ્રૂપ અને સંજીવ ગોયન્કા ગ્રપ આગળ રહેશે. જે નવી 2 ટીમનો સમાવેશ થયો છે એમાંથી એક ટીમ ગુજરાતની હશે. અગાઉ જ IPLમાં એક ટીમ અમદાવાદની હોઈ શકે છે જેને ખરીદવાની ઇચ્છા અદાણી ગ્રૂપે પહેલા જ વ્યક્ત કરી હતી. મેગા ઓક્શનને બદલે આ વખતે પણ મિની ઓક્શન જ થશે.
ઓલિમ્પિકમાં ક્રિકેટને સમાવવા તૈયારી
BCCI 2028માં ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ માટે તૈયાર છે. આ મામલે બોર્ડે કહ્યું હતું કે, તેઓ 2028માં ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ માટે તૈયાર છે અને આ બાબતે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને પૂરેપૂરો સહયોગ કરશે. જોકે આ પહેલાં બોર્ડ અમુક બાબતે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી પાસેથી સ્પષ્ટતા ઈચ્છે છે. આ સાથે જ એ પણ નિર્ણય લેવાયો છે કે, તમામ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોને કોરોના મહામારીને કારણે ડોમેસ્ટિક સિઝનને થયેલી અસરનું યોગ્ય વળતર આપવામાં આવશે. આ વળતર પુરૂષ અને મહિલા એમ બંને વર્ગોને આપવામાં આવશે.
ગાંગુલી કામગીરી યથાવત રાખશે, રાજીવ શુક્લાને ઉપાધ્યક્ષ બનાવાયા, જય શાહ આઈસીસીમાં ભારતના રિપ્રેઝન્ટેટિવ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લા BCCIના નવા ઉપાધ્યક્ષ બન્યા છે. મહિમ વર્માએ રાજીનામું આપતા આ પદ ખાલી પડ્યું હતું. સૂત્રો અનુસાર બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ICC બોર્ડમાં ડાયરેક્ટર તરીકે કામગીરી યથાવત રાખશે. તેમની ગેરહાજરીમાં સેક્રેટરી જય શાહ આ પદની જવાબદારી સંભાળશે. શાહ ICCમાં ભારતના રિપ્રેઝન્ટેટિવ પણ હશે. તે ICCની ચીફ એક્ઝિક્યુટિવ મીટિંગમાં બોર્ડનું પ્રતિનિધિત્વ કરશે.