સુરતમાં શિયાળ દેખાયું: કંઈ નવી વાત નથી, આ પહેલા પણ રેસ્ક્યુ કરાયા છે

  • રાજા શેખ, સુરત (98980 34910)

સુરતના ચોકબજાર ખાતે આવેલા આર્ય સમાજની વાડી પાસે બુધવારની મોડી રાત્રે એક શિયાળ લટાર મારતું દેખા દીધું હતું. સંભવત: આ શિયાળ પોતાના પેટની આગ ઠારવા આ વિસ્તારમાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે. સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં જોવા મળતું આ પ્રાણી શહેરી વિસ્તારમાં ટહેલવા નીકળે એ તો જરૂર અચરજ પમાડનારી વાત છે.  એક રાહદારીને તે દેખા દેતા તેણે તેને કેમેરામાં કંડારી લીધું હતું. જોકે, આ પહેલીવાર નથી કે સુરતમાં શિયાળ દેખાયું હોય. જંગલ વિભાગે આ પહેલા પણ સુરતમાંથી ત્રણ જેટલા શિયાળ રેસક્યુ કર્યા છે. રેસક્યુ કરાયેલા શિયાળ બીજે ક્યાંય નહીં પણ સુરત એરપોર્ટના રનવે પર અવારનવાર લટાર મારતા હતા અને ફ્લાઈટ ઉતરાણ વખતે તે જોખમી પણ જણાતા એરપોર્ટ ઓથોરિટીની ચિંતા વધારી હતી.

હવે સવાલ એ છે કે, આ શિયાળ આવ્યા ક્યાંથી?

 ફોરેસ્ટ ઓફિસર પુનિત નૈય્યરે આ સવાલનો જવાબ આપતા અમને કહ્યું હતું કે, સુરત ચોકબજારમાં શિયાળ દેખાયું તે વાતની જાણકારી મળતા અમારી ટીમ ત્યાં પહોંચી હતી. અમારી તપાસમાં માલૂમ પડ્યું છે કે, તાપી નદીના કિનારે પાંચેક શિયાળએ પડાવ નાંખ્યો છે. નદી તટ વિસ્તારમાં વેસ્ટેજ અને ફૂડ ફેંકવામાં આવતું હોય છે જેથી, તે ખોરાક ખાવા માટે ત્યાં પહોંચી જાય છે. ચોકબજારમાં માર્ગ પર ફરતું શિયાળ તાપી નદી તટેથી વાયા ગાંધીબાગ થઈને ત્યાં પહોંચ્યુ હોઈ શકે છે. જોકે, તે માનવને નુકસાન પહોંચાડતું નથી જેથી, તે માટે ગભરાવવાની જરૂર નથી પણ અમે તેને રેસક્યુ કરીને જંગલ એરિયામાં છોડવા માટેની તૈયારી કરી છે. આ શિયાળ ક્યાંથી આવ્યા તે અંગે જણાવતા નૈય્યરે કહ્યું હતું કે, સુરત એરપોર્ટ પર પણ પહેલા શિયાળ રેસક્યુ કરાયા હતા. જેથી, ડુમસની આસપાસના ઘટાદાર વિસ્તારોમાં તેઓનો વાસ હોઈ શકે. એરપોર્ટ પર તેઓ પાઈપલાઈનના માધ્યમથી અંદર પ્રવેશતા હતા. છેક ચોક સુધી પણ ડુમસથી નદીના તટ પરથી આગળ વધીને તેઓ પહોંચ્યા હોઈ શકે છે.

આ પહેલા કયારે દેખાયા હતા શિયાળ?

સુરતમાં આ પહેલા 2019માં શિયાળ દેખાયા હતા અને તેઓ સુરત એરપોર્ટ પર લેન્ડિંગ એરિયામાં લટાર મારતા હતા. એરપોર્ટ ઓથોરિટીની ફરિયાદને આધારે જંગલ ખાતાએ ત્રણ શિયાળ રેસક્યુ કર્યાં હતા અને તેને જંગલમાં છોડ્યા હતા.

 હજીરામાં દિપડો પણ દેખાયો હતો


ગત મહિને હજીરાની આર્સેલર મિત્તલ કંપનીના પરિસરમાં દીપડો દેખાયો હતો. દીપડા અંગે વન વિભાગના જાણ થતાં તેમણે સીસીટીવીની સાથે પાંજરા પણ ગોઠવી દીધા હતા. જોકે, દિપડો પરિસરમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

Leave a Reply

Translate »