સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સમસ્ત પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે સુરત ડાયમંડ એસોસીએશન, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, શ્રી સૌરાષ્ટ્ર પાટીદાર સોશિયલ ટ્રસ્ટ (સૌરાષ્ટ્ર ભવન), લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર અને ઉમિયાધામ– વરાછા, સુરતના સહયોગથી રવિવારે, તા. ર૭ ડિસેમ્બર, ર૦ર૦ના રોજ સવારે ૯:૩૦ કલાકથી સાંજે પઃ૦૦ કલાક સુધી કતારગામ સ્થિત આંબા તલાવડી રોડ, અંકુર સ્કૂલની સામે આવેલા સમસ્ત પાટીદાર સમાજ વાડી ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોવિડ– ૧૯ને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતિમાં રોજગારી ગુમાવનારા આશરે બે હજારથી પણ વધુ નોકરીવાંચ્છુકોને રોજગારી અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રોજગાર મેળાના ઉદ્ઘાટન પ્રસંગે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ૧૦૩ કંપનીઓએ આ રોજગાર મેળામાં ભાગ લીધો છે અને બે હજારથી વધુ નોકરીવાંચ્છુકોને રોજગારી અપાવવાનો પ્રયાસ થઇ રહયો છે. કોરોના મહામારી બાદ જે પરિસ્થિતિનું સર્જન થયું છે તેને કારણે અનેક લોકોને રોજગારી ગુમાવવી પડી છે. એવા સંજોગોમાં રોજગાર મેળો એ એવા હજારો નોકરીવાંચ્છુકો માટે આશિર્વાદરૂપ બની રહેશે. તેમણે વધુમાં કહયું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાચા અર્થમાં દક્ષિણ ગુજરાતમાં પોતાની પ્રવૃત્તિનો વિકાસ અને વિસ્તાર કરવા માંગે છે અને તેથી શહેરના અન્ય વિસ્તારોમાં પણ શ્રેણીબદ્ધ રોજગાર મેળાનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે.
સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વેલજી શેટાએ જણાવ્યું હતું કે, આવા પ્રકારના આયોજનોથી લોકોમાં આત્મવિશ્વાસ વધી રહયો છે. કોરોના મહામારી બાદ કેટલાક ઉદ્યોગોમાં માણસોની જરૂરિયાત ખૂબ વધી છે અને તે જરૂરિયાતોને પહોંચી શકાતું નથી. ખાસ કરીને રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં મજૂરો મળતા નથી. ટેક્ષ્ટાઇલ ઉદ્યોગમાં પણ કારખાનામાં કામ કરવા માટે કારીગરો મળતા નથી. અહીં નોકરી કરવા માટે ઇચ્છુક મિત્રોને તેમણે એવી વિનંતી પણ કરી હતી કે તેઓ નવા ક્ષેત્રોની અંદર પણ સતત ઝાંખતા રહે. હું માત્ર એકજ ક્ષેત્રમાં કામ કરીશ એવી માનસિકતામાંથી બહાર આવશો તો કદાચ જીવનમાં વધુ સફળતા હાંસલ કરી શકશો.
પદ્મશ્રી મથુર સવાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજના યુવાનો કૃષિ ક્ષેત્રમાં કેમ ઝંપલાવતા નથી? તેનું મને આશ્ચર્ય લાગે છે. ખેતી કરવી એ કંઇ શરમજનક કાર્ય નથી. એ કાર્ય માટેનો નજરીયો બદલવો જરૂરી છે. આજે ગામડામાં કોઇ દુઃખી નથી. જ્યારે શહેરની અંદર રપ ટકા લોકો અનેક પ્રકારની સમસ્યાઓથી પીડાતા હોય છે. જિંદગી શું માત્ર શહેરમાં જ માણી શકાય? એવો સવાલ તેમણે કર્યો હતો. આથી યુવાનોએ નવા ક્ષેત્રોની સતત શોધમાં રહીને પોતાના જીવન પ્રત્યેના દૃષ્ટિબિંદુને બદલવાની જરૂર છે. તેમણે નોકરીવાંચ્છુકોને આ સંદેશો આપીને નવા કાર્યક્ષેત્રમાં જોડાવવા માટે હાકલ કરી હતી.
ગુજરાત રાજ્યના માજી મંત્રી નાનુભાઇ વાનાણીએ જણાવ્યું હતું કે, બધા જ કાર્યો સરકાર ન કરી શકે. આથી ચેમ્બર અને સમસ્ત પાટીદાર સમાજ જેવી સંસ્થાઓ સરકારનું કાર્ય કરી રહી છે. કોવિડ– ૧૯ ના સંપૂર્ણ નિયમોનું પાલન કરીને જે રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે અભિનંદનને પાત્ર છે. નોકરીવાંચ્છુકોને પોતાને યોગ્ય નોકરી મળે તેવી હાર્દિક શુભકામના તેમને પાઠવી હતી.
આખા દિવસ દરમ્યાન ૧૦૩ કંપનીઓએ ર૩૦૦ નોકરીવાંચ્છુકોના ઇન્ટરવ્યૂ કર્યા હતા. જેમાંથી રરર ઉમેદવારોને પ્રથમ તબકકે જ પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે ૧ર૦૦ ઉમેદવારોને બીજા રાઉન્ડના ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે. એટલે એક અંદાજ પ્રમાણે એમ કહી શકાય કે આખી પ્રોસેસના અંતે ૮૦૦ જેટલા નોકરીવાંચ્છુકોને નોકરી પ્રાપ્ત થશે.