ભારતમાં કોરોનાથી સંક્રમિત કેસોની સંખ્યા ઘટી તે વાસ્તવિકતા છે. કદાચ આના માટેનું શ્રેય લોકલ હર્ડ ઇમ્યુનિટી એટલે કે સામુહિક રોગ પ્રતિરોધક ક્ષમતા અને યુવા વસ્તીને આપી શકાય. વૈજ્ઞાનિકોએ ભારતમાં કોરોના કેસની સંખ્યામાં વધ-ઘટને સમજવાનો પ્રયાસ કર્યો હતો. સોમવારે સંક્રમણના ૧૬૫૦૪ નવા કેસ આવ્યા જે સપ્ટેમ્બરના ૯૭૮૯૪ કરતા છ ગણા ઓછા છે.
શું કહે છે નિષ્ણાંતો?
રિપોર્ટ મુજબ નિષ્ણાંતોનું કહેવું છે કે, ભારતમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને રસીકરણનો કાર્યક્રમ થવાનો છે તેનાથી આશાનું એક કિરણ દેખાય છે. અશોકા યુનિવર્સિટીની ત્રિવેદી સ્કુલ ઓફ બાયોસાયન્સના ડાયરેકટર શાહીદ જમીલે કહ્યું કે, સંખ્યા નહીં પણ ચડાવ – ઉતાર મહત્વના છે. તેમણે કહ્યું કે મહામારી દરમિયાન જયાં સુધી બધા લોકોનું ટેસ્ટીંગ ન થાય ત્યાં સુધી સાચો આંકડો મેળવવો અઘરો છે. દેશમાં કોરોનાના કેસ સપ્ટેમ્બરના મધ્યમાં ટોચે પહોંચ્યા પછી સતત ઘટી રહ્યા છે.
ભારત યુવા શક્તિને કારણે વધુ સુરક્ષિત
વોશિંગ્ટનમાં સેન્ટર ફોર ડીસીઝ ડાયનેમિકસ, ઇકોનોમિકસ એન્ડ પોલિસીના સ્થાપક અને ડાયરેકટર લક્ષ્મીનારાયણે કહ્યું કે, ભારત યુવા વસ્તીના કારણે વધુ સુરક્ષિત રહ્યું કેમ કે ત્યાં દેશની ૬૫ ટકા વસ્તી ૩૫ વર્ષથી ઓછી ઉંમરની છે અને આ આયુ વર્ગમાં સંક્રમણની શકયતા ઓછી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, મોટાભાગના રાજ્યોમાં સંક્રમણનો આંકડો ચોક્કસ ઘટયો છે પણ આવું પહેલા પણ ઘણા દેશોમાં જોવા મળ્યું છે જ્યાં પછી કેસો વધવા લાગ્યા છે. નવી દિલ્હીની નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇમ્યુનોલોજીના રોગ પ્રતિરક્ષા વૈજ્ઞાનિક (ઇમ્યુનોલોજીસ્ટ) સત્યજીત રથે લક્ષ્મીનારાયણ સાથે સહમતિ દર્શાવતા કહ્યું કે, વાયરસનો પ્રસાર એક સમાન લહેરના રૂપમાં નથી પણ ઘણા બધા સ્થાનિક કારણોથી થાય છે. એક રસી પર ચર્ચા કરતા લક્ષ્મીનારાયણે કહ્યું કે, બધાને ડોઝ મળવો જોઇએ ભલે લોકોમાં સંક્રમણ થયું હોય કે ન થયું હોય.