ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ લડત ચલાવી રહેલા ખેડૂતાે પૈકી 20 ખેડૂત આગેવાનાેને આજે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)એ સમન્સ પાઠવ્યુ છે. આ સમન્સ શીખ ફોર જસ્ટિસ સામે દાખલ એક કેસના સંદર્ભમાં મોકલવામાં આવ્યુ છે. એનઆઈએએ દાખલ કરેલી ફરિયાદમાં કહેવાયું છે કે, ખાલિસ્તાની સમર્થકોને વિદેશોમાંથી ભંડોળ મળી રહ્યુ છે. આ સમન્સથી ખેડૂતાે ગિન્નાયા છે અને તેઆેએ સરકાર પર સીધાે પ્રહાર કરતા કહ્યું છે કે, સરકાર ખેડૂતોએ 26 જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર પરેડ કરવાની જે જાહેરાત કરી છે તેનાથી ગભરાઈ ગઈ છે અને આ પ્રકારના પગલા ભરી રહી છે. ઉલ્લેખનીય છે કે, સરકારને સુપ્રીમ કાેર્ટ તરફથી ફટકાર મળી છે અને આગળની સુનાવણી સુધી ત્રણેય કૃષિ કાયદા પર રાેક લગાવી છે અને કમિટી બનાવી છે.
જે લોકોને NIA દ્વારા નોટિસ મોકલવામાં આવી છે તેમા લોક ભલાઈ ઈન્સાફ વેલફેર સોસાયટી (LBIWS)ના વડા બળદેવ સિંહ સિરસા તથા તેમના દિકરા મેહતાબ સિંહ સિરસાના નામનો સમાવેશ થાય છે. તેમને 17 જાન્યુઆરીના રોજ NIAના દિલ્હી સ્થિત હેડક્વોટરમાં હાજર થવા કહેવામાં આવ્યુ છે.
જ્યારે શીખ યુથ ફેડરેશન ભિંડરાવાલાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ભાઈ રણજીત સિંહ દમદમી ટકસાલ, મનદીપ સિદ્ધુ, અભિનેતા દીપ સિદ્ધુના ભાઈ, નોહજીત સિંહ બુલોવાલ, પ્રદીપ સિંહ લુધિયાના, પરમજીત સિંહ અકાલી, પલવિંદર સિંહ અમરકોટ, ગુરમત પ્રચાર સેવા લીહરના નેતા સુરિંદર સિંહ ઠિક્રીવાલા, કેટીવીના પત્રકાર જસવીર સિંહ મુકસર, અકાલ ચેનલના પત્રકાર તેજીંદરપાલ સિંહ, બીંદી સિંહ રિહાઈ મોર્ચાના નેતા મોજંગ સિંહ લુધિયાનાને પણ NIA તરફથી સમન્સ પાઠવવામાં આવ્યુ છે. આ તમામને 21 જાન્યુઆરીના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
NIAએ 15 ડિસેમ્બરના રોજ કેસ દાખલ કર્યો હતો. જેમા શીખ ફોર જસ્ટિસને એક ગેરકાયદેસર સંગઠન ગણાવ્યુ હતું. કેસ UAPA,1967 અંતર્ગત દાખલ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સેક્રેટરી રાજીવ કુમાર તરફથી દાખલ કેસમાં જણાવ્યા પ્રમાણે ભારત, અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની તથા અન્ય કેટલાક દેશોમાં ભારતીય દુતાવાસો પર પ્રદર્શન તથા ખોટો પ્રચાર કરવા માટે વિદેશોમાં મોટા પ્રમાણમાં ભંડોળ એકત્રિત કરવામાં આવી રહ્યુ છે. આ ભંડોળ બિન સરકારી સંસ્થાઓ મારફતે ભારતમાં ખાલિસ્તાન સમર્થકોને મોકલવામાં આવી રહ્યુ છે.