સરકાર અને ખેડૂતોની વચ્ચે 11માં રાઉન્ડની બેઠકમાં પણ કોઈ જ પરિણામ સામે આવ્યું નથી. કેન્દ્રએ ખેડૂતોની સામે બે પ્રપોઝલ મુક્યા છે. કેન્દ્રએ ખેડૂતોને કહ્યું કે બે વર્ષ સુધી કૃષિ કાયદાને સ્થગિત કરવામાં આવશે અને MSP પર વાતચીત માટે નવી કમિટીનું ગઠન કરવામાં આવશે. જો કે આ પ્રસ્તાવ પર પણ ખેડૂત સંગઠનોએ સ્વીકાર કર્યો નથી. આ પ્રપોઝલ પર ખેડૂત અલગથી બેઠક કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 10 બેઠકમાંથી 9 બેઠકમાં કોઈ પરિણામ આવ્યું નહોતું. ખેડૂતો ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની માગણી કરી રહ્યા છે, જ્યારે સરકારનું કહેવું છે કે કાયદાના અમલ પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે, ખેડૂતોએ હવે આ સિવાયની બીજી માગણીઓ વિશે વાત કરવી જોઈએ.
21 જાન્યુઆરીએ સુપ્રીમની કમિટી ખેડૂતોને મળશે
કૃષિ કાયદા મુદ્દે સમાધાન લાવવા સુપ્રીમ કોર્ટ તરફથી ત્રણ સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. તેમણે મંગળવારે દિલ્હીમાં એક મીટિંગ કરી હતી. . કમિટીના જણાવ્યા પ્રમાણે, તેઓ 21 જાન્યુઆરીએ ખેડૂત સંગઠન સાથે મીટિંગ કરશે. જે ખેડૂતો મળવા નહીં આવે તેમને મળવા પણ જશે. ઓનલાઈન સૂચનો લેવા માટે પણ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. 15 માર્ચ સુધી ખેડૂતો સૂચનો આપી શકશે.