કબૂતર માટે બાલ્કનીમાં ચણ ન નાંખી શકે મુંબઈનો પરિવાર : કોર્ટનો ચુકાદો

મુંબઈ સિવલ કોર્ટે વર્લી વિસ્તારમાં એક બિલ્ડિંગમાં રહેતા પરિવારને બાલ્કનીમાં કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સોસાયટીમાં કબૂતરોની સંખ્યા વધતાં પડોશીઓએ આ અંગે ફરિયાદ કરી હતી. કોર્ટે કહ્યું કે પરિવાર સોસાયટીમાં કોઈ એવી જગ્યા પસંદ કરી ચણ નાંખે કે જેમાં કોઈને હેરાનગતિ ન થાય.

રિપોર્ટ મુજબ વર્લીની વિનસ હાઉસિંગ સોસાયટીમાં દિલીપ શાહની ઉપરના એક એનિલમ એક્ટિવિસ્ટ રહેવા આવ્યા. તેમણે પોતાની બાલ્કનીમાં પક્ષીઓને બેસવા માટે અને ચણ માટે એક મોટું પ્લેટફોર્મ બનાવ્યું. દિલીપ શાહ અને તેમનાં પત્નીએ આરોપ લગાવ્યો કે ત્યાર પછી મોટી સંખ્યામાં કબૂતરો અહીં આવવા લાગ્યાં. ધીમે ધીમે વિવાદ વધવા લાગ્યો. ત્યાર પછી 2011માં દિલીપ શાહે એક્ટિવિસ્ટ જિગિશા ઠાકોર અને પદ્મા ઠાકોર સામે સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો. શાહની ફરિયાદમાં જણાવાયું હતું કે પક્ષીઓની ચરક અને ચણ તેમની બાલ્કનીમાં પડે છે, જેનાથી તેમની બાલ્કનીમાં ખૂબ જ ગંધ આવે છે. સ્લાઈડિંગ વિન્ડોને ખોલવામાં અને બંધ કરવામાં પણ અડચણ આવે છે. આ દંપતીએ એવો આરોપ પણ લગાવ્યો હતો કે ચણમાં નાની નાની ઈયળ પણ જોવા મળતી હતી, જે તેમના ઘરમાં પણ આવી જતી હતી. મહિલાને ચામડીની સમસ્યા હતી, જે વધી ગઈ. અનેકવાર ફરિયાદ છતાં ઉપરના પરિવારે ધ્યાન ન આપ્યું. ઊલટાનું આ પરિવાર કહેવા લાગ્યો કે પક્ષીઓને ચણ અને પાણી આપવાના કામમાં તમે અડચણ ઊભી કરો છે. ત્યાર પછી દિલીપ શાહે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ કેસ જસ્ટિસ એચ લડ્ડાડ પાસે ગયો. બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા પછી જજે કહ્યું કે મારા મુજબ પક્ષીઓને ચણ નાખનાર પરિવારનો વ્યવહાર નીચેના પરિવારને પરેશાન કરવા સમાન છે, કારણ કે તેમની બાલ્કની નીચે છે. કોર્ટે ઠાકોર પરિવારને પોતાની બાલ્કનીમાં ચણ ન નાખવાનો આદેશ આપ્યો અને કહ્યું કે તેઓ સોસાયટીમાં કોઈ જગ્યા નક્કી કરે ત્યાં જઈને ચણ નાખે.

Leave a Reply

Translate »