કૃષિ કાયદાઓનાં વિરોધમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા અંગે પોલીસ સતત એક્શનમાં છે. આ મુદ્દે પોલીસે કાર્યવાહી કરતા ટ્રેક્ટર રેલી સંદર્ભે થયેલા તોફાનો મામલે અત્યાર સુધીમાં 22 એફઆઈઆર દાખલ કરી છે. ખેડૂતોએ શાંતિપૂર્ણ ટ્રેક્ટર પરેડ યોજવા ખાતરી આપી હતી પરંતુ દિલ્હીની સિંઘુ, ટિકરી અને ગાઝીપુર સરહદે બેરિકેડ્સ તોડી પાડીને પોલીસ સાથે ઘર્ષણ કરી ખેડૂતો છેક આઈટીઓ અને લાલ કિલ્લા સુધી ઘૂસી ગયા હતા. પાટનગરમાં આટલી હદે હિંસક અથડામણ થશે તેની કોઈ કલ્પના પણ કરી શકતું નહતું. ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણા બનાવોમાં 86 પોલીસકર્મી સહિત 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ મામલે એક્શન લેતા કુલ 22 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને આગામી સમયમાં વધુ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે. દિલ્હી આપાસની સરહદે સૌપ્રથમ બબાલ શરૂ થઈ હતી બાદમાં ખેડૂતો ઉગ્ર બની ગયા હતા અને ટ્રેક્ટર વડે બેરિકેડ્સ તોડી પાડ્યા હતા તેમજ ડીટીસી બસ સહિત આઠ બસો તેમજ 17 ખાનગી વાહનોને હડફેટે લીધા હતા. લાલ કિલ્લા પર સ્તંભ ઉપર ધાર્મિક અને ખેડૂત આંદોલનનો ધ્વજ પણ ફરકાવાયો હતો અને બાદમાં ખેડૂતો પરત ખસેડવામાં આવ્યા હતા.