ગુજરાતમાં અહેમદ પટેલ-અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બન્ને બેઠકોની ચૂંટણી 1 માર્ચે યોજાશે

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ભાજપ રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ તેમજ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના કોરોનાકાળમાં નિધન બાદ ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણી માટે 1 માર્ચ તારીખ નક્કી કરાઈ છે.

રાજ્યસભાની આ બંને બેઠકો માટે 11 ફેબ્રુઆરીએ જાહેરનામું રજૂ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી નિર્ધારિત કરવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીની મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે.

  • કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું કોરોના સંક્રમિત થયા બાદ સારવાર દરમિયાન દિલ્હીમાં 25 નવેમ્બર 2020ના રોજ નિધન થયું હતું. જ્યારે અભય ભારદ્વાજનું કોરોનાની સારવાર દરમિયાન ચેન્નાઈમાં 1 ડિસેમ્બર 2020ના રોજ નિધન થયું હતું. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના ચીફ સેક્રેટરીને સૂચના આપી છે કે રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે સિનીયર અધિકારીને નિમણૂક કરવામાં આવે. કોરોનાની તમામ ગાઇડલાઇનનું પાલન કરીને આ ચૂંટણી યોજવામાં આવે તેની તમામ જવાબદારી આ સીનિયર અધિકારીની રહેશે.

અમિત શાહની રણનીતિને નિષ્ફળ બનાવી અહેમદભાઈ વિજયી થયા હતા
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના અવસાનથી પાર્ટીને ખૂબ મોટી ખોટ પડી છે. અહેમદ પટેલ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ હતા. 2017માં તેઓ જ્યારે આ પદ માટેની ચૂંટણી જીત્યા ત્યારે ભાજપે ભારે ધમપછાડા કર્યા હતા. ખુદ અમિત શાહે અહેમદભાઈને હરાવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યે રાજીનામાં આપી દીધા હતા. જોકે અમિત શાહની રણનીતિને નિષ્ફળ બનાવી અહેમદભાઈ વિજયી થયા હતા. ગુજરાતમાં ગત બે ટર્મથી લોકસભામાં કોંગ્રેસને એક પણ સીટ મળી નથી.કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું અવસાન 25 નવેમ્બરે થયું હતું. તેમની ટર્મ 18 ઓગસ્ટ 2023માં પુરી થતી હતી. જ્યારે ભાજપના સાંસદ અભય ભારદ્વાજનું અવસાન પહેલી ડિસેમ્બરે થયું હતું. તેમની ટર્મ 21 જૂન 2026ના રોજ પુરી થવાની હતી.

Leave a Reply

Translate »