ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કેનેડાના સમકક્ષ જસ્ટિન ટ્રુડો વચ્ચે ગુરુવારે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ વાતચીત દરમિયાન કેનેડાએ કોરોના વેક્સિનની ભારત પાસે માગ કરી છે. ચીન, અમેરિકા તથા યુરોપના દેશો પાસેથી વેક્સિન ન મળતાં છેવટે કેનેડા ભારત પાસેથી વેક્સિનની આશા રાખી રહ્યું છે. કેનેડાના વડાપ્રધાન સાથે વાતચીત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપતાં જણાવ્યું હતું કે મારા મિત્ર જસ્ટિન ટ્રુડો તરફથી કોલ આવ્યો હતો, જે બદલ ખુશી થઈ છે. કેનેડા તરફથી માગવામાં આવેલ કોવિડ 19 વેક્સિનને ધ્યાનમાં રાખી ભારત શક્ય તમામ મદદ કરશે. PM મોદીએ જણાવ્યું હતું કે અમે ક્લાઈમેટ ચેન્જ તથા વૈશ્વિક અર્થતંત્રમાં સુધારા જેવા મહત્ત્વના મુદ્દે સહકારને આગળ વધારવા માટે સહમત થયા છીએ.
ટ્રુડો ખાલિસ્તાનવાદીઓને સમર્થક હોવાનું માનવામાં આવે છે અને ભારતમાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એને લઈ કેનેડાનાં વિવિધ શહેરોમાં સમર્થન રેલીઓ થઈ હતી તથા પ્રદર્શનો થયાં હતાં. ટ્રુડોએ ભારતમાં ચાલતા ખેડૂત આંદોલન અંગે બિનજરૂરી ટિપ્પણી કરી હતી. ટ્રુડોએ ભારતમાં કૃષિ કાયદા સામે ચાલી રહેલા વિરોધપ્રદર્શન અંગે કહ્યું હતું કે કેનેડા વિશ્વમાં ગમે ત્યાં ચાલતા ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલનના અધિકારોના રક્ષણને ટેકો આપે છે. આ અંગે ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ટ્રુડો બન્ને દેશના સંબંધોને ખરાબ કરી રહ્યા છે.