દિવંગત એક્ટર, કોમેડિયન તથા ડાયલોગ રાઈટર કાદર ખાનના મોટા દીકરા અબ્દુલ કુદ્દૂસનું અવસાન થયું છે. રિપોર્ટ પ્રમાણે, ગુરુવાર, 1 એપ્રિલના રોજ કેનેડામાં અંતિમ શ્વાસ લીધા હતા. જોકે, અબ્દુલનું મોત ક્યા કારણોસર થયું તેનું કારણ સામે આવ્યું નથી. અબ્દુલ લાઈમલાઈટથી દૂર હતો અને કેનેડામાં એરપોર્ટ પર સિક્યોરિટી ઓફિસર તરીકે કામ કરતો હતો.
અબ્દુલને કારણે કાદર ખાને વિલનના રોલ ઠુકરાવ્યા
એક ઈન્ટરવ્યૂમાં કાદર ખાને કહ્યું હતું કે કુદ્દૂસને કારણે તેમણે ફિલ્મમાં વિલનના રોલ ભજવવાનું બંધ કર્યું હતું. તેમણે કહ્યું હતું, ‘મારો મોટો દીકરો કુદ્દૂસ મિત્રો સાથે રમીને ફાટેલા કપડાં સાથે ઘરે આવ્યો હતો. વિલન તરીકે ફિલ્મના અંતે હંમેશાં મને માર પડતો હતો. દીકરાના મિત્રોએ તેને કહ્યું કે તારા પિતા બધા લોકોને મારે છે અને અંતે તેમને માર પડે છે. તેને આવી કમેન્ટ સાંભળીને ગુસ્સો આવતો હતો અને તે ઝઘડો કરતો હતો. એક દિવસ ઘરે આવ્યો ત્યારે તેને બહુ વાગ્યું હતું. મને ગુસ્સો આવ્યો અને મેં નક્કી કર્યું કે હું વિલનના રોલ કરીશ નહીં. તે સમયે કોમેડી ફિલ્મ ‘હિંમતવાલા’ બની રહી હતી અને મેં ત્યારથી કોમેડી રોલ કરવાના શરૂ કર્યુ હતા.’
2018માં કાદર ખાનનું નિધન થયું
31 ડિસેમ્બર, 2018માં કાદર ખાને 88 વર્ષની ઉંમરમાં કેનેડામાં અંતિમ શ્વાસ લીધા હતા. અહીંયા તેમને મિસિસૉગા સ્થિત મીડિયો વેલે કબ્રસ્તાનમાં તેમને સુર્પુદ-એ-ખાક કરવામાં આવ્યા હતા. તે સમયે કુદ્દૂસ હાજર હતો. કુદ્દૂસ ઉપરાંત કાદરને બે દીકરાઓ સરફરાઝ તથા શાહનવાઝ ખાન છે. બંને બોલિવૂડમાં છે. સરફરાજે પ્રોડ્યૂસર તરીકે ‘તેરે નામ’, ‘મૈંને દિલ તુઝકો દિયા’ તથા ‘વોન્ટેડ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. તો શાહનવાઝે ‘મિલેંગે મિલેંગ’ તથા ‘હમકો તુમસે પ્યાર હૈ’ જેવી ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.