વિદેશી મીડીયામાં ભારતમાં કોરાનાની ગંભીર સ્થિતિ અંગે કેવા અહેવાલો આવી રહ્યાં છે?

ગુરુવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 3.14 લાખથી વધારે કેસ સામે આવ્યા. જે પછી બ્રિટનના અખબાર ધ ગાર્ડિયને આ અંગેના સમાચારને હેડિંગ આપ્યું છે, “ભારતમાં કોવિડની લહેર ભયાનક બની, રોજના 3,15,000 કેસ, વૈશ્વિક રેકૉર્ડ”. અખબાર લખે છે કે હૉસ્પિટલની વ્યવસ્થા તૂટી પડવાને આરે છે અને ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,14,835 કેસ નોંધાયા છે. જે કોરોના મહામારી શરૂ થયા પછી કોઈ પણ દેશનો સૌથી મોટો આંક છે. ગાર્ડિયન અખબાર લખે છે કે ભારતમાં સોશિયલ મીડિયા પર મદદ માગી રહેલા લોકોનું પૂર આવેલું છે, કોઈ પોતાના પરિવારના લોકો માટે ઓક્સિજનના સિલિન્ડર શોધી રહ્યા છે, તો કોઈ હૉસ્પિટલમાં પથારી માટે બંદોબસ્ત કરી રહ્યા છે. આગળ લખ્યું છે, “હૉસ્પિટલોએ ચેતવણી આપી છે કે તેઓ આટલી માગ સામે લડવા માટે અસમર્થ છે, અનેક હૉસ્પિટલોએ કેટલાક જ કલાકોનો ઑક્સિજન બચ્યો હોવાની જાહેરાત કરી છે.” અખબાર લખે છે કે સાઉથ કૅરોલીનાની મેડિકલ યુનિવર્સિટીમાં ચેપી રોગોના ડિવિઝનનાં આસિસ્ટન્ટ પ્રોફેસર કૃતિકા કુપ્પલી ટ્વિટર પર લખે છે, “ભારતમાં કોરોના વાઇરસ જાહેર સ્વાસ્થ્ય સંકટ બની ગયું છે, જેના કારણે આરોગ્યસેવા તૂટી પડવાની અણીએ છે. અખબારે બુધવારે નાશિકમાં ઓક્સિજન ગળતરથી થયેલાં 22 લોકોનાં મૃત્યુ, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ કોરોના સંક્રમિત હોવાના સમાચારને પણ સમાવ્યા છે. સાથે જ તેમણે કહ્યું છે કે આ પહેલાં 2 જાન્યુઆરીએ અમેરિકામાં સૌથી વધારે દૈનિક 3,00,310 કેસ આવ્યા હતા, જે એક રેકૉર્ડ હતો. ગાર્ડિયનના નિષ્ણાતોએ સંક્રમણનાં કારણો દર્શાવતા લખ્યું છે, “વાઇરસ ગાયબ થઈ ગયો છે, એમ ખોટું વિચારીને તકેદારીનાં પગલાંમાં ખૂબ જ જલદી ઢીલ આપવામાં આવી. લગ્ન અને મોટા તહેવારોની ઉજવણીની પરવાનગી આપવામાં આવી અને મોદી સ્થાનિક ચૂંટણીઓમાં ભીડ સાથે રેલીઓ કરી રહ્યા હતા.”

પ્રસિદ્ધ વિદેશી મીડિયા સંસ્થાન અલ જઝીરાએ પોતાની વેબસાઇટ પર સમાચાર પ્રકાશિત કર્યા છે, જેમાં વધતા સંક્રમણના કેસ માટે ‘ડબલ મ્યુટન્ટ’ વાઇરસ અને ‘સુપર સ્પ્રેડર’ ભીડને કારણભૂત ગણાવી છે. સમાચારને શીર્ષક આપ્યું છે ‘ભારતમાં દુનિયાના સૌથી વધારે દૈનિક કોરોના વાઇરસના કેસ, રેકૉર્ડ મૃત્યુ’ અલ જઝીરા લખે છે, “ઘણી બધી હૉસ્પિટલે બેડ અને દવા ઓછી પડવાની ફરિયાદ કરી છે, જ્યારે ઓક્સિજનની ઘટ ખતરનાક સ્તરે પહોંચી છે.” આરોગ્ય નિષ્ણાતોને ટાંકીને લખ્યું છે, “શિયાળા દરમિયાન વાઇરસ નિયંત્રણમાં દેખાઈ રહ્યો હતો, ત્યારે ભારત નિશ્ચિંત થઈ ગયું હતું અને લગ્ન તથા તહેવારો જેવા મોટા કાર્યક્રમોને પરવાનગી આપવામાં આવી હતી.” “સ્થાનિક ચૂંટણીઓમાં ભીડ ભરેલી રેલીઓને સંબોધિત કરવા અને હિંદુ તહેવાર, જેમાં લાખો લોકો એકઠા થાય છે, તેની પરવાનગી આપવા માટે વડા પ્રધાન ટીકાનો સામનો કરી રહ્યા છે.” આ સિવાય અલ જઝીરાએ નાસિકમાં 22 દરદીઓનાં મૃત્યુ, દિલ્હી હાઈકોર્ટે સરકારને ઓક્સિજનની વ્યવસ્થા કરવાના આદેશો વિશે લખ્યું છે.

સમાચાર એજન્સી એપીએ પણ રિપોર્ટમાં રેકૉર્ડ દૈનિક કેસ, ઓક્સિજન અને બેડની અછત તથા નાસિકમાં 22 લોકોનાં મૃત્યુ અને દિલ્હી હાઈકોર્ટના આદેશને રિપોર્ટમાં જગ્યા આપી છે. તેમનું શીર્ષકમાં છે, ‘બેડ, ઓક્સિજનની અછત, ભારતમાં 3.14 લાખ વાઇરસના કેસ.’આ રિપોર્ટમાં આગળ લખ્યું છે, “લૉકડાઉનના આકરા પ્રતિબંધોના કારણે નવી દિલ્હી અને બીજાં શહેરોમાં અનેક લોકોને ડર, દુખ અને યાતનાનો સામનો કરવો પડી રહ્યો છે.” આખા દેશમાં ઍમ્બ્યુલન્સ બેડની શોધમાં એક હૉસ્પિટલથી બીજી હૉસ્પિટલ ભાગતી હોય તેવું દૃશ્ય સામાન્ય છે. ગમગીન પરિવારજનની લાઇન સ્મશાનની બહાર લાગેલી છે.

પાકિસ્તાનના અખબાર ડૉને પણ ભારતમાં રેકૉર્ડ કેસ મળવાના સમાચારને વેબસાઇટ પર જગ્યા આપી છે અને મથાળું માર્યું છે ‘પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે.’ અખબારે લખ્યું છે, “સૌથી વધારે વસતિ ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશને લઈને ટીવી પર પ્રસારિત દૃશ્યોમાં દેખાઈ રહ્યું છે કે ખાલી સિલિન્ડરોને ભરાવવા માટે ભીડ એકઠી થઈ રહી છે, લોકો કોઈ પણ રીતે પોતાના પરિવારજનોને બચાવવા ઇચ્છે છે.” રિપોર્ટમાં આગળ લખવામાં આવ્યું છે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ગત વર્ષે મહામારીની શરૂઆતમાં જ લૉકડાઉની જાહેરાત કરી હતી, પરંતુ આકરા પ્રતિબંધોના કારણે અર્થવ્યવસ્થાની અસરને લઈને પણ સાવધાન કર્યા હતા.” “ગત અઠવાડિયામાં સ્થાનિક ચૂંટણીઓમાં ભીડ ભરેલી રાજકીય રેલીઓ યોજવા અને ધાર્મિક તહેવાર, કાર્યક્રમ આયોજિત કરવા માટે સરકારની ટીકા થઈ રહી છે.” “આ અઠવાડિયે મોદીએ રાજ્ય સરકારોને નિવેદન કર્યું છે કે લૉકડાઉન છેલ્લું પગલું હશે. તેમણે લોકોને ઘરમાં રહેવા માટે કહ્યું છે અને કહ્યું છે કે સરકાર ઑક્સિજન અને વૅક્સિન સપ્લાય વધારવાને લઈને કામ કરી રહી છે.”

(BBC)

Leave a Reply

Translate »