ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરએ કામદારની પત્નીના નામે પણ ખોલાવ્યું ડમી એકાઉન્ટ?

  • રાજા શેખ (98980 34910)

સુરત મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના આઠ ઝોનના કોન્ટ્રાક્ટરો પૈકી કેટલાકે કામદારોનું શોષણ કરવાની તમામ હદ વટાવી દીધા હોવાના એક પછી એક ખુલાસા થઈ રહ્યાં છે. કામદારોને પુરતો પગાર નહીં આપતા કોન્ટ્રાક્ટરોએ તેમાંથી કેટલાકની પત્ની કે પરિવારના સભ્યના નામે પણ બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યા હોવાની વિગતો સાંપડી રહી છે. આ ઘટસ્ફોટ એક કામદારે જ અમારી સમક્ષ કર્યો છે. કામદારનું કહેવું છે કે, મારું તો બેંક એકાઉન્ટ છે જ પણ મારી પત્ની નોકરી ન કરતી હોવા છતા કોન્ટ્રાક્ટરે તેનું બેંક એકાઉન્ટ ખોલાવ્યું છે અને તેના ખાતામાં પણ રૂ. 21800 જેટલી રકમ જમા થઈ રહી છે. પોતાના કબજામાં જ ચેકબુક, પાસબુક અને એટીએમ કાર્ડ રાખતા કોન્ટ્રાક્ટરો આ રકમ સીધી ઉપાડીને ખિસ્સે કરતા હોવાનો આરોપ થઈ રહ્યો છે. જ્યારે અન્ય એક પગેથી લાચાર મહિલા કે તે ચાલી પણ નથી શકતી તેના નામે પણ બેંક એકાઉન્ટ છે. તેનો પુત્ર હાલ ડોર ટુ ડોરમાં ફરજ બજાવી રહ્યો છે. આવા અનેક ડમી એકાઉન્ટ બેંકોમાં ખોલાવી મોટો ફ્રોડ કરાતો હોવાની વિગતો જાણવા મળી રહી છે. જેમાં આગામી દિવસોમાં ફોજદારી પ્રક્રિયા પણ કામદારો દ્વારા શરૂ કરાય તેવા વર્તારા છે.

ફરિયાદીઓને પટાવી લેવા કોન્ટ્રાક્ટરોની મથામણ, પુરાવા નાશ કરવા ભાગદોડ

ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં સુરત મહાપાલિકાના 8 ઝોનમાં કામ કરનારા 700 જેટલા કામદારોનું શોષણ થઈ રહ્યું છે. ચોપડે રૂ. 21800 સુધીનો પગાર દેખાડી તેઓને માત્ર રૂ. 7000 જ આપવામાં આવે છે. આ ખેલ કામદારોના એકાઉન્ટ બેંકમાં ખોલાવીને તેમના બેંકના તમામ દસ્તાવેજ કોન્ટ્રાક્ટરો પોતાની પાસે રાખીને પગાર ઉપાડી લઈ કરવામાં આવી રહ્યો છે. ચાર એડિડેવિટ સાથે નાયબ શ્રમ આયોગને ફરિયાદ પણ થઈ છે ત્યારે એક પછી એક ખુલાસા કામદારો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. કામદારોની હિંમતથી કોન્ટ્રાક્ટરોના પેટમાં ફાળ પડી છે અને આરોગ્ય વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ પણ દોડતા થયા છે અને પુરાવાનો નાશ કરવાની કામગીરીમાં જોતારાય હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. કેટલાક કોન્ટ્રાક્ટરો ફરિયાદ કરનારા કામદારોને ફરીથી સમજાવી લેવાના પ્રયાસોમાં પણ લાગ્યા છે. તેઓને ફરીથી જોબ ઓફર પણ કરવામાં આવી રહી છે. જોકે, કામદારો લડી લેવાના મૂડમાં જણાય રહ્યાં છે. હાલ નોકરી પર છે તેવા કામદારો પણ તેઓને સાથસહકાર આપવા આગળ આવી રહ્યાં છે. કારણ કે, લડત ચલાવનારા 700 કામદારોનું શોષણ ન થાય તે માટે નોકરી ગુમાવીને પણ લડત ચલાવી રહ્યાં છે. બીજી તરફ, ભ્રષ્ટ અધિકારીઓ પણ ઉપર ઉપર ખુલાસા મંગાવીને બધુ સમુસુતરુ પાર પાડવાની પેરવીમાં લાગ્યા હોવાનું કહેવાય રહ્યું છે.

કામદારો કહે છે કે, મનપા કમિશનર અને મેયર સહિતના પદાધિકારીઓ તલસ્પર્શી તપાસ કરાવીને તેઓનું શોષણ કાયમી ધોરણે અટકાવે અને તેઓને ન્યાય અપાવે.

પાર્ટ-5

Leave a Reply

Translate »