• Wed. May 31st, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

કામદારોનું શોષણ: ડોર ટુ ડોર ગાર્બેજ કોન્ટ્રાક્ટરોનું ગુનાહિત કૃત્ય: મનપા ક્યારે નોંધાવશે ફોજદારી ?

  • સ્ટોરી: રાજા શેખ- 9898034910

સુરત મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ (આરોગ્ય વિભાગ)ના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરો દ્વારા 8 ઝોનમાં કામ કરનારા 700થી વધુ કામદારોનું આર્થિક શોષણ કરતા હોવાના અનેક પુરાવા સામે આવ્યા છે. ખુદ કામદારોએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને નાયબ શ્રમ આયોગની કચેરીમાં સોગંધનામા સાથે ફરિયાદ કરી છે. શ્રમ આયોગે નોટિસ પણ ફટકારી છે પરંતુ અધિકારીઓની છત્રછાયામાં પોષાય રહેલા કોન્ટ્રાક્ટરો ત્રણ ત્રણ મુદ્દત વિતવા છતા પોતાનો જવાબ રજૂ કરવા પહોંચ્યા નથી. જે તેઓને મળતા ‘અધિકારી રક્ષણ’ ની સાબિતી આપે છે. પ્રત્યેક કામદારના રૂ. 21800 તથા 21300 સુધીનો પગાર દેખાડી તે મુજબ મહાપાલિકામાંથી બિલ પાસ કરાવતા કોન્ટ્રાક્ટરો કામદારોની પાસબુક, ચેકબુક અને એટીએમ કાર્ડ પોતાની પાસે રાખીને પોતે જ ત્યાંથી નાણાં ઉપાડી લે છે અને કામદારોને ઓફિસ બોલાવીને તેઓને રૂ. 7000 જેટલો જ પગાર ચુકવે છે અને બાકીનો પગાર ભંગાર ભેગો કરી ઉભો કરી લેવા ફરજ પાડે છે. અવાજ ઉઠાવનારા કામદારોને રાતોરાત મારમારીને કાઢી મુકવામાં આવે છે. ક્રિમીનલ ઓફેન્સ, લેબર નિયમોનું ઉલ્લંધન અને અમાનુષી, અમાનવીય વ્યવહાર બાબતે કોન્ટ્રાક્ટરો સામે મહાનગર પાલિકા દ્વારા ફોજદારી કરવાને બદલે છટકબારીરૂપે તેઓને કાગળ પર નોટિસ-નોટિસનો ખેલ કરવામાં આવે છે અને બહુ લાગે તો નજીવો દંડ કરીને પાવતીઓ ભેગી કરીને કહેવાતો રેકોર્ડ મેઈન્ટેન કરવામાં આવી રહ્યો છે.

શોષણનો પુરાવો બેંકમાં પાસબુકની એન્ટ્રીઓ, ચતુર ચોર જેવા કોન્ટ્રાક્ટરો પાપ છુપાવવા વારંવાર બદલે છે બેંકો !!

(વીડીયો) આઠ વર્ષ કામ કર્યા બાદ પગારમાં ગડબડ મામલે અવાજ ઉઠાવનાર કામદારને મારીને રાતો રાત છૂટો કરી દેવાયો. સાંભળો આ કામદાર કોન્ટ્રાક્ટર વેસ્ટર્ન ઈમેજરી પ્રા. લિ.ની કેવી પોલ ખોલી રહ્યો છે.

ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં સુરત મહાપાલિકાના 8 ઝોનમાં કામ કરનારા 700 જેટલા કામદારોને મહેનતનો પગાર તો અપાતો નથી પણ જે બમણી રકમ રૂ. 14000 વત્તા સુપરવાઈઝરો 200થી લઈને 1000 સુધીની ગાબચી મારે છે તેના પુરાવાનો નાશ કરવાની પણ સ્કીમ ચતુર ચોર જેવા કોન્ટ્રાકટરોએ ઊભી કરી હોવાનું ખુદ કામદારો જ જણાવી રહ્યાં છે. કામદારોનું કહેવુ છે કે, અમારા બેંક એંકાઉન્ટ લગાતાર અન્ય બેંકોમાં ફેરવવામાં આવે છે અને દરેક વખતે પાસબુક, ચેકબુક અને એટીએમ કાર્ડ પોતાની પાસે જ રાખવામાં આવે છે. અમારી પાસે આધારકાર્ડ પર સહી કરી લઈ લેવાય છે, ફોટા મેળવી લેવાય છે અને અમારી અનઉપસ્થિતિમાં બારોબાર બેંક એકાઉન્ટ ખોલાવી લેવામાં આવે છે. અમારી પાસબુકમાં પગારની એન્ટ્રીઓ તો રૂ. 21800 અને 21300ની દેખાશે પણ અમને માત્ર રૂ. 7000 જ આપવામાં આવે છે. બેંક બદલતા રહેવા પાછળનો મલિન ઈરાદો લેબર કાયદા, ફોજદારી કાયદાની ચુંગાલમાંથી બચવાનો હોય શકે છે. હાલ કતારગામ ઝોન અને વેસ્ટ ઝોનના ઈજારાદારોને નાયબ શ્રમ આયોગે મિનિમમ વેઝિસથી પગાર ચુકવાય છે કે નહીં તે માટે નોટિસ તો ફટકારી છે પરંતુ તમામ ઝોનના ઈજારાદારો આ જ રીતે કામદારોનું શોષણ કરી રહ્યાંની ફરિયાદ છે. ઈજારાદારોનું પાપ હવે છાપરે ચઢીને પોકારી રહ્યું છે અને કેટલાક કામદારો ખુલીને સામે આવી રહ્યાં છે ત્યારે નજીકના જ દિવસોમાં ફોજદારી રાહે પણ મોટી કાર્યવાહી થવાના એંધાણ વર્તાય રહ્યાં છે. જોકે, આ માટે સુરત મહાનગર પાલિકાનો સોલિડ વેસ્ટ વિભાગ (આરોગ્ય વિભાગ) સામે આવે તો ઈજારાદારોને છાવરવામાં તેમની ભૂમિકા નથી તેવું સિદ્ધ થશે નહીંતર એવું કહેવાશે કે તેમની મિલીભગતથી જ કામદારોનું શોષણ થઈ રહ્યું છે!!!

કઈ કલમ હેઠળ ફોજદારી ગુનો દાખલ થઈ શકે?

સુરતના જાણીતા વકીલ શ્રેયાંસ પંડ્યા જણાવે છે કે, જો કામદારોનું શોષણ કરવા માટે બેંક પાસબુક, ચેકબુક અને એટીએમ કાર્ડ સહિતની વસ્તુનો કબ્જો કોન્ટ્રાક્ટર દ્વારા લઈ લેવાય અને બારોબાર તેમનો મૂળ પગાર ઉપાડી લઈને તેમને ઓછો પગાર ચુકવાતો હોય તો તે વ્હાઈટ કોલર ક્રાઈમ છે. આમાં લેબરના ફ્રોડ ડોક્યુમેન્ટ, ખોટી સહીઓ કરીને નાણાંકિય ઉચાપત કરવાના મામલે ઈન્ડિયન પીનલ કોડની કલમ 467, 468, 471, 408 અને 420 હેઠળ ફોજદારી કાર્યવાહી કરી શકાય છે.

 પંડ્યા કહે છે કે, જો લેબર લોની વાત કરીએ તો તેમાં મીનીમમ વેજીસનો ભંગ, સુરક્ષાની ગાઈડલાઈનનો ભંગ, હ્યુમન રાઈટ્સનો ભંગ થઈ રહ્યો છે છતા મનપાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી ન કરે તો તેઓને પણ કાયદાકીય રીતે ફસાય શકે છે.

પાર્ટ-4

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »