- સ્ટોરી: રાજા શેખ- 98980 34910
સુરત મહાનગરપાલિકા એ 2016/17માં પ્લાસ્ટિક વેસ્ટ ના નિકાલ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ હેઠળ પોલિસી બનાવી હતી અને તેનો પીપીપી ધોરણે ઇકોવિઝન એન્વાયરમેન્ટલ રિસોર્સિસ એલએલપીને 20 વર્ષનો કોન્ટ્રાક્ટ સોંપ્યો હતો. આ કોન્ટ્રાકટરે શહેરમાંથી નીકળતા તમામ પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવાનો રહે છે. નહીં નફા નહીં નુકશાનના ધોરણે અપાયેલી આ કામગીરીમાં કોન્ટ્રાક્ટરે ચતુરાઈનો ઉપયોગ કર્યો અને પોતે માણસો રાખવાને બદલે ઘરે ઘરે કચરો ઉઘરાવવા જતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કામદારો પર જ પ્લાસ્ટિક વેસ્ટ અલગ કરવાની જવાબદારી કેટલાક મળતિયા અધિકારીઓની મદદથી નંખાવી દીધા હોવાનો આરોપ કામદારો દ્વારા કરવામાં આવી રહ્યો છે. કામદારોનું આમ જ પગારમાં શોષણ થઈ રહ્યું છે અને ઉપરથી નિયમ વિરુદ્ધ ડોર ટુ ડોર જતા ટેમ્પો પર બહારના ભાગમાં અલગ પોટલા બંધાવી તેમાં પ્લાસ્ટિક વેસ્ટ અલગ કરવાનું શરૂ કરાવવામાં આવ્યું. મજબૂરીના માર્યા કામદારોએ આ કામગીરી કરવાની શરૂ કરી. નિયમ મુજબ ડોર ટુ ડોર ટેમ્પોમાં ભીનો અને સુકો કચરો બનાવવામાં આવેલા બે ખાનામાં અલગ નાંખવાનો હોય છે પરંતુ તે મેનેજમેન્ટ તો યોગ્ય રીતે થતું જ નથી પણ પ્લાસ્ટિક વેસ્ટ ટેમ્પોની બહાર અલગ લટકાવવામાં આવતા થેલાઓમાં કરવામાં આવી રહ્યું છે અને તે માટે અલગથી કોઈ પગાર પણ ચુકવવામાં આવતો નથી પરંતુ પ્લાસ્ટિક વેસ્ટના બદલામાં રૂ. 50-100 અલગથી આપવાની લાલચ આપવામાં આવે છે. આમ પ્લાસ્ટિકવેસ્ટવાળાએ પોતે કામદારો રાખવા ન પડે અને કામ પણ થઈ જાય.
નિયમ મુજબ પ્લાસ્ટિક વેસ્ટના કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ ડોર ટુ ડોરના સેન્ટર પર લવાતા કચરામાંથી અલગ કરવાનું હોય છે અને તે માટે સેન્ટર પર અલગથી જગ્યા અને તેના નિકાલ માટે આઠેય ઝોનમાં રિસાઈકલ કે પ્લાસ્ટિક બનાવવાના દાણા બનાવવાની મશીનરી મુકવાની જગ્યા પણ આપવામાં આવી છે પરંતુ ‘ઉત્સાદ’ કોન્ટ્રાક્ટરે ડોર ટુ ડોરના 700 કામદારોને જ ધંધે લગાવી દીધા અને પોતાનું કામ આસાન કરી દીધું હોવાનું કામદારો આરોપ લગાવી રહ્યાં છે.
વીડીયો
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરીને જે સેન્ટર પર કચરો ઠાલવવામાં આવે છે તે જગ્યા પર આવા જ અલગ પડાયેલા પ્લાસ્ટિક વેસ્ટના થેલાના જથ્થાનો એક વીડીયો સામે આવ્યો છે. તેમાં કામદારો દ્વારા લવાયેલા પ્લાસ્ટિક વેસ્ટને કેટલીક મહિલા સહિતના કામદારો અલગ કરી રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે.
ડોર ટુ ડોરના ટેમ્પો દ્વારા અલગ કરી લેવાતા પ્લાસ્ટિક વેસ્ટ પણ તોલાય છે અને તેના રૂપિયા મહાપાલિકા ચુકવે છે.
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરના કામદારો દબાણપૂર્વક ટેમ્પો પર અલગથી પોટલા બાંધીને પ્લાસ્ટિક વેસ્ટ તો અલગ લઈ આવે છે પરંતુ તે ઈકોવિઝનવાળા બારોબાર આપી દેવાને બદલે ડોર ટુ ડોરના આઠેય ઝોનના કોન્ટ્રાક્ટરો તોલ કાંટા પર બેસતા અધિકારીઓના મેળાપીપણાંમાં તેનો તોલ કરાવે છે અને તેના પણ મણના નક્કી કરાયેલા 1089થી લઈને 1625 રૂપિયા (ઝોન પ્રમાણે અલગ-અલગ રેટ છે) વસૂલે છે. એટલે મનપાને ડબલ નુકશાન વેઠવાનો વારો આવે છે. આ બધું વર્ષોથી ચાલતુ હોવા છતા આરોગ્ય વિભાગ (સોલિડ વેસ્ટ)ના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં છે તે જરૂર સવાલો ઉભા કરે છે. અગર કોઈ શહેરીજન ડોર ટુ ડોરના ટેમ્પો પર અલગથી પોટલા લટકવા અંગે ફરિયાદ કરે તો માત્ર દેખાડા ખાતર રૂ, 5000નો દંડ વસૂલી કામગીરી દેખાડી દેવાય છે પણ આ નુકશાનભર્યા કામને અટકાવાતું નથી. આ મામલો હવે મનપા કમિશનર પોતે જ હાથમાં લઈને ઉપરથી નીચે સુધી બધુ સમુસુતરું કરે તો કામદારોનું શોષણ પણ અટકે અને સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી યોગ્યતાપૂર્ણ થઈ શકે એમ છે. બાકી સબ ભૂમિ ગોપાલ કી કહેવતની જેમ કોન્ટ્રાક્ટરો વર્તતા રહેશે અને મનપાને ચૂનો ચોપડવા સાથે ગરીબ કામદારોનું શોષણ કરતા રહેશે.