- ભારત વૈશ્વિક કાપડ વેપારમાં ફરી પોતાનું વર્ચસ્વ જમાવી શકશેઆ યોજનામાં વ્યાપકતાના અર્થતંત્રનો લાભ મળવાથી, ભારતીય કંપનીઓને વૈશ્વિક ચેમ્પિયન તરીકે ઉદયમાન થવામાં મદદ કરશે
- અંદાજે 7.5 લાખ કરતાં વધારે લોકોને પ્રત્યક્ષ રીતે અને કેટલાય લાખ લોકોને સહાયક પ્રવૃત્તિઓ દ્વારા રોજગારી મેળવવામાં મદદ મળશે,
- મહિલાઓની મોટાપાયે સહભાગીતાનો માર્ગ પણ ખુલ્લો થશે
- આ યોજનાથી ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા વગેરે રાજ્યો પર ઘણો સકારાત્મક પ્રભાવ પડશે
‘આત્મનિર્ભર ભારત’ની દૂરંદેશીને વધુ એક કદમ આગળ લઇ જતા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે કાપડ ઉદ્યોગ માટે MMF વસ્ત્રો, MMF કાપડ અને ટેકનિકલ ટેક્સટાઇલના 10 વિભાગ/ઉત્પાદનોને રૂપિયા 10,683 કરોડના અંદાજપત્રીય ખર્ચની ફાળવણી સાથે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી દીધી છે. RoSCTL, RoDTEP અને સરકાર દ્વારા કાપડ ઉદ્યોગમાં લેવામાં આવેલા અન્ય પગલાંઓ જેમકે, સ્પર્ધાત્મક ભાવે કાચો માલ પૂરો પાડવો, કૌશલ્ય વિકાસ વગેરેની સાથે-સાથે આ ક્ષેત્ર માટે PLI યોજનાને મંજૂરી આપવાથી કાપડ ઉત્પાદન ક્ષેત્રમાં એક નવા યુગનો ઉદય થશે.
કાપડ ઉદ્યોગ માટે PLI યોજનાની જાહેરાત, અગાઉ કેન્દ્રીય અંદાજપત્ર 2021-22 દરમિયાન રૂ. 1.97 લાખ કરોડના કુલ ખર્ચ સાથે એકંદરે 13 ક્ષેત્રો માટે જાહેર કરવામાં આવેલી PLI યોજનાઓનો જ એક હિસ્સો છે. 13 ક્ષેત્રો માટે PLI યોજનાઓની જાહેરાત સાથે, ભારતમાં આગામી પાંચ વર્ષમાં ઓછામાં ઓછું ઉત્પાદન વધીને અંદાજે રૂ. 37.5 લાખ કરોડ થવાની અને આગામી પાંચ વર્ષમાં ઓછામાં ઓછા અંદાજે 1 કરોડ લોકો માટે રોજગારીઓનું સર્જન થવાની અપેક્ષા છે.
કાપડ ઉદ્યોગ માટે PLI યોજનાથી દેશમાં ઉચ્ચ મૂલ્યના MMF કાપડ, ગારમેન્ટ્સ અને ટેકનિકલ ટેક્સટાઇલના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. પ્રોત્સાહન માટેનું માળખું એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જેથી આ ઉદ્યોગને આ વિભાગોમાં નવી ક્ષમતાઓનું નિર્માણ કરવા માટે રોકાણ કરવાનું પ્રોત્સાહન મળશે. આનાથી ઉચ્ચ મૂલ્યના MMF વિભાગમાં વિકાસને ઘણો મોટો વેગ મળશે અને તેનાથી સુતરાઇ તેમજ અન્ય કુદરતી રેસા આધારિત કાપડ ઉદ્યોગમાં રોજગારી અને વેપાર માટેની નવી તકોનું સર્જન કરવા માટેના પ્રયાસોમાં પૂરક લાભ પ્રાપ્ત થશે. આના પરિણામે, ભારતને વૈશ્વિક કાપડ વેપાર મામલે પોતાના ઐતિહાસિક વર્ચસ્વનો દરજ્જો ફરીથી પ્રાપ્ત કરવામાં મદદ મળી શકશે.
ટેકનિકલ ટેક્સટાઇલ વિભાગ નવા જમાનાનો ટેક્સટાઇલ વિભાગ છે. માળખાકીય સુવિધા, પાણી, આરોગ્ય અને સ્વચ્છતા, સંરક્ષણ, સુરક્ષા, ઓટોમોબાઇલ્સ, ઉડ્ડયન વગેરે સહિત કેટલાય ક્ષેત્રોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે માટે આ યોજનાથી અર્થતંત્રના આ ક્ષેત્રોમાં તેની અસરકારકતા વધશે. સરકારે અગાઉ આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય ટેકનિકલ ટેક્સટાઇલ મિશનનો પણ પ્રારંભ કર્યો હતો. PLIથી આ વિભાગમાં વધુ રોકાણને આકર્ષવામાં પણ મદદ મળી શકશે.
આગામી પાંચ વર્ષ દરમિયાન, કાપડ ઉદ્યોગ માટે PLIથી આ ક્ષેત્રમાં રૂપિયા 19,000 કરોડ કરતાં વધારે રકમનું રોકાણ આવશે તેવું અનુમાન છે, અને તેના કારણે આ યોજના અંતર્ગત કુલ રૂપિયા 3 લાખ કરોડ કરતાં વધારે ટર્નઓવર થવાનું અનુમાન છે. તેનાથી આ ક્ષેત્રમાં વધુ 7.5 લાખ લોકો માટે રોજગારીની તકોનું સર્જન થશે અને સહાયક પ્રવૃત્તિઓમાં કેટલાય લાખ લોકોને રોજગારી મળશે તેવું અનુમાન છે. કાપડ ઉદ્યોગમાં મુખ્યત્વે મહિલાઓનું પ્રભુત્વ હોય છે માટે, આ યોજનાથી મહિલાઓનું સશક્તિકરણ થશે અને ઔપચારિક અર્થતંત્રમાં મહિલાઓની સહભાગીતામાં વૃદ્ધિ થશે.
ટેકસટાઇલ ક્ષેત્રે કેન્દ્રીય કેબીનેટ દ્વારા મંજૂર કરાયેલી PLI સ્કીમનો સૌથી વધુ લાભ સુરત તથા દક્ષિણ ગુજરાત લઇ શકશે : ચેમ્બર
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વખતથી આ સ્કીમને મંજૂર થવાની રાહ ઉદ્યોગપતિઓ જોઈ રહ્યાં હતાં, જેને આજે કેબીનેટ દ્વારા મંજૂરી આપી રૂપિયા ૧૦,૬૮૩ કરોડ જેટલી માતબર રકમ આ સ્કીમ હેઠળ ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. આમાંથી લગભગ રૂપિયા ૭૦૦૦ કરોડ જેટલી રકમ MMF ટેક્ષટાઈલ ક્ષેત્રે ફાળવવામાં આવી છે અને રૂપિયા ૪૦૦૦ કરોડ જેટલી રકમ ટેકનીકલ ટેક્ષટાઈલ ક્ષેત્રે ફાળવવામાં આવી છે. શરૂઆતમાં આ સ્કીમ માત્ર ગારમેન્ટ અને એપેરલ ક્ષેત્ર માટે જ હતી. ચેમ્બર દ્વારા પ્રધાનમંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને MMF ફેબ્રિકના ઉત્પાદનને પણ આ સ્કીમ હેઠળ સમાવી લેવા વિનંતી કરવામાં આવી હતી. આજરોજ જ્યારે આ સ્કીમની જાહેરાત થઈ છે અને જે કોઈ વિગતો ચેમ્બરને મળી છે તેનાથી ચોક્કસ કહી શકાય કે, આ સ્કીમમાં MMF ફેબ્રિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ PLI સ્કીમ હેઠળ નવું રોકાણ કરનાર એકમોએ ૩૧ માર્ચ, ર૦ર૩ પહેલા અરજી આપવાની રહેશે અને એકમો દ્વારા એના રોકાણની કિંમતથી ઓછામાં ઓછું બે ગણું ટર્નઓવર બે વર્ષમાં કરવાનું રહેશે તથા તેમનું ઉત્પાદન ૩૧ માર્ચ, ર૦રપ સુધી ચાલુ કરવાનું રહેશે. આ સ્કીમને સ્કીમ–૧ અને સ્કીમ–ર એમ બે વિભાગમાં વહેંચવામાં આવી છે. સ્કીમ–૧ માં ઈન્સેન્ટીવ વધુમાં વધુ ૧પ% અને ઓછામાં ઓછું ૧૧% સુધીનું આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે અને સ્કીમ–ર માં ઓછામાં ઓછું ૭% અને વધુમાં વધુ ૧૧% ઈન્સેન્ટીવ આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. વધુમાં ઇન્ટીગ્રેટેડ ટેકસટાઈલ ક્ષેત્રે ઓછામાં ઓછું ૬૦% નું વેલ્યુ એડીશન કરવું પડશે તથા સ્ટેન્ડ અલોન ઈન્ડીપેન્ડન્ટ યુનિટ દ્વારા ઓછામાં ઓછું ૩૦% નું વેલ્યુએડીશન કરવું પડશે.
નોંધનીય બાબત એ છે કે, જે એકમો ROSTCL / RODTEP જેવી સ્કીમોનો લાભ લેતા હોય તેઓ આ સ્કીમ ઉપરાંત PLI સ્કીમનો પણ લાભ લઇ શકશે. જો બંને સ્કીમોનો લાભ ભેગા કરીએ તો ટેક્ષટાઈલ એકમોને તેના ટર્નઓવરની સામે ર૧% જેટલુ કેશ રીફંડ મળી શકે છે. વધુમાં, ટેકનિકલ ટેક્ષટાઈલ ક્ષેત્રે હાલમાં ભારત સ્પેશ્યાલિટી યાર્ન માટે સંપૂર્ણ આયાત ઉપર નિર્ભર છે. આથી આ સ્કીમ આવવાથી સ્પેશ્યાલિટી યાર્નના ઉત્પાદનમાં પણ વધારો થશે, જેનાથી ખરા અર્થમાં ભારત આત્મનિર્ભર બનશે.