બેઝીક રો મટિરિયલ ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં હોવી જોઇએ એવું તારણ નીકળે છે : ઉપેન્દ્ર પ્રસાદસિંઘ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ભારત સરકારના ટેકસટાઇલ સચિવ ઉપેન્દ્ર પ્રસાદ સિંઘ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી સાથે ઉદ્યોગકારોની મિટીંગ યોજાઇ હતી. જેમાં ઉદ્યોગકારોએ એન્ટી ડમ્પીંગ ડયૂટી અને ટફની સબસિડી સહિતના વિવિધ મામલે પોતપોતાની રજૂઆતો ટેકસટાઇલ મંત્રાલયના બંને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી.

ટેકસટાઇલ સચિવ ઉપેન્દ્ર પ્રસાદ સિંઘે ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, એન્ટી ડમ્પીંગ ડયૂટીને લઇને મંત્રાલય સમક્ષ જુદા–જુદા સેકટરની વિવિધ ડિમાન્ડ આવેલી છે. કેટલાક ઉદ્યોગકારો એન્ટી ડમ્પીંગ ડયૂટી લાદવા માટે હા પાડે છે અને કેટલાક ઉદ્યોગકારો ના પાડે છે. જો કે, ડીજીટીઆરના રિપોર્ટ બાદ સ્થળ તપાસ કરાવવામાં આવશે. પરંતુ, બેઝીક રો મટિરિયલ ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં હોવી જોઇએ એવું તારણ નીકળે છે. આ મામલે સમગ્ર ટીમને કામે લગાડી છે અને તેઓના તારણોના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ તથા ફિઆસ્વી અને સાસ્કમાના ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, સિલ્ક ઉત્પાદન માટે સેન્ટર સિલ્ક બોર્ડ ખૂબ જ સરસ રીતે કામ કરી રહયું છે. જો કે, વારાણસી અને સાલેમમાં યાર્નમાંથી કપડું બનાવતા ૭૦ ટકા જેટલા એકમો બંધ થઇ ગયા છે. ભારતમાં સિલ્કનું યાર્ન તૈયાર કરવા માટે આવશ્યક કુશળતા નથી. આ અંગેની કુશળતા ચાઇના પાસે છે અને ચાઇનાથી સિલ્ક યાર્ન આયાત થાય છે. આથી તેના ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લાદવી નહીં જોઇએ.

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ અને તિરૂપુર ખાતે ખૂબ જ સારી રીતે ગારમેન્ટીંગ થાય છે અને ત્યાં ગારમેન્ટને ડેવલપ કરવા માટે ઇન્સ્ટીટયુટ પણ છે. આથી ભારતમાં પણ સારી રીતે ગારમેન્ટીંગ કરી શકાય તે હેતુથી પ્રોસેસિંગ યુનિટોને મજબુત કરવા માટે અને માર્કેટીંગ સપોર્ટ માટે તંત્ર દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવે.

ચેમ્બરની એન્ટી ડમ્પીંગ ડયૂટી, કસ્ટમ્સ ડયૂટી એન્ડ સીવીડી એન્ડ ઇકોનોમિક અફેર્સ કમિટીના ચેરમેન મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે, સુરતના મોટા ભાગના ઉદ્યોગકારો આયાતી યાર્ન ઉપર નિર્ભર છે. આવા સંજોગોમાં પોલીએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી માટે ભલામણ મોકલવામાં આવી છે. જો એના ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવામાં આવશે તો સૌથી વધુ વિપરીત અસર સુરતના ઉદ્યોગકારોને થશે. આથી આ મામલે ટેકસટાઇલ મંત્રાલય અને કમિશ્નરેટ દ્વારા નિરાકરણ લાવવામાં આવે.

એક ઉદ્યોગકાર દ્વારા એવી રજૂઆત કરાઇ હતી કે, સ્ટેન્ડ અપ ઇન્ડિયાની સ્કીમ હેઠળ સબસિડી મેળવવા માટે વર્ષ ર૦૧૮માં અરજી મંજૂર થઇ ગયા બાદ પણ ચાર વર્ષથી તેઓને સબસિડી મળી નથી. જ્યારે અન્ય એક ઉદ્યોગકારે જીએસટી ચેઇનમાં કોઇ ફેરફાર કરવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Translate »