ગુજરાતની આ મનપાએ મંત્રીના વિસ્તારમાં એક લાચાર અંધજનની શાકભાજીની દુકાન બંધ કરાવી!!

જુઓ સીલ મારવા પહોંચેલી મહાપાલિકાની ટીમ વખતનો વાઈરલ વીડીયો….
  • રાજા શેખ, સુરત

ગુજરાત સરકારનું રિફોર્મ થયું છે. નવા મંત્રીઓ પણ આવી ગયા છે. દરેકે પ્રજાહિત માટે સોગંધ લીધા છે. એવા સોગંધ લીધાને હજી માંડ 10 દિવસ થયા છે ત્યાં સુરત મહાનગર પાલિકાએ રાજ્ય સરકારના મંત્રીના વિસ્તારમાં માનવતા નેવે મુકી હોવાનો મામલો સામે આવ્યો છે. ઢગલાબંધ ગેરકાયદે બાંધકામો, દબાણો, ખોટા ધંધાઓ સામે કાર્યવાહીમાં સ્ફ્રુતી ન દેખાડતી આ મનપાના કતારગામ ઝોનના અધિકારીઓ એક અંધજનની દુકાન પાછળ ખાઈ-પીને મહિનાઓથી પડી ગયા છે અને બે દિવસ પહેલા પોલીસને સાથે લઈ આખી ટીમ પહોંચી ગઈ અને અંધજનની દુકાન તાબડતોબ બંધ કરાવીની સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી. જેમ તેમ ચાર જણાંના પરિવારનું પેટિયું રળતા આ અંધજને આખરે આત્મવિલોપનની તૈયારી કરતા દુકાન બંધ કરાવીને મનપાનો સ્ટાફ ત્યાંથી રવાના થયો.  આ અંગેનો એક વીડીયો પણ વાઈરલ થયો છે. હવે આ મામલે મંત્રી, મનપા અને સોસાયટીવાળા માનવતા દાખવે તેવું પરિવાર ઈચ્છી રહ્યો છે.

લાચારીમાં કોરોનાકાળ દરમિયાન મકાનમાં દુકાન ખોલી, લાઈસન્સ પણ કઢાવ્યું, વેરો પણ કમર્શિયલ ભરે છે છતા..

કતારગામ વિધાનસભા મત વિસ્તારમાં આવેલા આંબાતલાવડી ખાતેના શ્રીજી પાર્ક સોસાટીના 29 નંબરના મકાનમાં રહેતા અને બંને આંખે અંધ એવા રાકેશ ઘનશ્યામ ચોપડાએ કોરોનાકાળ દરમિયાન તમામ કામ-ધંધો બંધ થઈ જતા આમતેમથી ઉધારી કરીને પોતાના રોડ ટચ મકાનના આગલા ભાગમાં દુકાન બનાવી હતી. તે માટે સુરત મહાનગર પાલિકામાંથી ગુમાસ્તાધારા લાઈસન્સ, પ્રોફેશનલ ટેક્સ, ફૂડ લાઈસન્સ વગેરે મેળવીને નાનકડો સુપર સ્ટોર શરૂ કર્યો હતો અને પાછળ માત્ર બે બાળકો અને પત્ની સાથે રહેવા માટે નાનકડો રૂમ રહેવા દીધો હતો. આગળ દુકાન અને પાછળ રહેઠાણ સાથે બધુ સમુસુતરુ ચાલતુ હતું. પરંતુ સોસાયટીના કેટલાક લોકોએ મનપામાં અરજી કરીને આ દુકાન બંધ કરાવવા માટે ઘા નાંખી હતી. દરેક લાઈસન્સ સાથે વ્યવસાય શરૂ કરનાર અંધજનને ત્યાં મનપાની ટીમ આવી ચઢી હતી અને સુપરસ્ટોર બંધ કરાવ્યો હતો અને શાકભાજી વેચો તો વાંધો નહીં તેવું કહ્યું હતું. અંધજને તેના ભાઈ ચિરાગ ચોપડાની મદદ લઈને શાકભાજીનો નાનો વ્યવસાય શરૂ કર્યો હતો. પરંતુ છ મહિના બાદ ફરી મનપાની ટીમના અધિકારીઓ આરપી પટેલ, મોહસીન કાગઝી અને ટેલર સાહેબે આવીને મકાનને જ સીલ મારવાની કાર્યવાહી શરૂ કરી હતી. પરીણામે અંધજન અને તેના પરિવાર પર આભ તૂટ્યું હતું અને રોજી રોટ સાથે જીવવાનો પણ પ્રશ્ન ઉભો થઈ ગયો હતો. વારંવારના ત્રાસથી કંટાટેલા અંધજને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ગભરાયેલા અધિકારીઓ પોલીસને આગળ કરીને દુકાન સીલ ન મારી માત્ર બંધ કરાવી ચાલ્યા ગયા હતા.

80 ફુટના રોડ તરફના ભાગે છે દુકાન, સોસાયટીની અવરજવરમાં તકલીફ નથી, માત્ર વેલ્યુ ઘટવાના ડરે સોસાયટીવાળા કરી રહ્યાં છે પરેશાન: ચિરાગ ચોપડાનો આરોપ

અંધ ભાઈ રાકેશ ચોપડાની દુકાન સીલ મારવા સંદર્ભે સુરત મનપાના અધિકારીઓનો વીડીયો વાઈરલ થયો હતો. લોકો મનપાના સ્ટાફ પર ફીટકાર વરસાવી રહ્યાં છે ત્યારે અમે અંધજનના ભાઈ ચિરાગ ચોપડાને પુછ્યું તો તેઓએ આરોપ લગાવતા કહ્યું કે, 80 ફૂટના રોડ તરફના ભાગે અમારું મકાન છે. સોસાયટીની બે ટીપી છે જેમાં 36 પ્લોટ પાછળના ભાગે છે અને તેનો રસ્તો અલગ છે. 12 પ્લોટ આગળ રસ્તા તરફના ભાગે છે. અમે જરૂરી તમામ લાઈસન્સ મેળવીને દુકાન શરૂ કરી છે. આગળના પ્લોટ હોલ્ડરોને કોઈ વાંધો નથી. પાછળના પ્લોટ હોલ્ડરો કે જેઓનો રસ્તો પણ અલગ છે અને સોસાયટીને નડતરરૂપ પણ ન હોવા છતા તેઓ હેરાન કરી રહ્યાં છે. મારો અંધ ભાઈ જેમતેમ કરીને ખુદ્દારીથી રોટલો કમાઈ રહ્યો છે તેને મહાપાલિકાના અધિકારીઓની મિલીભગતથી બંધ કરાવવાની કોશિશ કરી રહ્યાં છે. લાચાર ક્યાં જશે.? દરેક ઘરમાં કોઈને કોઈ કમર્શિયલ કામ થઈ રહ્યું છે પરંતુ અમને રોકવામાં આવી રહ્યાં છે. મનપાના અધિકારીઓ અને સોસાયટીના કેટલાક લોકો માનવતા ભૂલી ગયા છે. મારો ભાઈ કંઈક કરી બેસે તો તે માટે આ લોકો જવાબદાર ઠરશે. આ મામલે અમે ધારાસભ્ય અને મંત્રી વિનોદ મોરડીયાને પણ રજૂઆત કરી હતી. પટેલ સમાજના આગેવાનોએ પણ સોસાયટીના લોકોને સમજાવ્યા હતા પરંતુ તેઓ ખોટી રીતે દબાણ લાવીને મારા ભાઈને રસ્તે રઝળતો કરવા માંગે છે. શું મનપાના અધિકારીઓને આખેઆખા ગેરકાયદે બાંધકામો દેખાતા નથી. રસ્તા વચ્ચે બેફામ દબાણો દેખાતા નથી? કે તેઓ માત્ર સોસાયટીની આર્થિક વેલ્યુ ઘટે તેવા ઉપજાવી કાઢેલા કારણોસર અમારી દુકાન બંધ કરાવવા નીકળી પડ્યાં છે. એ મતલબનો આરોપ મઢ્યો હતો.

આ મામલે સુરત મનપાના અધિકારી મોહસીન કાગઝી સાથે અમે વાત કરી તો તેઓએ કહ્યું કે, સોસાયટીવાળાની ફરિયાદના આધારે અમે કાર્યવાહી કરવા ગયા હતા. સોસાયટીવાળા વારંવાર ઝોન ઓફિસ આવી રજૂઆત કરી રહ્યાં છે. જેથી, અગાઉ નોટીસ પણ આપી હતી. તેઓએ ખોટી રીતે દુકાન બનાવી છે. તો પછી લાઈસન્સ કેમ આપ્યું અને કમર્શિયલ વેરો સુરત મનપા કેવી રીતે લે છે? તે મતલબના સવાલનો જવાબ આપતા કાગઝીએ કહ્યું કે આકારણી વિભાગ વેરા સંદર્ભે કામ કરે છે. અમે કાયદેસર જ કાર્યવાહીકરી રહ્યાં છે. સોસાયટીવાળા મોરચો લઈને ફરિયાદ કરી રહ્યાં છે. જેથી, અમે દુકાન નહીં ચલાવવા કહ્યું છે. અગાઉ તેઓએ દુકાન ચલાવવા લેખિત બાંયેધરી પણ આપી છે. ફરી શરૂ કરાતા મળેલી ફરિયાદને આધારે અમે પહોંચ્યા હતા. તેઓ અહીં રહેતા નથી માત્ર વ્યવસાય જ કરે છે.

આ મામલે અમારો ફરિયાદી સોસાયટીવાળાઓનો સંપર્ક થઈ શક્યો ન હતો.

Leave a Reply

Translate »