એકેડેમિક કરિકુલમ કમિટીમાં સ્થાન પામનાર એકમાત્ર બિઝનેસમેન વિરલ દેસાઈ


સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈને તાજેતરમાં સુરત ખાતેની સાર્વજનિક યુનિવર્સિટીની લૂથરા ઈન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટના એમબીએ પ્રોગ્રામ માટે એકેડેમિક કરિકુલમ કમિટીમાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અભ્યાસક્રમ અંગે માર્ગદર્શન આપતી એક્સપર્ટ્સની આ કમિટીમાં બિઝનેસ
જગતમાંથી એક જ વ્યક્તિને સ્થાન મળ્યું છે.
આ પ્રસંગે ગ્રીનમેન દેસાઈએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, ‘એક સમયે હું જે કોર્સ ભણ્યો હતો એ કોર્સના અભ્યાસક્રમ અંગે માર્ગદર્શન આપવાની તક મળે એ અંગત રીતે મારે માટે અત્યંત ગર્વની અને મને ઈમોશનલ કરી દેતી બાબત છે. સાથે જ મને એ બાબતે પણ આનંદ છે કે બિઝનેસ જગતમાંથી હું એકલો જ આવું છું. મેં પોતે અંગત રીતે એ બાબત જોઈ છે કે એક્ચ્યુઅલ મેનેજમેન્ટ અને થિયોરેટિકલ મેનેજમેન્ટ વચ્ચે અત્યંત મોટું અંતર હોય છે. એટલે વિદ્યાર્થીઓને જીવનલક્ષી મેનેજમેન્ટ શીખવાય એ દિશામાં જ અમારા પ્રયત્નો રહેશે.
સાથે જ તેમણે લુથરા ઈન્સ્ટિટ્યુડ ઑફ મેનેજમેન્ટના સંચાલકો તેમજ અધ્યાપકોનો પણ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ જવાબદારી પેઠે તેમને સંસ્થા તરફથી જે વળતર આપવાનું નક્કી થયું તેને પણ વિરલ દેસાઈએ વ્યક્તિગત રીતે સ્વીકારવાની ના પાડી દીધી હતી અને તેમને આ પવિત્ર શિક્ષણ કાર્ય માટે મળનારી રકમને તેઓ ટ્રી પ્લાન્ટેશનના કાર્યમાં દાનમાં આપી દેવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈએ દેશ, એશિયા અને દુનિયાનું પહેલું ગ્રીન રેલવે સ્ટેશન ઉધના સ્ટેશન તૈયાર કર્યું છે. તો ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં તેમને અત્યાર સુધીમાં પાંચ વાર રાષ્ટ્રીય એવોર્ડ્સ એનાયત થયા છે. આ સિવાય પણ ગુજરાત સરકાર અને ભારત સરકારના અનેક એવોર્ડ્સ તેમને ઊર્જા તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે એનાયત થયા છે. તો બેસ્ટ ઈન્ડસ્ટ્રીઝના એવોર્ડ્સ પણ વિરલ દેસાઈની સફળ આગેવાનીને પ્રાપ્ત થયા છે.

Leave a Reply

Translate »