• Sun. May 22nd, 2022

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

સુરતના આટલા લોકો વેક્સિનના બે ડોઝ મુકાવી વિદેશ ઉપડ્યા!

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group
  • રાજા શેખ, સુરત

કોરોનાએ આખા વિશ્વને ધમરોળ્યું છે. વૈશ્વિક લોકડાઉનને પગલે સૌથી પહેલા વિદેશ માટેની વિમાની સેવાઓ બંધ થઈ ગઈ હતી. પરિણામે કામાર્થે, બિઝનેસ માટે કે અભ્યાસ માટે કે હરવાફરવા માટે એક દેશમાંથી બીજા દેશમાં લોકો જઈ શકતા નહોતા પરંતુ હવે દોઢ વર્ષ બાદ ધીરેધીરે કોરોનાની વ્યાપક્તા, ઘાતકતા ઓછી થતા કેટલાક દેશોની વિમાની સેવા ફરી શરૂ થઈ છે. જોકે, તેમાં કોરોના વેક્સિનના બે ડોઝને ફરજિયાત કરાયા છે. તેવામાં સુરતથી પણ વિદેશ યાત્રા કરવા ઈચ્છુક લોકોએ વેક્સિનના બે ડોઝ મુકાવ્યા હતા. વિદેશ યાત્રાએ જનારા માટે 30 દિવસમાં બે ડોઝ લઈ શકવાની છૂટછાટ આપવામાં આવી હતી અને સુરત મહાનગર પાલિકાના વેસ્ટ ઝોનના પાલ હેલ્થ સેન્ટર અને ઈસ્ટ ઝોન-એના હેલ્થ સેન્ટર સહિત બે જગ્યાએ વિશેષરૂપે આ સુવિધા ઊભી કરવામાં આવી હતી. જેમાં સપ્ટેમ્બર સુધી 6186 લોકોએ વેક્સિનના બે ડોઝ લઈને વિદેશ યાત્રાએ ગયા છે. મોટાભાગે બિઝનેસ માટે અને અભ્યાસ કરવા જનારાઓની સંખ્યા વધુ હોવાનું પાલિકાનું આરોગ્ય વિભાગ જણાવે છે.

આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર કોરોનાના ફસ્ટ ફેઝ અને સેકન્ડ ફેઝમાં તો વિદેશ યાત્રાનો કોઈ સ્કોપ જ ન હતો. પરંતુ અતિ ભયાનક કહી શકાય તેવા સેકન્ડ ફેઝ બાદ ભારતની સાથોસાથ વૈશ્વિક સ્તરે કોરોના વેક્સિન મુકાવવા માટે લોકજાગૃત્તિ અભ્યાન ચલાવાયું અને તેમાં ખાસી સફળતા પણ મળી. વિશ્વમાં ઈઝરાયેલ સમેતના દેશતો તેમાં અગ્રેસર રહ્યાં. ભારતમાં પણ પહેલો અને બીજો ડોઝ મળીને અત્યારસુધી 95 કરોડ ઉપરાંત ડોઝ લોકો લઈ ચુક્યા છે ત્યારે કોરોનાની અસર ઓછી થઈ છે. પરિણામે વિદેશગમન માટે લોકો જઈ રહ્યાં છે. વિદેશી ધરતી પર પગ મુકવા ત્યારે જ મળે છે જ્યારે આપે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રમાણિત વેક્સિનના બે ડોઝ લીધા હોય તેવામાં સુરતમાં પણ તે માટે પડાપડી થઈ હતી. સુરત મનપાએ બે ઝોનમાં અલાયદી આ સુવિધા ઉપલબ્ધ કરાવીને 6186 લોકોને ડોઝ આપ્યા છે.

કયા મહિનામાં કેટલા ડોઝ?

આંકડાઓ પર દ્રષ્ટિપાત કરીએ તો જૂન 2021થી વિદેશ જવા માટે વેક્સિન આપવાની શરૂઆત થઈ હતી. જેમાં વેસ્ટ અને ઈસ્ટ ઝોન મળીને જુનમાં 1686 લોકોએ ડોઝ લીધા હતા. જ્યારે જુલાઈમાં 143 લોકોએ પહેલો ડોઝ અને 2728 લોકોએ બીજો ડોઝ લીધો હતો. ઓગષ્ટમાં 47 લોકોએ પહેલો અને 1151 લોકોએ બીજો ડોઝ લીધો હતો. સપ્ટેમ્બરમાં 14 લોકો પહેલો અને 763 લોકોએ બીજો ડોઝ લીધો હતો. આમ પાછલા મહિના સુધી કુલ 346 લોકો પહેલો અને 6186 લોકોએ બીજો ડોઝ લીધો હતો અને તેઓ વિદેશયાત્રાએ ઉપડ્યા હતા. હજી પણ આ ક્રમ જારી છે.

સુરતમાં 100 ટકા વેક્સિનેશનનો દાવો

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે હાલમાં જ શહેરમાં 100 ટકા રસીકરણ હોવાનો દાવો રજૂ કર્યો છે. જે મુજબ સુરત મનપાનો જે ટાર્ગેટ હતો તે. 34 લાખ 32 હજાર 737 વેક્સિનેશનનો હતો. તેની સામે 34 લાખ 36 હજાર 213 લોકોને પહેલો ડોઝ જ્યારે 16 લાખ 61 હજાર 484 લોકોને બીજો ડોઝ મળી કુલ 50 લાખ 97 હજાર 697 લોકોને રસી આપી દેવામાં આવી છે એટલે કે 100.10 ટકાને. જોકે, આસપાસના ગામડાઓ, શહેર વાળા પણ સુરતમાં આવીને રસી મુકાવી ગયા હોવાનું કહેવાય છે. જેથી, આંકડો 100 ટકા ઉપર છે. શહેરમાં હજી પણ ઘણાં એવા લોકો છે જેને રસી મુકાવી જ નથી અથવા મળી નથી. મનપાએ પણ ઘરેઘરે સર્વે કર્યો છે અને તેમાં પરિવારજનાએ કહી દીધુ કે અમે મુકાવી દીધી છે તે માની લેવામાં આવ્યું છે. જેથી, ખરેખર મુકાવાયેલી રસી અને પ્રસ્તુત કરાયેલા આંકડાઓમાં અંતર હોઈ શકે છે. જોકે આશાવાદી મનપાનું આરોગ્ય વિભાગ જાન્યુઆરી 2022 સુધીમાં બંને ડોઝ લોકોને આપી દેવાશે તેવા ટાર્ગેટ સાથે આગળ વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published.

Translate »