કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના મોર અને જીણોદ ગામમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૪.૧૩ કરોડના ખર્ચે ૭ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં મોર ગામે રૂ.૧.૮૨ કરોડના ખર્ચે ૯ કિમીની લંબાઈના કુલ ત્રણ રસ્તાનું વાઈડનિંગ, રિસર્ફેસિંગ અને જીણોદ ગામે રૂ.૨.૩૧ કરોડના ખર્ચે કુલ ૭ કિમીની લંબાઈના ચાર રસ્તાઓ પૈકી બે રસ્તાઓનું ડામરકામ, રિસર્ફેસિંગ અને હયાત કોઝવે અને નાળા પર નવા પુલના કામોનો સમાવેશ થાય છે. ઉપરાંત, મંત્રીશ્રીએ વેલુક ગામની ‘વેલુક મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી’ના મકાનનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ વેળાએ મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ-સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે. એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય જનતાની યાતાયાતની સુવિધામાં વધારો થશે, તેમજ બાકી રહેલાં કામોને આગામી સમયમાં પ્રાથમિકતા આપી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે.
100 દિવસના કામોની યાદી તૈયાર કરાય છે
વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ૧૦૦ દિવસના કામોના પૂર્વઆયોજનની યાદી તૈયાર કરવામાં આવી છે, જે અંતર્ગત ૨૮,૦૦૦ યુવાઓને પોલીસ વિભાગમાં ભરતી થવાનો અવસર પ્રાપ્ત થશે. આ ઉપરાંત, અગાઉ ૮ થી ૧૦ ગામો વચ્ચે ૧ ગ્રામસેવક નિયુક્ત કરવામાં આવતા હતા, તેની જગ્યાએ સરકારના નવા રોડમેપ મુજબ ૨ થી ૩ ગામો વચ્ચે ૧ ગ્રામસેવક એમ ૯૦૦ થી ૧૦૦૦ ગ્રામસેવક નિયુક્ત કરવામાં આવશે. જેથી સ્થાનિક ગ્રામજનોની સમસ્યાઓનો પણ ઝડપથી ઉકેલ આવશે.
મંત્રીશ્રીએ કહ્યું કે, આપણે સૌએ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવાં એકજૂથ થઈ કાર્ય કરીશું તો વર્ષ ૨૦૨૨ સુધીમાં ભારત વિશ્વના દેશોની સરખામણીમાં વિકાસના ક્ષેત્રમાં ટોચનું સ્થાન મેળવવામાં સક્ષમ બનશે.
250 સેફ્ટી કિટનુ વિતરણ
આ વેળાએ મંત્રીના હસ્તે ONGC તરફથી અનુદાનિત ૨૫૦ સેફટી કીટનું વિતરણ કરાયું હતું, તેમજ ૩૫૦ આયુષ્માન કાર્ડના લાભાર્થીઓ પૈકી પ્રતિકરૂપે એક લાભાર્થીને કાર્ડ એનાયત કરીને લાભાન્વિત કરાયા હતાં.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી અમિતભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી જસુબેન, સંગઠન પ્રમુખશ્રી બ્રિજેશ પટેલ, જીણોદ ગામના સરપંચશ્રી દિનેશભાઈ, વેલુક ગામના સરપંચશ્રી જીતુભાઈ સુરતી, અગ્રણી યોગેશભાઈ પટેલ, દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને ગાયત્રી પરિવારની બહેનો, અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
સુરત ડિસ્ટ્રીકટ બેંક દ્વારા કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલનો સત્કાર સમારોહ યોજાયો, 112 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ડિરેક્ટરપદને મંત્રીપદ મળ્યું
ધી સુરત ડિસ્ટ્રીકટ કો-ઓપ બેંક લિ. દ્વારા નવનિયુક્ત કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિક્લ્સ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલનો સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘સહકારી ક્ષેત્રના સહકાર વિના રાજ્યનો સર્વાંગી વિકાસ મુશ્કેલ છે. સહકારી અને અન્ય ક્ષેત્રોમાં નવીનતમ કાર્યપ્રણાલી માટે તમામ નાગરિકોના મંતવ્યો આવકાર્ય છે. આ પ્રસંગે બેંકના ચેરમેન નરેશભાઈ પટેલે સુરતના સહકારી બેંકના ૧૧૨ વર્ષના ઈતિહાસમાં ડિરેક્ટર તરીકે માત્ર મુકેશભાઈ પટેલને મંત્રીપદ પ્રાપ્ત થયું હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે બેંકના વાઈસ ચેરમેન અને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપભાઈ દેસાઈ, અગ્રણી સહકારી અગ્રણી ભીખુભાઈ તેમજ ૧૭ બેંકના ડિરેક્ટર્સ અને બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.