મોત કાલ આવતું હોય તો આજે આવે પણ જીવવું તો વટથી અને મજામાં રહેવું

ભગવાન તેના અસ્તિત્વનું ભાન માનવીને કરાવે છે, એટલા માટે દર સો વર્ષે કોઇને કોઇ વાયરસ મોકલીને કુદરતની જાળવણી કરવા લોકોને સમજાવે છે : ચેમ્બર દ્વારા સંજય રાવલ સાથે ‘તમે કેમ છો?’ વિશે વેબિનાર યોજાયો

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ર૪ એપ્રિલ, ર૦ર૧ના રોજ‘તમે કેમ છો?’ વિષય ઉપર વેબિનાર યોજાયો હતો. જેમાં નિષ્ણાંત વકતા તરીકે સંજય એમ.એસ. એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડના સંજય રાવલે લોકોને કોરોનાની પરિસ્થિતિમાં મજામાં કેમ રહેવું? તેના વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

સંજય રાવલે જણાવ્યું હતું કે, તમે કેમ છો? એવું કોઇ પુછે તો કહેજો કે હું મજામાં છું અને જીવન ખૂબ જ સુંદર છે. પરંતુ આવું કોઇ કહેતું નથી. અત્યારે આપણં બધું ધ્યાન કોરોના ઉપર જ છે. એનામાં લોકો સાજા થઇને જાય છે તેના પર કોઇનું  ધ્યાન જ જતું નથી. જો કે, લોકોએ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડશે. કોરોનાથી બચવા માટે ડોકટરો અને સરકારે બધાને સમજાવ્યા હતા પણ લોકોએ સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડાડયા હતા. કોવિડ– ૧૯ પોઝીટીવ આવે એટલે લોકોનું બ્લડ પ્રેશર ઘટે છે અને ગભરાઇને હાર્ટએટેકથી જ મરી રહયા છે. આથી લોકોએ મજામાં જ રહેવું જોઇએ.

કોરોના જવાનો નથી, વેક્સિન લઈ લો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કામ–ધંધો બંધ કરવાની જરૂર નથી. કોરોના જવાનો નથી. જિંદગી ગમે તેટલી હેરાન કરે પણ તેને કેવી રીતે રિએકટ કરવી તે આપણા હાથમાં છે. અત્યારના કપરા સમયમાં પ્રિકોશનના ભાગરૂપે બધાએ કોરોનાથી બચવા માટે વેકસીન લેવી જોઇએ. રોગ ઉપર ધ્યાન આપવાને બદલે એના નિદાન ઉપર ધ્યાન આપવાની જરૂર છે. પોતાની આદતો અને ખાનપાન બદલવું પડશે. સામાન્ય ખોરાકમાંથી પણ બધા જ વિટામિન અને પ્રોટીન મળી જાય છે. રૂટીન મસ્ત રીતે ચાલુ રાખો પણ બને એટલા ઓછા લોકોને મળો. કોઇને મળવાનું થાય તો માસ્ક પહેરો. ડરવાનું નથી, મજામાં રહેવાનું છે. આવક ઓછી થાય તો તેમાં કરકસર કરતા શીખી જવું. મોતની સામે પણ હસતા હસતા લડવાનું છે. ૧લી મેથી યુવાનોને પણ તુરંત જ વેકસીન લઇ લેવાનો આગ્રહ તેમણે કર્યો હતો.

કોઇના ગુનાને તું બેનકાબ ના કર, ઇશ્વર બેઠો છે તું હિસાબ ના કર.’

વધુમાં તેમણે કહયું કે, કોરોનાની સ્થિતિમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન એ સોલ્યુશન નથી. પરીક્ષાથી શું કામ ભાગવું જોઇએ? અત્યારે સમય જોઇને નિર્ણય લેવા જોઇએ. ભાગેડ વૃત્તિ અથવા પલાયન પ્રવૃત્તિ સારી વાત નથી. અત્યારે પ્રશાસન કે સરકારની સામે આક્રોશ કરવાનો સમય નથી. લોકોએ કોઇને ક્રીટીસાઇઝ કરવાની જરૂર નથી. આપણા હાથમાં જે હોય છે તે દિશામાં પ્રયાસ કરવો જોઇએ. ચૂંટણી આવે ત્યારે લોકોએ જે યોગ્ય લાગે તે જવાબ આપવો જોઇએ. દેશના સાધુ–સંતોએ લોકોને સાચું જીવન જીવવાનું યોગ્ય રીતે બતાવ્યું છે. એટલા માટે જ આજે પણ ભારતીય સંસ્કૃતિ જીવીત છે. ‘‘કોઇના ગુનાને તું બેનકાબ ના કર, ઇશ્વર બેઠો છે તું હિસાબ ના કર.’’ પૃથ્વી પર જ બધો હિસાબ થવાનો છે. રૂપિયા આપીને જવાના છે અથવા તો મુકીને જવાના છે, પરંતુ મૃત્યુ બાદ રૂપિયા પોતાની સાથે ઉપર લઇ જવાના નથી એ વાત લોકોએ સમજવી જોઇએ.

પ્રકૃત્તિનુ નુકસાન આપણે કર્યું છે, ભગવાન બેલેન્સ કરી રહ્યો છે

ભગવાન પણ મજામાં હશે? તેવા સવાલના જવાબમાં સંજય રાવલે જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં જે રીતે લોકો ટપોટપ મરી રહયા છે તેને કારણે ભગવાન મજામાં નહીં પણ દુઃખી હશે પણ પૃથ્વી ઉપર બેલેન્સ કરવા માટે તેઓ મજબુર હશે. આપણે પ્રકૃતિને ડિસ્ટર્બ કરી છે. પાણીનો બગાડ કરી રહયા છે અને ખૂબ ઝાડો કાપી નાંખ્યા છે. વિદેશમાં એક લાખ ઝાડ કાપવા હોય તો તેના દસ વર્ષ પહેલા એક લાખ ઝાડ ઉગાડવા પડે છે. પરંતુ આપણે ત્યાં રસ્તા બનાવવાના નામે તેમજ મોર્ડનાઇઝેશનના નામે વૃક્ષો કાપી નાંખવામાં આવે છે. જેને કારણે અત્યારે ઓકસીજન માટે વલખા મારવાની નોબત આવી છે. મનુષ્યએ આખી પૃથ્વી ઉપર પ્લાસ્ટીક ફેલાવી દીધું છે. એટલા માટે જ આપણે પ્લાસ્ટીકમાં આવી ગયા છે. તેમણે કહયું કે, ભગવાન પણ તેના અસ્તિત્વનું ભાન માનવીને કરાવે છે. એટલા માટે દર સો વર્ષે કોઇને કોઇ વાયરસ મોકલીને લોકોને કુદરતની જાળવણી કરવા માટે તેમજ કુદરતને પ્રેમ કરવા માટે સમજાવે છે.

પાંચ ટકા ડોક્ટરો માનવતા છોડી ધંધો કરે છે, 95 ટકા સેવા કરી રહ્યાં છે

વધુમાં તેમણે કહયું હતું કે, જે કોઇ ખોટું કામ કરશે એ ભોગવશે. હરામનો કમાયેલો એક રૂપિયો પણ જે તે વ્યકિતની સંતાનને રીબાઇ રીબાઇને વ્યાજ સાથે ચૂકવવો પડશે. એમાં એ વ્યકિતની સંતાનનો કોઇ વાંક પણ ન હોય તેમ છતાં તેઓને ભોગવવાનો વારો આવે છે. આ બાબત લોકોએ સમજવી જોઇએ. કારણ કે, દરેક કર્મની લેન–દેન પૂર્ણ થતી હોય છે એવું ધર્મગ્રંથો કહે છે. અત્યારના સમયે કેટલાક લોકોએ પાંચ રૂપિયાના માસ્ક પ૦ રૂપિયામાં વેચ્યા છે અને એક – એક લાખ રૂપિયા લઇને ઇન્જેકશનો આપ્યા છે. ઇન્જેકશનના અભાવે દર્દીનું મોત થયાનું ડોકટરો કહી રહયા છે, પરંતુ કેટલાક ડોકટરો એવા પણ છે કે જે આ ઇન્જેકશનની અસર માત્ર પાંચ–દસ ટકા જેટલી જ હોવાથી તેના અભાવે જ દર્દી મૃત્યુ પામે છે એ બાબત ખોટી હોવાનું જણાવી રહયા છે. તેમણે વધુમાં કહયું કે, પાંચ ટકા ડોકટરો જ એવા છે કે જેઓ માનવતા છોડીને ધંધો કરી રહયા છે પણ ૯પ ટકા ડોકટરો દર્દીઓની સેવા કરી રહયાં છે.

બગીચા-જીમ ઉપર પ્રતિબંધ લગાવવો ન જોઈએ

કેટલાક અંગત મંતવ્યો આપતા સંજય રાવલે જણાવ્યું હતું કે, સરકારે બગીચા અને જીમ ઉપર પ્રતિબંધ લગાવવો જોઇએ નહીં. બગીચા અને જીમ કરતા મોટી સંખ્યામાં લોકો સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં એકત્રિત થાય છે. આથી નિયમો પ્રમાણે ચા–નાસ્તાની લારીઓ, થિયેટર, બગીચા અને જીમ વિગેરે ચાલુ રાખવાની સરકારે મંજૂરી આપવી જોઇએ. કારણ કે, લોકોનો બિઝનેસ અને રોજગાર અટવાઇ રહયો છે. બધાની રોજીરોટી ચાલુ રહે તેવા પ્રયત્ન અથવા તેવી વ્યવસ્થા સરકારે ગોઠવવી જોઇએ. આપણે ત્યાં એસેસમેન્ટ વગર નિયમો બનાવી દેવામાં આવે છે અને બાદમાં પસ્તાવવાનો વારો આવે છે.

અપેક્ષા વિશે તેમણે જણાવ્યું હતું કે, વ્યકિતએ કોઇના પ્રત્યે અપેક્ષા રાખવી જોઇએ નહીં. પોતાનું કામ જાતે જ કરી લેવું જોઇએ. પોતાનાથી થાય એટલું તો વ્યકિતએ જાતે કરવું જ જોઈએ. બીજાની અપેક્ષા રાખ્યા વગર પણ વ્યકિત કામ કરતો થઇ જાય ત્યારે તેનામાં પાવર આવી જાય છે અને તેથી તે મજામાં રહી શકે છે. જેટલું જાતે થાય તેટલું કરવાની કોશિષ કરવી જોઇએ. અપેક્ષા વગર જીવવું અને કોઇથી અપેક્ષા નહીં રાખવું એ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે.

પરોક્ષને બદલે પ્રત્યક્ષમાં જે આનંદ અને સંતોષ છે

ઓનલાઇન વિશે તેમણે કહયું હતું કે, ઓનલાઇન એ ગતકડું છે પણ ભવિષ્ય નથી. પરોક્ષને બદલે પ્રત્યક્ષમાં જે આનંદ અને સંતોષ છે તે ઓનલાઇનમાં નથી. વિદ્યાર્થીઓને સ્કૂલમાં ગયા બાદ જે વાતાવરણ મળે છે તે ઓનલાઇન ભણતરમાં કયારેય નહીં મળી શકે. સ્કૂલમાં જ વિદ્યાર્થીનું ઘડતર પણ થાય છે. પણ અત્યારે જ્યારે આખી દુનિયા ઓનલાઇનનો ઉપયોગ કરી રહી છે ત્યારે સમયના વહેણમાં આપણે પણ વહેવું જોઇએ પણ ઓનલાઇન એ પરમનન્ટ સોલ્યુશન નથી.

અત્યારના સમયમાં સૌથી વધુ મારી જાત સાથે કનેકટ થવાનો પ્રયાસ કરું છું.

પોતાની એકટીવિટી વિશે તેમણે કહયું હતું કે, અત્યારના સમયમાં સૌથી વધુ મારી જાત સાથે કનેકટ થવાનો પ્રયાસ કરું છું. સેલ્ફ એનાલિસિસ કરી રહયો છું અને લખવાનું શરૂ કર્યું છે. આપણે મરી ન જઇએ એના માટે પોલીસ મારતી હતી તે વિશે લખી રહયો છું. મહિનામાં રર–ર૪ દિવસ સેમિનાર કરતો હોવાથી ઘરેથી બહાર જ રહેતો હતો પણ અત્યારે ઘરમાં પરિવારજનો સાથે રહું છું એટલે મારા માટે જીવનનો ગોલ્ડન પિરિયડ છે. વધુમાં તેમણે કહયું કે, પૃથ્વી ઉપર આપણે ચોકકસ કોઇ કારણ માટે આવ્યા છીએ. એટલે શા માટે આવ્યા છીએ તે ચકાસવું જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓ માટે જે ર૦ સ્કીલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવી ર૦ સ્કીલનો અભ્યાસક્રમ તૈયાર કરી રહયો છું. પોતાની સ્કૂલ અને યુનિવર્સિટીનું કામ કરી રહયો છું. અંતે તેમણે કહયું કે, જરાય ડરવું નથી અને ગભરાવવું નહીં. મોત કાલ આવતું હોય તો આજે આવે પણ જીવવું તો વટથી અને મજામાં રહેવું.

Leave a Reply

Translate »