લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અમદાવાદના રહેવાસી ૫૪ વર્ષીય વ્યક્તિમાં કરાયું
સુરત:સોમવાર: ‘અંગદાન.. મહાદાન’ના સૂત્રને સાર્થક કરતાં સુરતના રાણા પરિવારે બ્રેઈનડેડ સ્વજનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. માનવતાની મહેંક ફેલાવનાર રાણા પરિવારના આ ઉમદા કાર્યથી તેમના મૃતક સ્વજનને સાચી શ્રદ્ધાંજલિ મળી છે.
સુરતી સ્ટ્રીટ, ભાઠાગામ, હજીરા રોડ ખાતે રહેતાં અને બારડોલી રોડ પર આવેલી ડાયનેસ્ટીક ફેબ્રિકો નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ૫૫ વર્ષીય દેવચંદભાઈ જયરામભાઈ રાણા ગત તા.૨૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે મોટરસાયકલ લઈને પુણા કુંભારિયા રોડ પર પસાર થઈ રહ્યાં હતાં, એ સમયે શ્યામ સંગિની માર્કેટ પાસે, પુણા કુંભારિયા ખાડી પુલ ઉપર મોટરસાયકલ સ્લીપ થઇ જતા તેઓ રોડ પર પટકાયા હતા. માથામાં ગંભીર ઈજાઓ થવાથી તેમને તાત્કાલિક મહાવીર ટ્રોમા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં ન્યુરોસર્જન ડૉ.હિતેશ ચિત્રોડાએ સારવાર શરૂ કરી હતી. નિદાન માટે સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું જણાયું હતું. કોઈ સારવાર કારગર નીવડે તેમ ન હોવાથી તબીબી ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં. અને બ્રેઈનડેડ દેવચંદભાઈના અંગો કોઈ જરૂરિયાતમંદ લોકોનું જીવન બચાવી શકાય એ આશયથી તબીબોએ ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખશ્રી નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી આ અંગેની જાણકારી આપી હતી.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી દેવચંદભાઈના પત્ની પ્રવિણાબેન, પુત્ર નિલય, પુત્રી રિશા, સાળા જિતેન્દ્રભાઈ અને દેવેન્દ્રભાઈ, ભાઈ જયેશભાઈ, અજીતભાઈ, રાજેશભાઈ સહિતના પરિજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
દેવચંદભાઈના પત્નીએ જણાવ્યું કે, અમે વારંવાર વર્તમાનપત્રો અને ન્યુઝ ચેનલોમાં અંગદાન અંગેના સમાચારો જોઈએ છીએ. આજે જ્યારે મારા પતિ બ્રેઈનડેડ છે, અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે અમારી સંમતિ છે એમ જણાવી આગળની પ્રક્રિયા માટે સંમતિ આપી. જેથી નિલેશ માંડલેવાલાએ સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) ના ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડીનેટરનો સંપર્ક કરતા SOTTO દ્વારા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને જયારે બંને કિડની અમદાવાદની ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ને ફાળવવામાં આવી.
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના ડૉ.અંકુર વાડેસરા, ડૉ.પાર્થન જોષી અને તેમની ટીમે આવી લિવર અને કિડનીનું દાન સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અમદાવાદના રહેવાસી ૫૪ વર્ષીય વ્યક્તિમાં ડૉ.અંકુર વાડેસરા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. દાનમાં પ્રાપ્ત બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી તેનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું ન હતું. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરતથી અમદાવાદ સુધી ૨૬૭ કિ.મીનો ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
સ્વ.દેવચંદભાઈના પત્ની પ્રવિણાબેન ભાઠા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવે છે. ૨૪ વર્ષીય પુત્ર નિલય IILC ઇન્સ્ટીટયુટમાં BACT નો અભ્યાસ કરે છે, અને પુત્રી રિશા નવયુગ કોલેજમાં બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૦૮ કિડની, ૧૭૨ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૬ હૃદય, ૨૦ ફેફસાં અને ૩૧૦ ચક્ષુઓ કુલ ૯૫૪ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૭૩ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.