- સ્ટોરી: રાજા શેખ (98980 34910)
મધ્યમવર્ગ પોતાના ઘરના ઘરનું સપનું પુરું કરી શકે તે માટે ગુજરાત સરકારે અમલી બનાવેલી એર્ફોડેબલ હાઉસિંગ યોજના એટલે કે એલઆઈજી આવાસ અને ઈડબલ્યુએસ આવાસ (મુખ્યમંત્રી-પ્રધાનમંત્રી આવાસ) યોજના કેટલાક ઈન્વેસ્ટરો માટે ફાયદાનો સોદો સાબિત થઈ રહી છે. સાથોસાથ સરકારી બાબુઓ માટે પણ સારા રોકાણનું માધ્યમ બની છે. અઢી લાખની વાર્ષિક આવક મર્યાદાવાળો પરિવાર એલઆઈજી અને ઈડબલ્યુએસ આવાસ યોજનામાં મહાનગર પાલિકા, વિકાસ સત્તા મંડળ, ગુજરાત હાઉસિંગ બોર્ડ વગેરેમાં ફોર્મ ભરીને ડ્રોના માધ્યમથી આવાસ મેળવવાના હોય છે પરંતુ લાખો-કરોડોની આવક ધરાવનારાઓએ પણ યેનકેન પ્રકારે, ખોટા દસ્તાવેજોના આધારે અથવા અન્યોના નામે આ આવાસોમાં ઘરો ખરીદી લીધા છે. એલઆઈજી આવસમાં 8 લાખનું મકાન અને ઈડબલ્યુએસ આવાસમાં સાડા ચાર લાખની કિંમતના મકાન ખરીદીને કા તો તેને ભાડે આપવામાં આવી રહ્યાં અથવા તો કિંમત કરતા ડબલ નફો લઈ તેને વેચી દેવામાં આવી રહ્યાં છે. જેના કારણે ખરાં જરૂરિયાતમંદો લાભથી વંચિત થઈ રહ્યાં છે. પરંતુ સંબંધિત અધિકારીઓ આંખ આડા કાન કરીને બધુ જ ચલાવ્યે રાખે છે. કોઈ તપાસ કરાતી નથી અથવા કોઈ કાર્યવાહી કરાતી નથી.
હાલમાં જ સુરતમાં ગોરાટ રોડ પરના સુમન સંધ્યા એપાર્ટમેન્ટના મામલે મનપા કમિશનર બીએસ પાનીને રાંદેરના જાગૃત નાગરિક અને સામાજિક આગેવાન સોહેલ શેખ દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અને તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, અહીં ઘણાં ઈન્વેસ્ટરોએ રોકાણ કર્યું છે અને તેઓ એલઆઈજી આવાસ 22 લાખ રૂપિયા સુધીની મોટી રકમ લઈ વેચી રહ્યાં છે. એટલે રોકાણકારોને ઘી-કેળા થઈ ગયા છે. સામાન્ય રીતે મનપાએ શરત રાખી છે કે સાત વર્ષ સુધી આ મકાનો ન વેચી શકાશે. ભાડે પણ આપી શકાશે નહીં પરંતુ તે નિયમની ધજાગરા ઉડી રહી છે અને અધિકારીઓ આંખ મિચામણાં કરીને બેસી રહ્યાં છે ઉપરથી ટારગેટની રેસમાં નવા આવાસની નવી સ્કીમો લોંચ થઈ રહી છે.
આ ફરિયાદમાં ઉલ્લેખ પણ છે કે, મહાપાલિકાનો આશય દરેક ધર્મ-જાતિ-કોમના લોકો હળીમળીને રહી શકે તે છે પરંતુ કેટલાકના મકાનો એક જગ્યાએ બીજે ટ્રાન્સફર પણ કરાવાયા છે.
આ ફરિયાદમાં ઉલ્લેખ પણ છે કે, મહાપાલિકાનો આશય દરેક ધર્મ-જાતિ-કોમના લોકો હળીમળીને રહી શકે તે છે પરંતુ કેટલાકના મકાનો એક જગ્યાએ બીજે ટ્રાન્સફર પણ કરાવાયા છે. આવાસને ગીરો પણ આપવામાં આવ્યા છે. એક જ વ્યક્તિના પરિવારના નામે ચારથી પાંચ મકાનો પણ લેવાયા હોવાના અનેક દાખલા છે.
અહીં ફરિયાદ ભલે સુમન સંધ્યાની કરવામાં આવી છે પરંતુ દરેક એલઆઈજી કે ઈડબલ્યુ આવાસમાં આ ખેલ ખેલાય રહ્યો છે. ઘણાં મકાન લીધા બાદ આજદીન સુધી રહેવા આવ્યા નથી અને સોસાયટીને મેઈન્ટેનન્સ પણ આપતા નથી, ઉપરથી રંજાડે છે. સુરત મહાનગર પાલિકાના આવાસોનું બાંધકામ અને લોકેશન રાજ્યભરમાં ખૂબ વખણાયા છે પરંતુ તેનો લાભ ઈન્વેસ્ટરો, સુરત મનપાના ખમતીધર કર્મચારીઓ, બિલ્ડરોએ પણ ઉઠાવ્યો છે અને સુરત મહાનગર પાલિકાના આ વિભાગની મિલિભગતમાં ખોટા દસ્તાવેજોના આધારે આવાસો મેળવી લઈ વેપલો શરૂ કર્યો છે. તમામ ‘સુમન ’ આવાસોની તપાસ માટે કમિટી બનાવીને તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો પોલ ખુલી શકે એમ છે. જે રીતે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટમાં ખોટા દસ્તાવેજોના આધારે મોટી સ્કૂલોમાં પોતાના બાળકોને એડમિશન અપાવનારા સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી હતી તે જ રીતે સુરત સહિતની મહાનગર પાલિકાઓ, વિકાસ સત્તા મંડળ અને ગુજરાત હાઉસિંગ બોર્ડ કાર્યવાહી કરે અને આવા મકાનો જપ્ત કરીને ખરા જરૂરિયાતમંદોને ફાળવે તે જરૂરી છે.
સબસિડીના લાભથી ફાયદો વધી જાય છે
‘સુમન’ આવાસોમાં ગણતરીપૂર્વક કેટલાક ઈન્વેસ્ટરો દ્વારા રોકાણ કરવામાં આવી રહ્યું છે. ઘણાં સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, રાજકારણીઓએ તો ધંધો માંડ્યો છે. પોતાના ખોટા દસ્તાવેજો રજૂ કરી અથવા પરિવારના સભ્યોના નામે દસ્તાવેજો બનાવી કે કોઈ કામદારોના નામે 8 લાખમાં મકાન લઈ લેવામાં આવે છે. તેની અઢી લાખ સુધીની સબસિડી પણ લઈ લેવામાં આવે છે અને મકાનો 15 લાખથી 22 લાખ સુધીની રકમમાં બાદમાં વેચી દેવામાં આવે છે. જેની સામે સુરત સહિતની મહાનગર પાલિકા કોઈ કાર્યવાહી કરતી ન હોવાથી કુંડલીમાં ગોળ ભંગાતો હોવાનું કહી શકાય છે. એટલે કે અધિકારીઓના ભ્રષ્ટાચારમાં આ કામ થતું હોવાનું કહી શકાય છે.
સુરત મનપા કમિશનરે જપ્ત કરવાની જાહેરાત કરી હતી પરંતુ હજી સુધી એક પણ દાખલો નથી બેસાડ્યો
સુરત મહાનગર પાલિકાના કમિશનર બીએસ પાની દ્વારા કોરાનાકાળ પહેલા ફરિયાદના આધારે એક સુમન આવાસની તપાસ કરાવડાવી હતી અને નોટીસની કાર્યવાહી કરાવી હતી. તે સમયે ખોટી રીતે મેળવાયેલ અને ભાડે તથા વેચી દેવાયેલા અથવા લઈને બંધ રહેવા દેવાતા એલઆઈજી આવાસ અને ઈડબલ્યુ આવાસનો સુરત મનપા કબ્જો લઈ જરૂરતમંદને ફાળવી દેવાની જાહેરાત કરી હતી પરંતુ આજદીન સુધી કસમ ખાવા પુરતો એક પણ દાખલો તેઓએ બેસાડ્યો નથી. શાસકો પણ ગરીબોને આવાસા ફાળવવાનો આંકડો દેખાડી ક્રેડિટ લઈ રહ્યાં છે પણ આવા કેસોમાં તેઓએ પણ કોઈ કાર્યવાહીના આદેશ આપ્યા નથી. આ માટે એક મોટી મુવમેન્ટ ચલાવાય તો એક સુમન આવાસમાંથી એક અંદાજ પ્રમાણે 15થી 25 ટકા મકાનો મળી આવે એમ છે અને મનપાએ એટલા મકાનો ઓછા બનાવી જરૂરિયાતમંદને ફાળવી ખર્ચ બચાવી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તો આવી ખોટી રીતે મકાન મેળવી લઈ વેપલો કરનારા, ભાડે ફેરવનારાઓ સામે કકડાઈથી કાર્યવાહી શરૂ કરી છે.
શું કહ્યું શાસકોએ?
આ અંગે સુરત સ્લમ અપગ્રેડશન સેલના અધિકારી મહેશ જયમલાનીનો સંપર્ક થઈ ન શક્યો. જોકે, શહેરના પ્રથમ નાગરિક હેમાલીબેન બોઘાવાળાએ કહ્યું કે, હું આ અંગે થયેલી ફરિયાદની તપાસ કરાવીશ.
સ્લમ અપગ્રેડેશન કમિટીના ચેરમેન દિનેશ રાજપુરોહિતે કડક શબ્દોમાં કહ્યું કે, અમારી પાસે હાલમાં આવેલા અને ખોટા દસ્તાવેજોના આધારે ડ્રોમાં આવાસ મેળવવા માંગતા લોકોમાંથી 30 ટકા જેટલા સટીક સ્ક્રૂટીનીના આધારે રદ કરાય રહ્યાં છે. જેથી, બોગસ દસ્તાવેજોના આધારે આવાસ મેળવવું હવે સંભવ નથી. અમારી પહેલાથી જ પોલીસી છે જ. પરંતુ જો તમે કહ્યું તેમ નિયમો વિરુદ્ધ આવાસો લઈ ભાડે અપાયેલા મકાનો, વેચી દેવાયેલા અથવા બંધ પડી રહેલા મકાનો અંગે અમે સર્વે કરાવીશું અને સંભવ હશે તો જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરીશું.