ખોટા સહીવાળા સોગંધનામાના આધારે પખાલીવાડ મસ્જિદના ટ્રસ્ટી બનનારાઓને ટ્રિબ્યુનલની ફટકાર!!

સુરત. બડેખા ચકલા સ્થિત પખાલીવાડ મસ્જિદના એક ટ્રસ્ટીના અવસાન બાદ નવા ટ્રસ્ટીઓની નિમણૂંક ખોટી સહી અને ખોટા સોગંઘનામાના આધારે થઈ હોવાના વાંધા સામે ગુજરાત વકફ બોર્ડની ટ્રિબ્યુનલે ચુકાદો આપીને આ નિમણૂંકો રદ કરી છે. જેના કારણે લાંબા સમયથી ચાલતી કાનૂની લડતનો સુખદ અંત આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના બડેખાં ચકલાં વિસ્તારમાં આવેલા પખાલીવાડમાં બી/659થી નોંધાયેલી મસ્જિદમાં ગુલામ મોહમ્મદ હુશૈનમિયાં શેખ તેમજ અબ્દુલ ગફુર ઈસ્માઈલ ઈબ્રાહિમ શેખ નામના બે મુતવલ્લી (ટ્રસ્ટી) હતા. જે પૈકી 6 જુન 2020ના રોજ ગફુરચાચાનું અવસાન થઈ ગયું હતું ત્યારબાદથી ગુલામ હુશૈને મોહલ્લાના કેટલાંક યુવાનો સાથે મળીને નવા ટ્રસ્ટીઓની પસંદગી માટે એક મિટિંગનું આયોજન કર્યું હતું. જેમાં ઠરાવને આધારે વકફ ટ્રસ્ટે ગુલામ હુશૈન સાથે હનિફ ઈબ્રાહિમ શેખ, ઝહીરૂદ્દીન બદરૂદ્દીન સૈયદ તેમજ સાજીદ મન્સૂરીના નામ દાખલ કરી લીધા હતા. ટ્રસ્ટીઓની નિમણૂંક સબંધે 12-2020થી મંજુરી આપી દીધા બાદ જે-તે વખતે નિઝામ અકબર સૈયદ અને નુરમોહમ્મદ કાસમમિયાં શેખે વાંધો નોંધાવ્યો હતો અને વકફના નિર્ણયને ટ્રીબ્યુનલમાં પડકાર્યો હતો જેમાં બંને વતી વિદ્વાન અને મોસ્ટ સિનિયર એડવોકેટ એચ.એસ. કાઝી ઉપસ્થિત રહ્યાં હતા જ્યારે સામાપક્ષે એફકે મન્સુરી તેમજ એએ શેખ હાજર રહ્યાં હતા. બંને તરફની દલીલો, તર્ક, પુરાવા અને સોગંદનામાને આધારે ટ્રીબ્યુનલે 12-2020નો હુકમ રદ કરી દીધો હતો જેને પગલે નવી નિમણૂંક રદ્દબાતલ થઈ ગઈ હતી.

શું નોંધ્યું ટ્રિબ્યુનલે?
આ મામલામાં ટ્રીબ્યુનલે નોંધ્યું છેકે, કેટલાંક લોકોએ મળીને મોહલ્લાના કેટલાંક લોકો પાસે કોરા કાગળ પર સહીઓ કરાવી લીધી હતી અને મનસ્વી રીતે લખાણ લખીને વકફને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. નવા ટ્રસ્ટીઓ પૈકી હનીફ શેખે તમામ હકીકત ખુલ્લી પાડી દીધી હતી અને સોગંદનામુ રજુ કરીને ગુલામ હુશૈન તેમજ તેમના સાથીઓએ કરેલા ખોટા દસ્તાવેજોને ખુલ્લા પાડી દેતાં નવા ટ્રસ્ટીઓની નિમણૂંકને રદ કરી દેવામાં આવી છે. હવે, નવા ટ્રસ્ટીઓની નિમણૂંક માટે વકફને આદેશ જારી કરવામાં આવ્યો છે.
મોહલ્લામાં 1500થી 2000 લોકો રહેતા હોવા છતાં નવા ટ્રસ્ટીઓની નિમણૂંક માટે જે ઠરાવ કરવામાં આવ્યો તેમાં આંગળીને વેઢે ગણી શકાય એટલા માત્ર 15-17 લોકોની સહી કરવામાં આવી હતી જેને ટ્રીબ્યુનલે રદબાતલ ઠેરવી છે.


ટ્રસ્ટીના અવસાન બાદ ત્રણ મહિના પછી ઈમ્તિયાઝ શેખનું ટ્રસ્ટી તરીકે નામ દાખલ કરી દેવાયું હતું!!

ગુલામ મોહમ્મદ હુશૈન મિયાંના ભાઈ ઈમ્તિયાઝ શેખનું એપ્રિલ 2020માં અવસાન થયું હતું જોકે, આજ વર્ષના જુલાઈ મહિનામાં ટ્રસ્ટી તરીકે તેમનું નામ દાખલ કરવામાં આવ્યું હતું. આ મામલામાં અન્ય ટ્રસ્ટીઓ દ્વારા વકફ બોર્ડને ગેરમાર્ગે દોરવામાં આવ્યો હોવાનું ચુકાદા બાદ ફલિત થયું છે. વકફ બોર્ડના અધિકારીઓએ નામ ફાઈનલ કરતાં પહેલાં ખરાઈ ન કરી હોવાનુ પણ બીજી તરફ સામે આવ્યું છે. બીજા કેસોમાં ટ્રસ્ટીઓના નામ દાખલ થવામાં એકથી ત્રણ વર્ષનો સમય વિતી જાય છે.

પોલીસ તપાસ કરાવો: ટ્રીબ્યુનલ
પખાલીવાડ મસ્જિદના ટ્રસ્ટીના નામ દાખલ કરાવવા કમાલ મસ્જિદમાં બેઠક યોજાઈ હતી અને બાદ તમામ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં કેટલાંક પેપર્સમાં બનાવટી સહી પણ કરવામાં આવી હોવાનું ટ્રીબ્યુનલના ધ્યાને આવ્યું છે. આ અંગે પોલીસ ડિપાર્ટમેન્ટને તપાસ સોંપવા પણ હુકમ કરવામાં આવ્યો છે. હવે જોવું એ રહ્યું કે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ બોગસ દસ્તાવેજ ઊભા કરવામાં કોની કોની સંડોવણી બહાર આવે છે.

Leave a Reply

Translate »