ન્યૂઝનેટવર્કસ ટીમ– રાજા શેખ : સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલા સુરતમાં આમ તો ક્યારેય પણ પીવાના પાણીની તંગી પડી નથી. હા, નળ જોડાણ ન હોવાને કારણે કેટલીક જગ્યાઓ પર ભૂતકાળમાં તકલીફો હતી પરંતુ હાલ સુરત મનપા અને ભાજપ શાસકો દ્વારા દાવો કરાય રહ્યો છે કે. શહેરની 98.85 ટકાવસ્તીને નળ મારફત 1285 એમએલડી પાણીનો જથ્થો પહોંચાડા રહ્યાે છે. જ્યારે ભાજપ શાસન વર્ષ 1995માં આવ્યું ત્યારે 150 એમએમલડી પાણી અને તે પણ માત્ર 22 ટકા વસ્તીને નળ મારફત પહોંચાડાતું હોવાનો દાવો વિતેલા ઈલેક્શન પહેલા કરાયો હતો. આવો જાણીએ સુરતમાં પાણીની પૂર્તતા કેવી રીતે કરવામાં આવે છે.
1285 એમએલડી પાણી 3535 કિલોમીટર ભૂર્ગભ પાણી લાઈન મારફત પહોંચાડા છે
વર્ષ 2020ના સુરત મહાનગર પાલિકાના આંકડા જોઈએ તો 1285 એમએલડી શુદ્ધ પીવાનું પાણી 3535 કિલોમીટરની ભૂર્ગભ પાણીની પાઈપલાઈન દ્વારા 98 ટકા સુરતીઓના ઘર સુધી પહોંચાડા રહ્યું છે. સુરતની અંદાજિત વસ્તી 60 લાખની ગણવામાં આવે અને તેમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ 156.90 લીટર સરેરાશ પાણી પહોંચાડવાનો દાવો છે. 2041ની વસ્તીને આધાર બનાવીને મનપા દ્વારા પાણી પુરવઠા માટેનું પ્લાનિંગ કરાયું છે અને ન્યૂ ઈસ્ટ ઝોન તેમજ ન્યૂ નોર્થ ઝોન વિસ્તારમાં હાલ 24 કલાક અણીશુદ્ધ પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. પાણી પુરવઠા સાથે હેલ્થનું પણ ધ્યાન રાખી 99.6 ટકા અણીશુદ્ધ પીવાલાયક પાણી પુરું પડાય રહ્યું છે.
કેવી રીતે સપ્લાય કરાય છે? પાણીને ક્યું સર્ટિફિકેટ મળ્યું છે?
સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના વિવિધ વિસ્તારોમાં તાપી નદીમાં 7 ઈન્ટેક્વેલ મારફતે નદીમાંથી રો-વોટર મેળવી કુલ 8 વોટર વર્કસમાં પહોંચાડે છે અને ત્યાં જળશુદ્ધિકરણની પ્રક્રિયા કરીને 36 જળ વિતરણ મથકો થકી 76 ઓવરહેડ ટાંકીઓમાં પહોંચાડે છે. પાણીની ગુણવત્તા 9 લેબોરેટરીમાં ચકાસવામાં આવે છે. જેમાં શરૂથી સપ્લાય સુધીના પાણીના સેમ્પલ ટેસ્ટ કરાય છે. ઉપરાંત મોબાઈલ વાન મારફત પણ ઘર સુધી પહોંચતું પાણી ટેસ્ટ કરાય છે. સુરતના પાણીની શુધ્ધ સપ્લાયને કારણે તેને આઈએસ-10500નું સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયું છે. પરિણામે પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ પણ 50 ટકાથી ઘટીને માત્ર પાંચ ટકા જ રહ્યો હોવાનો દાવો હાલમાં જ ભાજપ શાસકો દ્વારા કરાયો હતો.