ન્યૂઝનેટવર્કસ ટીમ: સ્લમ ફ્રી સુરત બનાવવાના ભાગરૂપે સુરત મહાનગર પાલિકા અને ભાજપ શાસકોએ 25 વર્ષમાં શહેરના નકશાને બદલવામાં ભારે મહેનત કરી છે. જેના પરિણામરૂપે આજે સુરતની માત્ર 6.25 ટકા જ વસ્તી ઝૂંપડપટ્ટીમાં રહી ગઈ છે. આવનારા વર્ષોમાં આ ઝૂંપડપટ્ટીને પણ દૂર કરીને સ્લમ ફ્રી સિટીનું સ્વપ્ન સાકાર કરવા તરફ મનપા પ્રયાણ કરી રહી છે. અપવાદ કેટલીક જગ્યાએ ફરી કાચા-પાકા ઝૂંપડા બન્યા છે. ભાજપ શાસકોએ દાવો કર્યો છે કે, વર્ષ 2020 સુધીમાં 2100 કરોડનો ખર્ચ કરીને 70,726 લોકોને પાકા મકાનોમાં શિફ્ટ કરી દેવાયા છે, જેમાં સૌથી મોટા કોસાડમાં 405 બિલ્ડિંગો એક સાથે બાંધીને 19424 આવાસો બનાવાયા છે. જ્યારે આગામી વર્ષોમાં બીજા 2500 કરોડનો ખર્ચ કરીને ઝીરો સ્લમ હેઠળ કામ આગળ ધપાવાશે.
સુરત મહાપાલિકાએ વિવિધ વિસ્તારોમાં વિકાસમાં નડતરરૂપ, અનામત પ્લોટમાં દબાણોને ખસેડીને આવાસો બનાવી તેમાં લોકોને શિફ્ટ કર્યા છે. જેમાં ભેસ્તાન, જહાંગીરાબાદ, વડોદ, ગોરાટ રોટ સહિતના 21 જેટલા લોકેશનો પર 27432 આવાસો બાંધ્યા છે. અત્યારસુધી 107 ઝૂંપડાના પૂરેપૂરા લોકોને જ્યારે 80 ઝૂંપડપટ્ટીઓના કેટલાક પરિવારોનું સ્થળાંતર આવાસો બાંધીને તેમાં કરાયું છે. વર્ષ 2001માં સ્લમ પોપ્યુલેશન (ઝૂંપડપટ્ટીના રહીશોની સંખ્યા) 20 ટકા કરતા વધુ હતી જે હવે ઘટીને 6.24 ટકા જ થઈ ગઈ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 7190 આવાસો બંધાવાયા:
વર્ષ 2015માં હાઉસિંગ સ્કીમ ફોર ઓલ-2022 મિશનનો પ્રારંભ કરી વડાપ્રધાન આવાસ યોજના અમલી બનાવાય હતી. અફોર્ડેબલ હાઉસ તરીકે ઓળખાતી આ યોજમાં સુરત મહાનગર પાલિકાએ વર્ષ 2020 સુધીમાં 456.37 કરોડ રૂપિયાના ખર્ચે 7190 આવાસનું નિર્માણ કરી ડ્રો થકી બુકિંગ કરાવનારા લાભાર્થીઓને ફાળવી આપ્યા. હજી મનપા 2053 કરોડના ખર્ચે 23907 આવાસો બાંધી રહી છે. જેમાંથી કેટલાક આવાસોના ડ્રો થઈ પણ ગયા છે.
મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ….
સુરત મહાનગર પાલિકાએ આ યોજના હેઠળ 1995થી 2006 દરમિયાન 44.51 કરોડના ખર્ચે ઈડબલ્યુએસ હાઉસિંગ સ્કીમ હેઠળ 7424 આવાસ બાંધીને લાભાર્થીઓને ફાળવ્યા. વર્ષ 2004માં 2.26 કરોડના ખર્ચે એલઆઈજી હાઉસિંહ સ્કીમ હેઠળ 113 આવાસ અને વર્ષ 2005માં વીએએમબીએવાય યોજના હેઠળ 2.08 કરોડના ખર્ચે 372 આવાસ, વર્ષ 2006થી 2013 દરમિયાન 881.84 કરોડના ખર્ચે 46856 આવાસા લાભાર્થીઓને ફાળવ્યા. વર્ષ 2013માં અમલમાં આવેલી મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 2016 સુધીમાં 693 કરોડના ખર્ચે 8721 આવાસોનું નિર્માણ કરીને લાભાર્થીઓને ફાળવ્યા. હવે મનપા અલથાણ, આંજણા, ડુંભાલ, ગોતાલાવાડી, માનદરવાજા અને ઉમરવાડાના 5880 જર્જરિત ટેનામેન્ટના રિડેવલમેન્ટ માટે કામ હાથ ધર્યું છે. જોકે, ગોતાલાવાડી, આંજણા સહિતના ટેનામેન્ટના કામોમાં અડચણો આવી છે. જેના ઉકેલ હજી શોધી કઢાયો નથી.
ઉલ્લેખનીય છે કે, એલઆઈજી આવસની રકમ રૂ.8 લાખ અને ઈડબલ્યુએસ આવાસની રકમ સાડા ચાર લાખ રૂપિયા જેટલી જ લેવાય છે અને તેમાં લોન થકી નાણાં ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવાય છે. મકાનની કિંમત મુજબ એકથી અઢીલાખ સુધીની સબસિડી પણ લાભાર્થીને અપાય છે. (જોકે, હજી ઘણાં લોકોને સબસિડી ન મળી હોવાની બૂમ છે.)