• Sat. Mar 23rd, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

હીરા ઉદ્યોગ બે દિવસ બંધ, યુનિયને વિરોધ કર્યો તો ચેમ્બરે વેક્સિન માંગી

સુરતમાં કોરોના કેસોના હનુમાન ભૂસ્કા બાદ વહીવટી તંત્રે શનિ-રવિ તમામ હોટલ-મોલ-મલ્ટીપ્લેક્સ, થિયેટર અને ખાણીપીણીના બજારો બંધ કરવાનો નિર્ણય લીધો છે. સાથોસાથ કરફ્યુ રાત્રિ નવ વાગ્યાથી લાગુ કર્યો છે જોકે, ખાણીપીણીની રેકડીઓને સાત વાગ્યાથી બંધ કરાવી રહ્યાં છે. તેવામાં આજે શનિ રવિ બે દિવસ સંપૂર્ણ ટેક્સટાઈલ માર્કેટ અને રવિ સોમ ડાયમંડ ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેનો વિરોધ ડાયમંડ વર્કર યુનિયને કર્યો છે જ્યારે ચેમ્બર ઓફ કોમર્સે ડાયમંડ ઉદ્યોગ સહિતના કર્મચારીઓ માટે કોરોના વેક્સિનની માંગ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન પાસે કરી છે.

ડાયમંડ વર્કર યુનિયનનું શું કહેવું છે?

‘‘ છેલ્લા ઘણા સમય થી હીરાઉધોગ મા રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે અને બેરોજગારી તથા આર્થિકતંગી સહિત ની અનેક સમસ્યાઓ થી પીડાય રહ્યા છે ત્યારે રત્નકલાકારો ની સમસ્યાઓ ઉકેલવા ના બદલે હીરાઉધોગ બંધ કરી ને આપણે એમના પેટ ઉપર પાટુ મારી રહ્યા છીએ. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ના કારણે જ્યારે સરકારે લોકડાઉન ની જાહેરાત કરી હતી ત્યારે મોટા ઉપાડે એવી પણ જાહેરાત કરી હતી કે દરેક કંપની એ કામદારો ને લોકડાઉન નો પગાર ચૂકવવો પડશે પરંતુ સરકાર પોતે એ પરિપત્ર નો અમલ કરાવવા મા નિષ્ફળ રહી હતી જેના કારણે આજદિન સુધી હીરાઉધોગ ના રત્નકલાકારો ને લોકડાઉન નો પગાર ચૂકવાયો નથી, જેના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકડામણ મા ફસાય ગયા છે ત્યારે હીરાઉધોગ ને બંધ રાખી ને રત્નકલાકારો ની બરબાદી મા આપણે વધારો ના કરવો જોઈએ. કેમ કે લોકડાઉન દરમિયાન પગાર ના મળવા ને કારણે અસંખ્ય રત્નકલાકારો એ બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા ના બનાવો બન્યા છે તેમ છતાં સરકારે રત્નકલાકારો ની સમસ્યાઓ ઉકેલવા ને બદલે સમસ્યા ઓ વધારવા નું કામ કર્યું છે તે વખોડવા ને પાત્ર છે. રાજકીય નેતાઓ ના પાપ ની સજા રત્નકલાકારો સુ કામ ભોગવે થોડા સમય પહેલા નેતા ઓ એ ખૂબ રેલી રેલા સરઘસ અને સભા ઓ કરી ત્યારે નીતિ નિયમો અને કાયદા કાનૂન અને કમિશનર સાહેબ બધા કયા હતા અને શું કરતા હતા ?? હીરાઉધોગ ના રત્નકલાકારો ને લોકડાઉન નો પગાર ચૂકવાયો નથી જેના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકટ મા મુકાય ગયા છે અને સરકાર ને અનેક રજૂઆતો કરવા છતાં પણ રત્નકલાકારો ને સરકારે કોઈ જ આર્થિક મદદ જાહેર કરી નથી ત્યારે હવે ફરી હીરાઉધોગ બંધ રાખવા ના નિર્ણય મા ઉધોગકારો અને તંત્ર ફેર વિચારણા કરે અને હીરાઉધોગ ને બંધ રાખવા ને બદલે સાવચેતી અને તકેદારી સાથે ચાલુ રાખવા મા આવે અથવા જો હીરાઉધોગ ને બંધ રાખવો હોઈ તો બે દિવસ નો પગાર રત્નકલાકારો ને આપવામા આવે એવો નિર્ણય લેવા અમારી નમ્ર વિનંતી છે. દર વખતે ની જેમ જ એસ.એમ.સી.કમિશનર સાહેબશ્રી એ ઘર ના ભુવા અને ઘર ના ડાકલા જેવો ઘાટ કરી ઉધોગપતિઓ સાથે મિટિંગ કરી નિર્ણયો જાહેર કર્યા છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ કેમ કે હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો ના પ્રતિનિધિ ઓ ને અંધારા મા રાખી દર વખતે આવી જ રીતે રત્નકલાકારો ની રોજીરોટી ઉપર પાટુ મારવા મા આવે છે એ બાબત નો પણ અમે વિરોધ કરીએ છીએ. ’’

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેક્સિન માંગવામાં આવી

ચેમ્બર દ્વારા આરોગ્ય મંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં ટેકસટાઇલ, ડાયમંડ, કેમિકલ, રિયલ એસ્ટેટ, એકવાકલ્ચર વિગેરે ક્ષેત્રના ઔદ્યોગિક એકમોમાં આશરે રર લાખથી વધુ કારીગરો સંકળાયેલા છે. જેમાંથી મોટા ભાગના કારીગરો ગુજરાત રાજ્યની બહારથી આવીને સુરતમાં તથા સુરત ફરતે આસપાસના વિસ્તારોમાં વસવાટ કરે છે અને ઔદ્યોગિક એકમોમાં કામ કરે છે. સુરતમાં છેલ્લાં કેટલાક દિવસથી કોવિડ– ૧૯ના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે ત્યારે કારીગરો તથા તેમના પરિવારજનોની આરોગ્યની સંભાળ રાખવાની જવાબદારી ઉદ્યોગકારો તથા સરકારની બની રહે છે. આથી ચેમ્બર દ્વારા આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધનને એવી રજૂઆત કરાઇ છે કે, ટેકસટાઇલ અને ડાયમંડ સહિતના વિવિધ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો કે જેમાં ખાસ કરીને જેઓ ૪પ થી ૬૦ની વયની અંદર આવતા હોય તેઓને તાત્કાલિક ધોરણે કોવિડ– ૧૯ની વેકસીન આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. ચેમ્બર દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રીને ઉદ્યોગકારો તેમજ વેપારીઓને પણ કોવિડ– ૧૯ની વેકસીન આપવા માટે પ્રાથમિકતા આપવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. હાલમાં સુરતમાં જે રીતે કોવિડ– ૧૯ના દર્દીઓ વધી રહયાં છે તેને ધ્યાનમાં લઇ સુરત મહાનગરપાલિકા દ્વારા રાત્રે ૯:૦૦થી સવારે ૬:૦૦ કલાક દરમ્યાન રાત્રિ કફર્યુ લાગુ કરવામાં આવ્યો છે. આથી જો ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કારીગરોને તાત્કાલિક અસરથી કોરોનાની રસી આપવામાં આવશે તો કોવિડ– ૧૯ની ઇન્ફેકશનની ચેઇન જે હાલમાં વધી રહી છે તેને અટકાવી શકાશે અને કારીગરોનું આરોગ્ય પણ સચવાઇ જશે. અત્રે નોંધનીય છે કે, કોરોનાને કારણે લોકડાઉનમાં ઉદ્યોગ – ધંધા પૂર્ણપણે ઠપ્પ થઇ ગયા હતા અને મોટા ભાગના લોકોની રોજગારી પણ છીનવાઇ ગઇ હતી ત્યારે માંડ માંડ ફરીથી ઉદ્યોગ – ધંધા બેઠા થયા છે. એવા સંજોગોમાં ટેકસટાઇલ અને ડાયમંડ સહિતના વિવિધ ઉદ્યોગ – ધંધા ઉપર ફરીથી કોરોનાની વિપરીત અસર ન પડે અને કારીગરોનું આરોગ્ય પણ સારી રીતે જળવાઇ રહે તે માટે ચેમ્બર દ્વારા કારીગરોને તાત્કાલિક ધોરણે કોવિડ– ૧૯ની વેકસીન આપવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને ઉપરોકત રજૂઆત કરવામાં આવી છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »