સ્વામીજીના આદેશને માથે ચડાવીને કેતન અજાણ્યા માર્ગ ઉપર ચાલી તો નીકળ્યો પરંતુ આગળની કોઈ દિશા એને સૂઝતી ન હતી.
‘ જામનગરમાં રહેવાની વ્યવસ્થા તો થઈ ગઈ છે પરંતુ ત્યાં જઈને હું કરીશ શું ? માની લો કે પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ કોઈ પ્રવૃત્તિ વિના સમય કેવી રીતે પસાર થશે ? ત્યાં નથી કોઈ સગાં વ્હાલાં કે નથી કોઈ મિત્ર ! નવી દુનિયા મારે જ વસાવવાની છે. કરોડો રૂપિયા લોકોના કલ્યાણ માટે વાપરવાના છે પરંતુ એનો કોઈ જ નકશો મારી પાસે નથી.’
‘ ચાલો.. પડશે એવા દેવાશે. જે દિવ્યશક્તિએ સ્વામીજીની અચાનક મુલાકાત કરાવરાવી એ જ આગળ ઉપર મારું ધ્યાન રાખશે ‘ — કેતનના મનમાં વિચારોનાં વમળો ચાલુ જ હતાં.
સ્વામીજી સાથેની વાતચીત પછી એણે સુરત આવીને પપ્પા સાથે દાદા અંગે થોડીક વાતચીત પણ કરી હતી. ડાયમંડના ધંધા અંગે જાણે માહિતી મેળવતો હોય એ રીતે એણે થોડો ઈતિહાસ પૂછ્યો હતો જેથી પપ્પાને બીજી કોઈ શંકા ના જાય.
” પપ્પા તમે તો કહેતા હતા કે ભાયાવદર થી આવીને દાદાએ આંગડિયા પેઢી ચાલુ કરી હતી તો પછી અચાનક આટલો મોટો ડાયમંડનો બિઝનેસ કેવી રીતે ઊભો કર્યો ? ” એક દિવસ ઓફિસમાં સાંજના સમયે કેતને પપ્પાને સવાલ કરેલો.
” તારા દાદા તો બહુ જ સાહસિક હતા. એ નવરા બેસે એવા ન હતા. એમણે તો એક ટેક્સટાઇલ મિલમાં પણ થોડો સમય ભાગીદારી કરેલી. એક બિલ્ડર સાથે કન્સ્ટ્રક્શનના ધંધામાં પણ હાથ અજમાવેલો. અમે તો બધા નાના હતા ત્યારે. ” જગદીશભાઈ ભૂતકાળમાં સરી ગયા.
” પપ્પા એવું કહેતા હતા કે એમણે એક બહુ મોટો સટ્ટો કર્યો હતો અને એમાં ખૂબ જ રૂપિયા એ કમાયા હતા. અને એ પછી એમને ડાયમંડના ધંધાનો વિચાર આવ્યો હતો. હું જેવો ગ્રેજ્યુએટ થઈ ગયો કે તરત જ એમણે મને રફ ડાયમંડની ટ્રેનિંગ માટે એન્ટવર્પ મોકલી દીધો. “
” અફસોસ માત્ર એટલો જ રહ્યો કે પપ્પાને સટ્ટા માં કરોડો રૂપિયા તો મળ્યા પણ મોટાભાઈ એ સુખ ભોગવવા ના રહ્યા. કાર લઈને તે મુંબઇ જતા હતા અને રસ્તામાં જ એમને અકસ્માત થયો. “
” પપ્પા ખૂબ જ બાહોશ હતા. ડાયમંડ માર્કેટમાં તેમના સંબંધો પણ બહુ સારા હતા. જોતજોતામાં તો એમણે આપણી પેઢીને બહુ મોટું નામ આપ્યું. કાચા માલનું તમામ કામકાજ હું સંભાળતો હતો જ્યારે પોલિશડ હીરાનો વહીવટ પપ્પા સંભાળતા હતા. “
” એન્ટવર્પથી આવ્યા પછી બે વર્ષમાં મારાં લગ્ન પણ થઇ ગયાં. એ પછી પપ્પાની તબિયત નરમ ગરમ રહેતી હતી એટલે સંપૂર્ણ ધંધો મેં સંભાળ્યો. આંગડિયા પેઢી એક વિશ્વાસુ માણસ ને સોંપી દીધી. બીજા એક-બે ધંધા કે જેમાં પપ્પાનું રોકાણ હતું એ તમામ પૈસા પાછા ખેંચી લીધા. મેં માત્ર ડાયમંડના બિઝનેસ ઉપર ધ્યાન આપ્યું. “
” મારા લગ્નના દોઢ વર્ષ પછી પપ્પાનું એક રાત્રે હાર્ટ એટેકથી અચાનક અવસાન થઈ ગયું. એ વખતે સિદ્ધાર્થ નો જન્મ થઈ ગયેલો. પપ્પા ના અવસાનના બે વર્ષ પછી તારો જન્મ થયો. તું નાનો હતો ત્યારે મારી સાથે રોજ પેઢી ઉપર આવવાની જિદ કરતો. ક્યારેક તને લઈ જતો તો ક્યારેક તારી મમ્મી તને ચોકલેટ આપીને સમજાવી લેતી. ” કહીને જગદીશભાઈ હસી પડ્યા.
પપ્પા સાથેની આખીય વાતમાં કોઈના ખૂન અંગેનો કોઈ જ ઉલ્લેખ ન હતો. સ્વામીજી કદી પણ ખોટું ના બોલે. પપ્પા નાના હતા ત્યારે કંઇકતો બન્યું જ હશે પરંતુ એ બાબતની પપ્પાને કદાચ જાણ ના પણ હોય ! જે હશે તે … મારે તો હવે પ્રાયશ્ચિત જ કરવાનું છે !! — કેતન વિચારી રહ્યો.
રાતનો દોઢ વાગી ગયો હતો અને હવે આંખો પણ ઘેરાતી હતી એટલે કેતને સૂવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પાંચ-દસ મિનિટમાં જ એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.
સવારે થોડી ચહલપહલ જોઈને એણે બારી ની બહાર જોયું તો સુરેન્દ્રનગર સ્ટેશન આવ્યું હતું. સવારના 7.30 વાગી ગયા હતા એટલે એણે ચા મંગાવી. બ્રશ કર્યા વગર જ એણે ચા પી લીધી. વહેલા ઉઠવાનો કોઈ મતલબ નહોતો એટલે એ ફરી પાછો સુઈ ગયો. એ.સી.ની ઠંડી માં બાજુની બર્થવાળા બધા માથે ધાબળો ઓઢીને સૂતા હતા.
સવારે 10 વાગ્યે રાજકોટ સ્ટેશન આવ્યું. જો કે એ પહેલાં બ્રશ વગેરે રૂટિન કાર્યક્રમ પતાવીને એ ફ્રેશ થઈ ગયો હતો.
એ નીચે ઊતર્યો. ભૂખ તો લાગી હતી અને મમ્મીએ સારો એવો નાસ્તો પણ બોક્સમાં પેક કર્યો હતો પરંતુ અત્યારે એને કંઈક ગરમ ખાવાની ઈચ્છા હતી.
એક સ્ટોલ ઉપર ગરમાગરમ પુરી અને બટેટાની સુકી ભાજી મળતાં હતાં. એણે સ્ટોલ ઉપર જઈને નાસ્તો કરી લીધો. ઉપર ચા પણ પી લીધી. હજુ બપોરે બાર વાગે જામનગર આવવાનું હતું.
એણે એક બુક સ્ટોલ ઉપરથી મેગેઝીન લઈ લીધું. ટ્રેઈન ઉપડવાને હજુ દસ પંદર મિનિટ બાકી હતી એટલે એ પ્લેટફોર્મનું આખું ચક્કર લગાવી આવ્યો. એ બહાને સવારનું વોકિંગ થઈ ગયું.
બરાબર બારને પાંચ મિનિટે ટ્રેઈન જામનગર રેલ્વે સ્ટેશને પહોંચી ગઈ. એક વિચાર તો એવો પણ આવ્યો કે ટ્રેઈન છેક દ્વારકા સુધી જતી હતી તો દ્વારકાધીશનાં દર્શન પણ કરી લેવાં પરંતુ સામાન સાથે હતો એટલે એ વિચાર પડતો મૂકયો.
ટ્રેઈન ઉભી રહી એટલે કેતન નીચે ઉતર્યો. એસી કોચના દરવાજા પાસે જ મનસુખ માલવિયા કુલી સાથે હાજર હતો. કેતને અનુમાન કરી લીધુ કે આ જ માલવિયા હોવો જોઈએ. તેમ છતાં એણે નીચે ઉતરીને પૂછી લીધું.
” તમે મનસુખભાઈ ? “
” હા જી સાહેબ… તમે કેતનભાઇ ને ?”
” હા.. જલ્દી મારી સાથે અંદર આવી જાવ. તમને સામાન બતાવી દઉં.”
અને માલવિયા કુલીને લઈને કેતનની સાથે કોચની અંદર ગયો. તમામ દાગીના ઉતારી લીધા. કુલીએ તમામ બેગો અને બોકસ ઊંચકી લીધાં.
” ચાલો સાહેબ બહાર ગાડી પડી છે” અને માલવિયા ની સાથે કેતન પણ સ્ટેશનની બહાર આવ્યો. થોડેક દૂર મારુતિ વાન પાર્ક કરેલી હતી. માલવિયાએ તમામ સામાન વાનમાં મૂકી દીધો. કુલી ને પૈસા ચૂકવી દીધા અને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયો.
” આવી જાઓ સાહેબ. ” માલવિયા બોલ્યો.
કેતન મારુતિવાનમાં આગળની સીટ ઉપર ગોઠવાઈ ગયો.
” હવે સીધા ઘરે જ લઈ લઉં ને ? પટેલ કોલોની માં તમારું મકાન રાખ્યું છે. ” માલવિયા એ ગાડી સ્ટાર્ટ કરતાં પૂછ્યું.
” ના પહેલાં પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટની કચેરીએ લઇ લો. ” અચાનક જ કેતનને મનમાં એક વિચાર આવ્યો
” પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટની ઓફિસે લઈ લઉં ?” માલવિયાએ આશ્ચર્યથી પૂછ્યું.
” હા તમે બરાબર સાંભળ્યું છે !!” કેતને સહેજ હસીને કહ્યું.
પપ્પાના ખાસ મિત્ર આશિષ અંકલ અહીંયા પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ હતા. ઘર જેવા સંબંધો હતા. સૌથી પહેલાં અંકલને મળીને જ ઘરે જાઉં એવો વિચાર આવતાં જ એણે આ સૂચના આપી હતી.
પોલીસ સુપ્રિટેન્ડન્ટની ઓફિસ આવી એટલે માલવિયાએ ગાડીને કમ્પાઉન્ડમાં લીધી અને સાઈડમાં પાર્ક કરી.
કેતન વાનમાંથી ઉતરી ને સીધો સુપ્રિન્ટેન્ડેન્ટની ચેમ્બર માં પહોંચી ગયો . ચેમ્બરની બહાર ઓર્ડરલી ઉભો હતો એના હાથમાં પોતાનું કાર્ડ આપ્યું.
બે જ મિનિટમાં ઓર્ડરલી બહાર આવ્યો અને કેતનને અંદર જવા કહ્યું.
” અરે આવ આવ કેતન…. તારી પાસે મારો નંબર તો હતો જ… મને ફોન કર્યો હોત તો ગાડી સ્ટેશન ઉપર મોકલત ને ? મને ગઈકાલે રાત્રે જ જગદીશભાઈએ ફોન કરેલો ” અને આશિષભાઈ એ કેતનને બેસવાનું કહ્યું.
” બોલ શું મંગાવું ? જમવાનો પણ ટાઈમ થઇ ગયો છે. ઘરનું જમવું હોય તો ઘરે ફોન કરી દઉં અને હોટલનું જમવું હોય તો ટિફીન મંગાવી દઉં. “
” ના અંકલ.. ટિફિન ના મંગાવશો. મને અહીંની કોઈ સારી હોટલનું એડ્રેસ આપી દો. મારા એક સંબંધીની ગાડીમાં આવ્યો છું એટલે જમવા માટે સીધો હોટલ ઉપર જઈશ. ફરી ક્યારેક તમારી સાથે જમીશ. મેં પટેલ કોલોનીમાં મકાન ભાડે રાખ્યું છે. ” કેતન બોલ્યો.
સુપ્રિન્ટેન્ડેન્ટે બેલ મારીને ઓર્ડરલીને બોલાવ્યો અને ઇન્સ્પેક્ટર જાડેજાને મોકલવા કહ્યું. જાડેજા અંદર આવી સલામ મારીને ઉભા રહ્યા. ” સર “
” અરે જાડેજા… અહીંયા સારામાં સારો ડાઇનિંગ હોલ કયો ? મારા આ મહેમાન સુરતથી આવ્યા છે એમને જમાડવા છે.” સુપ્રિટેન્ડેન્ટે જાડેજાને પૂછ્યું.
” સર હું કોન્સ્ટેબલને એમની સાથે મોકલીને જમાડી દઉં.” જાડેજા એ આદરપૂર્વક કહ્યું.
” એ ગાડી લઈને આવ્યા છે. તમે એક કામ કરો. તમે એમની સાથે જાઓ. એમના કોઈ સંબંધી સ્ટેશન ઉપર એમને લેવા ગયેલા એ બહાર જ ઉભા હશે. તમે એમને હોટલનું નામ કહી દો અને સૂચના પણ આપી દો કે સુપ્રિટેન્ડેન્ટ સાહેબના અંગત મહેમાન છે સારી રીતે જમાડે. ” પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટે સૂચના આપી.
” સર ” ફરી જાડેજાએ સલામ ભરી અને બહાર નીકળ્યા. કેતન પણ આશિષ અંકલને નમસ્કાર કરી ઇન્સ્પેક્ટરની સાથે બહાર નીકળ્યો.
કેતન એમને માલવિયા ની વાન પાસે લઈ ગયો. માલવિયા વાનની પાસે બહાર જ ઉભો હતો.
” શું નામ તમારું ? ” ઇન્સ્પેક્ટર જાડેજાએ માલવિયાને પૂછ્યું.
” જી મનસુખ માલવિયા ” માલવિયાએ બે હાથ જોડીને કહ્યું. એ થોડો ગભરાઈ ગયો હતો.
” તમે લાલ બંગલા સામે ગ્રાન્ડ ચેતના ડાઇનિંગ હોલ જોયો છે ? ” ઇન્સ્પેક્ટરે પૂછ્યું.
” જી સાહેબ “
” તમે આ સાહેબને ત્યાં જમવા લઈ જાઓ. ત્યાં કાઉન્ટર ઉપર કહી દેજો કે પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબના ખાસ મહેમાન છે. એમને પ્રેમથી જમાડે. કહેજો જાડેજા સાહેબે કહ્યું છે. “
” જી… સાહેબ ” માલવિયાએ કહ્યું અને વાનમાં બેસી ગયો. એસ્ટેટ બ્રોકરે માલવિયાને પાંચ હજાર આપેલા એટલે માલવિયાને એમ હતું કે કેતન સાવલિયા સુરતની કોઈ માલદાર પાર્ટી હશે. પરંતુ આ તો કોઈ વીઆઈપી સાહેબ લાગે છે. એ હવે કેતનને માનની નજરે જોવા લાગ્યો.
હોટલ આવી ગઈ એટલે કેતને માલવિયાને પણ જમી લેવાનો આગ્રહ કર્યો પરંતુ પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટના મહેમાન સાથે જમવાનું માલવિયાને યોગ્ય ન લાગ્યું.
ગ્રાન્ડ ચેતના હોટલ પ્રમાણમાં ઘણી સારી હતી. ફૂડ પણ ખુબ સરસ હતું. અસલ કાઠીયાવાડી ટેસ્ટ હતો. સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબ ના મહેમાન હતા એટલે એક પીરસણીયો કેતનની બાજુમાં ઊભો રહીને કેતન નું સતત ધ્યાન રાખતો હતો. જમવામાં પણ વીઆઇપી ટ્રીટમેન્ટ અપાતી હતી.
જમી લીધા પછી કાઉન્ટર ઉપર જઈને કેતને વોલેટ કાઢ્યું પરંતુ માલવિયાએ અગાઉથી જ જાડેજા સાહેબનો હુકમ બજાવી દીધો હતો એટલે કાઉન્ટર ઉપર બેઠેલા માણસે પૈસા તો ના લીધા પણ ઉપરથી ઉભા થઈને બે હાથ જોડ્યા.
” સાહેબ જમવાનું કેવું લાગ્યું ? કોઈ તકલીફ પડી હોય તો માફ કરશો “
” જમવાનું ખરેખર ખૂબ જ સારું હતું ભાઈ અને તમે તો મારું બહુ ધ્યાન રાખ્યું.” કેતને પણ સામે હાથ જોડીને વિવેક કર્યો.
બંને જણા હોટલમાંથી બહાર આવીને ફરી વાનમાં ગોઠવાઈ ગયા.
જામનગરમાં ભવિષ્ય કેવું હશે એ તો ખબર નથી પરંતુ શરૂઆત તો સારી થઈ હતી — કેતન વિચારી રહ્યો.
ક્રમશઃ
લેખક : અશ્વિન રાવલ