પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 4

પટેલ કોલોની શેરી નંબર ૪ માં મારુતિ વાને પ્રવેશ કર્યો અને જે મકાન ભાડે રાખ્યું હતું એની આગળ જઈને માલવિયાએ વાનને ઉભી રાખી. નીચે ઊતરીને એણે દરવાજો ખોલ્યો. ડેલીબંધ મકાન હતું. એસ્ટેટ બ્રોકરે બંગલો શબ્દ વાપર્યો હતો પરંતુ ખરેખર આ કોઈ બંગલો ન હતો પરંતુ એક વિશાળ ટેનામેન્ટ હતું !!

મોટુ એવું કમ્પાઉન્ડ હતું જેમાં ગ્રે કલરના પોલીશ પથ્થર જડેલા હતા. એક નાનો તુલસીક્યારો હતો અને આસોપાલવ નું એક ઝાડ પણ હતું. મકાન ગઈકાલે જ સાફ કરાવ્યું હતું એટલે એકદમ સ્વચ્છ હતું. અંદરથી પણ મકાન ખૂબ વિશાળ હતું.

મોટો ડ્રોઈંગ રૂમ, એક બેડરૂમ અને કિચન હતું. ગેસનો બાટલો અને સ્ટવ પણ તૈયાર જ હતાં.  બહારના ભાગે ધાબામાં જવાની સીડી હતી. પાછળના ભાગે વાસણ ધોવાની ચોકડી હતી અને બાથરૂમ ટોયલેટ હતાં. ૨૪ કલાક પાણીની સગવડ હતી.  કેતનને એકલાને રહેવા માટે આટલી જગ્યા ઘણી હતી.

મકાનમાં તમામ ફર્નિચર કરાવેલું હતું. સોફા પણ નવા જેવા હતા. બેડ રૂમમાં ડબલબેડ પણ વ્યવસ્થિત હતો અને એક કબાટ પણ હતું. બેડરૂમમાં એ.સી. પણ ફીટ કરાવેલ હતું એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ હતો કેતન માટે !  કિચનમાં ફ્રીઝ પણ હતું અને જરૂરી વાસણો, કપ રકાબી વગેરે પણ  વ્યવસ્થિત ગોઠવેલાં હતાં.

” મકાન તો સરસ છે મનસુખભાઈ. હવે તમે આ બધી બેગો ખોલી તમામ વસ્તુઓ તમારી રીતે ગોઠવી દો. નાસ્તાનું આ બોક્સ છે તે કિચન માં રાખો. “

” એમાં તમારે મને કંઈ પણ કહેવું નહીં પડે સાહેબ.  તમે આરામ કરો ” માલવિયાએ કહ્યું અને એણે પોતાનું કામ ચાલુ કર્યું.

માલવિયા સામાન ગોઠવે ત્યાં સુધી કેતને સુરત પપ્પાને ફોન લગાવ્યો.

” પપ્પા સહી સલામત જામનગર પહોંચી ગયો છું અને આવતાંવેંત જ આશિષ અંકલને પણ મળી આવ્યો છું. મકાન પણ ખુબ જ સરસ છે. તમે કોઈપણ જાતની મારી ચિંતા કરશો નહીં. ધીમે ધીમે બધી જ વ્યવસ્થા થઈ જશે. “

અને આ રીતે મમ્મી સાથે પણ વાત કરી અને ભાઈ ભાભી સાથે પણ.

૨૦ ૨૫ મિનિટમાં તો માલવિયાએ તમામ સામાન ગોઠવી દીધો. બ્રશ, ટૂથ પેસ્ટ,  દાઢીનો સામાન, સાબુ વગેરે બાથરૂમમાં ગોઠવી દીધાં. તમામ કપડાં કબાટમાં ગોઠવ્યાં.

” તમે શું કામ કરો છો મનસુખભાઈ ?” કેતને માલવિયાને પૂછ્યું.

” ખાસ કંઈ નહીં સાહેબ. એસ્ટેટ બ્રોકર જયેશભાઈ નો આસિસ્ટન્ટ છું. કોઈને મકાન બતાવવાનું હોય તો ચાવી લઈને બતાવી આવવાનું.  થોડું-ઘણું ઈલેક્ટ્રીક ફીટીંગ નું કામકાજ જાણું છું. એટલે કોઈ નવી સ્કીમમાં લાઈટ ફીટીંગનું કામ હોય તો ઈલેક્ટ્રીક  કોન્ટ્રાક્ટર મને બોલાવી લે. ઘરના ખર્ચા નીકળે સાહેબ.” માલવિયાએ પોતાનો પરિચય આપ્યો.

” આ ગાડી પણ જયેશભાઈની છે. ક્યાંય જવા આવવાનું હોય તો ગાડી પણ મારે જ ચલાવવાની.  સબ બંદર કા વેપારી !”

” હવે તમે મારું પણ એક કામ કરો.”

“હુકમ કરો સાહેબ. ” માલવિયાએ પોરસાઈને કહ્યું. સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબના મહેમાન છે એ સાંભળ્યું ત્યારથી માલવિયા કેતન માટે અહોભાવ ધરાવતો થઈ ગયો હતો.

” મારે અહીંયા કદાચ લાંબુ રોકાણ કરવું પડશે. મને કોઈ રસોઈ આવડતી નથી. અને રોજ હોટલનું જમવાનું શરીરને માફક ના આવે. તમે કોઈ સરસ રસોઈ કરવાવાળી બાઈ શોધી કાઢો. પૈસાની ચિંતા ના કરો. તમારા જામનગરમાં જે ભાવ ચાલતા હશે એનાથી બમણા આપીશ. પણ બે ટાઈમ આવીને અપ ટુ ડેટ રસોઈ બનાવી દે એવી વ્યક્તિ મારે જોઈએ. ” કેતન બોલ્યો.

” અને એક કામવાળી બાઈ પણ મારે જોઈએ જે બે ટાઈમ આવીને કપડાં વાસણ અને ઘરની સાફ સફાઈ કરી જાય. “

” જી સાહેબ. બે દિવસમાં તમારું કામ થઈ જશે. ” માલવિયાએ કહ્યું.

” તમે હમણાં જયેશભાઇને કહીને બે-ત્રણ દિવસ માટે રજા લઇ લો. મારે જામનગર વિશે બધું જ જાણવું છે. જામનગરના તમામ એરિયાનો મને પરિચય કરાવો. શહેરના બધા રસ્તા હું સમજી લઉં પછી એક નવી ગાડી હું છોડાવી લઈશ. ” કેતને કહ્યું અને પોતાની લેપટોપ બેગમાંથી એક પાઉચ કાઢી ૫૦૦૦ રૂપિયા માલવિયાના હાથમાં મૂક્યા.

” ત્રણ દિવસ સુધી તમે જે સેવાઓ મારા માટે આપશો એના માટે આ રકમ તમે રાખો. ”  કેતને કહ્યું.

માલવિયા તો કેતનની ઉદારતા જોઈ જ રહ્યો.  કારણકે જયેશભાઈના ત્યાં આખો મહિનો નોકરી કર્યા પછી એને માંડ પંદર હજાર મળતા હતા !!   જ્યારે આ શેઠને સ્ટેશને લેવા જવાના અને ઘર સુધી મૂકી આવવાના જ  ૫૦૦૦ આજે સવારે જયેશભાઈ એ આપ્યા હતા. હવે  ત્રણ દિવસ એમને શહેરમાં ફેરવવાના બીજા ૫૦૦૦  !!

મનસુખ માલવિયા માટે આ રકમ ઘણી મોટી હતી. અંદરથી એની ખુશીનો કોઈ પાર ન હતો.

” ભલે શેઠ કાલથી તમારી સેવામાં હું હાજર છું. હમણાં તમે આરામ કરો.  સાંજે સાત વાગ્યે હું આવી જઈશ. હમણાં એક બે દિવસ તો બહાર જ જમવું પડશે.  તમે જો કહેતા હો તો સાંજે તમને જે ભાવે તે ઘરેથી બનાવીને ટિફિન લેતો આવું.”

” ના તમે તકલીફ રહેવા દો.  હમણાં બે દિવસ હું બહાર જ જમી લઈશ. ” કેતને કહ્યું.

માલવિયા વાન લઈને રવાના થયો અને કેતને બેડરૂમમાં જઈને એ.સી.  ચાલુ કર્યું અને બેડ ઉપર લંબાવ્યું. મુસાફરીનો થાક પણ લાગ્યો હતો એટલે થોડીવારમાં જ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ .

મનસુખ માલવિયા આજે ખૂબ જ ખુશ હતો. આખા મહિનાનો પગાર આજે એને એક દિવસમાં મળી ગયો હતો અને શહેરના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબ ના મહેમાનનો એને પરિચય થયો હતો.

કેતનની પર્સનાલિટી પણ કોઈ ઉચ્ચ અધિકારી જેવી હતી !! છ ફૂટ હાઇટ અને કસરતી શરીર હતું.  વાન પણ ગોરો હતો. મનસુખ એનાથી અંજાઈ ગયો હતો !! 

એ સીધો પોતાના ઘરે ગયો. એ પણ પટેલકોલોની માં બાજુની શેરીમાં રહેતો હતો. ઘરે જઈને ૧૦૦૦૦ એણે એની પત્ની લતાના હાથમાં આપ્યા. આજે પહેલી તારીખ ન હતી છતાં આટલી મોટી રકમ !! લતા આશ્ચર્યથી મનસુખ સામે જોઈ રહી.

” લતા… આજે તો લોટરી લાગી ગઈ. સુરતથી એક મોટી પાર્ટી થોડા દિવસ માટે જામનગરમાં રહેવા આવી છે.  શેઠ ખૂબ જ દિલાવર છે. એમણે તો સ્ટેશનથી ગાડી સીધી પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસમાં જ લેવડાવી અને  ભાયડો પહોંચી ગયો સીધો પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટની ચેમ્બરમાં !! “

” પહેલાં તો હું  ડરી જ ગયેલો. મને એમ થયું કે મારાથી કોઈ ભૂલ તો નથી થઈને !! થોડીવારમાં તો પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ પોતે એમને  મુકવા આવ્યા અને મારી સાથે વાત કરી બોલ !! મને કહે કે એમને ગ્રાન્ડ ચેતનામાં જમાડી દો. કહેજો કે સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબના મહેમાન છે. શું વટ છે શેઠ નો !! “

” મારે એમને ત્રણ દિવસ આખું જામનગર ફેરવવાના છે. પહેલીવાર આ શહેરમાં આવ્યા છે. તમામ એરીયા બતાવવાના છે. અને હું શું કહું છું ?  તારા ધ્યાનમાં કોઈ સરસ રસોઇ કરવાવાળી બાઈ ખરી ? પૈસા તો શેઠ મોં માગ્યા આપશે !! રસોઈ મસ્ત થવી જોઈએ. આ તારો વિષય છે એટલે મેં તને પૂછ્યું. “

” હા છે ને !! બે બાઈયું  ને હું ઓળખું છું. પણ સરસ રસોઈ એમને જમવી હોય તો દક્ષાબેનને જ કહેવું પડે . એ જાત જાતની વેરાઈટી પણ બનાવી જાણે છે. ફરસાણમાં પણ તેમની માસ્ટરી છે . દક્ષાબેન જ ઠીક રહેશે. ” લતાએ અભિપ્રાય આપ્યો.

” તો તું એક કામ કર. આજે સાંજે જ દક્ષાબેનને તું મળી લેજે. પૈસાની કોઈ ચિંતા નથી. એમને કહી દેજે કે  કોઈનું પણ કામ બંધાવેલું હોય તો એ છોડી દે. એ જે માગે એનાથી પણ વધારે પૈસા એમને મળશે. આવો ચાન્સ ફરી નહીં મળે.  “

” અને કામવાળી બાઈ માટે તો મને લાગે છે કે ચંપાબેન ને જ વાત કરીએ. તેમનું કામ પણ ચોખ્ખું. દિલ દઈને કામ કરે. મોટી રકમ શેઠ આપશે તો એમને પણ ટેકો રહેશે. બે દિવસમાં જ  આ કામ તું ગમે તે હિસાબે પતાવી દે.  ” મનસુખ બોલ્યો.

૩૬ વર્ષનો મનસુખ જામનગરનો જ વતની હતો. બારમા ધોરણ સુધી ભણ્યો હતો પણ પછી કોઈના હાથ નીચે ઈલેક્ટ્રીક વાયરીંગ અને ફીટીંગ નું કામ શીખ્યો હતો. માણસ દિલ નો ચોખ્ખો હતો અને ખૂબ મહેનતુ પણ હતો. ગમે તેવું કામ સોંપો પણ મનસુખ પાર પાડી આવે ! એની આવડત અને સારા સ્વભાવના કારણે જયેશભાઈએ રિયલ એસ્ટેટના પોતાના બિઝનેસમાં એને નોકરી આપી હતી. એ ડ્રાઈવર પણ હતો અને નોકર જેવો પણ હતો.

મનસુખ સાંજે છ વાગે ૩ દિવસની રજા લેવા માટે જયેશ શેઠને મળવા ગયો. અહીંયાં માલિકને શેઠ કહેવાનો રિવાજ હતો.

” અરે શેઠ  તમે આ સુરતથી આવેલા સાહેબને  કેવી રીતે ઓળખો ? ” મનસુખે જયેશભાઇ ને પૂછ્યું. 

” કેમ શું થયું ? હું એમને ઓળખતો નથી. આ તો સુરતથી કોઈ સિદ્ધાર્થભાઈનો મારા ઉપર ફોન આવેલો. એમને ગૂગલ ઉપર સર્ચ કરતાં રિયલ એસ્ટેટ એજન્ટમાં મારું નામ મળ્યું હશે એટલે ફોન કરેલો. મને કહેલું કે  મારો ભાઈ કેતન જામનગર શિફ્ટ થાય છે તો કોઈ સરસ બંગલો શોધી આપો.” 

” બાકી મારી એમને કોઈ ઓળખાણ નથી. પણ પાર્ટી માલદાર હોં  !!  પાંચ મિનિટમાં તો દલાલીના પૈસા મારા ખાતામાં ટ્રાન્સફર કર્યા અને તારા પાંચ હજાર જુદા !!”  જયેશભાઈએ કહ્યું.

” અરે શેઠ તમને શું વાત કહું ? એમણે તો ગાડી સીધી પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ  ઓફિસ લેવડાવી. એ કાં તો પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટના સગા છે કાં તો કોઈ મોટા ઓફિસર છે !! ખુદ ઇન્સ્પેક્ટર જાડેજા મને મળવા આવ્યા અને ભલામણ કરી કે સાહેબને ગ્રાન્ડ ચેતનામાં જમાડી દેજો અને ત્યાં એક પણ પૈસો આપવાનો નથી. ”  માલવિયાએ પોરસાઈને કહ્યું.

” શું વાત કરે છે ? આ લે લે !! તો તો મારે ઈમને મળવું જ પડશે. સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબના મહેમાન હોય કે પછી કોઈ અધિકારી !!   આપણા માટે તો એ વીઆઈપી  બની જાય. ” જયેશભાઈ ઉત્સાહમાં આવી ગયા.

” મને કહે કે જયેશભાઈની રજા લઈને ત્રણ દિવસ મારે ત્યાં આવી જા અને  મને ત્રણ દિવસ સુધી ફેરવી જામનગરના બધા જ એરીયા બતાવી દે અને તમામ રસ્તા સમજાવી દે. અને આ ત્રણ દિવસની સેવાના બીજા પાંચ હજાર રોકડા મને ગણી આપ્યા. ” માલવિયા બોલ્યો.

” આ તો બહુ મોટો માણસ કહેવાય !! નક્કી જામનગરમાં આવવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હશે. સૌથી પહેલાં પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસે જાય અને જાડેજા સાહેબ ખુદ બહાર સુધી ભલામણ કરવા આવે એટલે કંઇક તો સિક્રેટ હશે જ. કોઈ સરકારી અધિકારી હોય તો પણ કોને ખબર ? ” જયેશભાઈ વિચારમાં પડી ગયા.

” સારુ … તું તારે જા ત્રણ દિવસ એમની સાથે રહે… કંઈ જાણવા જેવું હોય તો મને કહેજે. ” જયેશભાઈએ મનસુખને રજા આપી દીધી.

બરાબર સાતના ટકોરે મનસુખ કેતનની સામે હાજર થઈ ગયો.

” તમારું કામ મને ગમ્યું મનસુખભાઈ . મને આવા પંકચ્યુલ માણસો ગમે.  ટાઈમ એટલે ટાઈમ. અમેરિકામાં રહીને આવી ડિસિપ્લિન મેં પણ કેળવી છે. ” કેતને કહ્યું.

” સાહેબ તમારા માટે રસોઈ કરવાવાળી સરસ બાઈ શોધી કાઢી છે.  દક્ષાબેન ની રસોઈ ચાખીને તમે પણ ખુશ થઈ જશો. અને ચંપાબેન બે ટાઈમ આવીને ઘરની સાફ-સફાઇ અને કપડાં વાસણ કરી જશે. ” મનસુખે  કહ્યું.

” આ કામ તમે બહુ સરસ કર્યું. હવે તમે એક કામ કરો. ક્યાંકથી દૂધની બે થેલી લઈ આવો. મમ્મીએ થેપલાં બનાવીને મોકલ્યાં છે. થેપલા અને અથાણા સાથે ચાનો ટેસ્ટ સરસ રહેશે. એક થેલી દૂધ વધશે એની સવારે ચા હું બનાવી દઈશ. સવારે હોટલમાં જમ્યો છું એટલે અત્યારે બહાર જમવાની ઇચ્છા નથી. તમે ચા અને ખાંડ પણ  લેતા આવો ” અને કેતને ૫૦૦ રૂપિયાની નોટ કાઢીને મનસુખને આપી.

” જી સાહેબ ” કહીને માલવિયા બહાર નીકળી ગયો.

લગભગ અડધા કલાક પછી માલવિયા પાછો આવ્યો ત્યારે દૂધની બે થેલીની સાથે ચા ખાંડ નાં  પેકેટ અને સાથે આદુ ફુદીનો પણ લેતો આવ્યો.

” સાહેબ  આદુ ફુદીના વગર ચાની મજા જ ના આવે. ” મનસુખ બોલ્યો.

” ગ્રેટ !!… તમારી આ કોઠાસૂઝની હું કદર કરું છું મનસુખભાઇ “

કેતને મનોમન વિચાર્યું કે આ માણસ ભવિષ્યમાં ખૂબ કામનો છે. સ્વામીજીનો આદેશ માન્યો  છે એટલે કદાચ કુદરત જ આગળના રસ્તા ખોલી રહી છે !!!

ક્રમશઃ

લેખક : અશ્વિન રાવલ

Leave a Reply

Translate »