• Thu. Mar 28th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

43 વર્ષના બ્રેઈનડેડ અસ્તિકા પટેલએ સાત લોકોના જીવનમાં ઉજાસ ફેલાવ્યો

અંગદાન

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની ઓગણચાલીસમી અને ફેફસાના દાનની તેરમી ઘટના.

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

કોળી પટેલ સમાજની બ્રેઈનડેડ અસ્તિકા જીજ્ઞેશભાઈ પટેલ ઉ.વ. ૪૩ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

સુરતની INS હોસ્પિટલથી અમદાવાદનું ૨૭૭ કિ.મીનું અંતર ૧૦૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમરેલીની રહેવાસી ૧૭ વર્ષીય વિદ્યાર્થીનીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

મુંબઈનું ૨૯૫ કિ.મીનું અંતર ૧૧૦ મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી ૫૬ વર્ષીય મહિલામાં મુંબઈની મસીના હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બોટાદની રહેવાસી ૩૨ વર્ષીય મહિલામાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ મહેસાણાની રહેવાસી ૨૫ વર્ષીય મહિલામાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ પાલીતાણાના રહેવાસી ૪૫ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC કરાવવામાં આવ્યું.

રાજપૂત ફળીયુ, ભીનાર ગામ, તા.જલાલપોર, જી.નવસારી ખાતે રહેતા અને નવસારી BAPS સ્વામિનારાયણ મંદિરમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ પટેલ, રવિવાર, તા. ૧૨ ડિસેમ્બરના રોજ તેમની પત્ની આસ્તિકાની સાથે મોટરસાઈકલ ઉપર પોતાના ઘરે ભીનાર થી તેમના સંબંધીને મળવા નવસારી જતા હતા ત્યારે ભીનાર નવસારી રોડ રેલ્વે બ્રીજ ઉતરતા સાગડા પાસે તેમની પત્ની આસ્તિકા અકસ્માતે મોટરસાયકલ પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગઈ હતી. તેને તાત્કાલિક નવસારીમાં આવેલ યશફીન હોસ્પીટલમાં દાખલ કરી નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પરિવારજનોએ તેને સુરતની INS હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.મનોજ સત્યવાણીની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી.

મંગળવાર, તા. ૧૪ ડિસેમ્બરના રોજ INS હોસ્પીટલના ડોકટરોએ આસ્તિકાને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી આસ્તિકાના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

આસ્તિકાના પતિ જીજ્ઞેશે જણાવ્યું કે અમે સામાન્ય પરિવારના છીએ. જીવનમાં અમે કોઈ ચીજવસ્તુનું દાન કરી શકીએ તેમ નથી આજે જયારે મારી પત્ની આસ્તિકા બ્રેઈનડેડ છે, ત્યારે તેના અંગોના દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો. વધુમાં તેઓએ જણાવ્યુ કે અમે વારંવાર વર્તમાનપ્રત્રોમાં અંગદાનના સમાચાર વાંચીએ છીએ. આ એક ઈશ્વરીય કાર્ય છે. BAPS સ્વામીનારાયણ સંસ્થાના વડા પ.પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી અમે આ નિર્ણય લીધો. તેમનો પુત્ર વંદન ધોરણ-૧૦ માં અભ્યાસ કરે છે.

SOTTO દ્વારા લિવર અને બંને કિડની અમદાવાદની IKDRCને ફાળવવામાં આવી, ROTTO પશ્ચિમ વિભાગ દ્વારા ફેફસાની ફાળવણી મુંબઈની મસીના હોસ્પિટલને કરવામાં આવી.

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બોટાદની રહેવાસી ૩૨ વર્ષીય મહિલામાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ મહેસાણાની રહેવાસી ૨૫ વર્ષીય મહિલામાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ પાલીતાણાના રહેવાસી ૪૫ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC કરાવવામાં આવ્યું છે.

હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમરેલીની રહેવાસી ૧૭ વર્ષીય વિદ્યાર્થીનીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીનીને કોરોનાની બીજી વેવ પછી કોરોના થયો હતો અને ત્યાર પછી તેનું હૃદય નબળું પડી ગયું હતું. તેના હૃદયનું પમ્પીંગ ૧૨% થઇ ગયું હતું. છેલ્લા એક મહિનાથી તે હોસ્પિટલમાં દાખલ હતી.

ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી ૫૬ વર્ષીય મહિલામાં મુંબઈની મસીના હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ મહિલાના ફેફસાં કઠણ (પલ્મોનરી ફાઇબ્રોસિસ) થઇ જવાને કારણે તેને એન્ડ સ્ટેજ લંગ્સ ડીસીઝ હતો અને તે આર્ટીફીશીયલ લંગ્સ (એકમો સપોર્ટ) ઉપર હતી.

ગુજરાતમાંથી હૃદયદાનની આ પંચાવનમી અને ફેફસાંના દાનની સત્તરમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ઓગણચાલીસ હૃદય અને ૧૩ જોડ ફેફસા દાન કરાવવામાં આવ્યા છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસાં દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં, ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન અને સુદાનના નાગરિકમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »